UPI Payment 18 Percent GST: દેશભરમાં દરરોજ નાની ચાની લારીઓથી લઈને મોટા શોપિંગ મોલ્સ સુધી કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા UPI ના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, પેમેન્ટ એગ્રીગેટર્સ દ્વારા વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતા MDR પર 18% GST લાદવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસ્તાવ અંગેનો આખરી નિર્ણય આગામી 7 ઓક્ટોબરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.
શું છે સમગ્ર મુદ્દો?
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નાણામંત્રીના અધ્યક્ષપણા હેઠળ અને રાજ્યોના નાણામંત્રીઓની ઉપસ્થિતિમાં મળનારી GST કાઉન્સિલની બેઠકમાં UPI વ્યવહારો પરના MDR ચાર્જિસ પર 18% GST લાગુ કરવા વિચારણા હાથ ધરાશે. સેવાઓ પર GST લાગુ પડતો હોવાથી, ગ્રાહકો અને વેપારીઓના વ્યાપક હિત ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાઓને વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવાનો છે.
15 ઓક્ટોબરથી લાગુ થશે MDR કપાત
સરકારે 15 ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે વેપારીઓને કરવામાં આવતી 2,000 થી વધુના UPI ચૂકવણી પર 0.4% MDR નક્કી કર્યો છે. 75,000 કે તેથી વધુની મોટી રકમની ચૂકવણી માટે આ ચાર્જ મહત્તમ 300 સુધી સીમિત રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય નાગરિકો વચ્ચે થતા વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) વ્યવહારો અને નાની રકમના રોજિંદા ચૂકવણીઓને આ MDR ચાર્જમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. MDR એ વેપારીઓએ બેંકિંગ પ્રોસેસિંગ માટે આપવી પડતી ફી છે, જે બેંક દ્વારા ઓટોમેટિક કાપી લેવાય છે.
સમજો ગણિત: શું કુલ રકમ પર લાગશે 18% GST?
સ્પષ્ટતા અનુસાર, ગ્રાહક દ્વારા કરવામાં આવતી કુલ ચૂકવણીની રકમ પર 18% GST લાગશે નહીં, પરંતુ તે માત્ર વેપારી પાસેથી કાપવામાં આવતા MDR ચાર્જની રકમ પર જ લાગુ થશે.
જો કોઈ ગ્રાહક વેપારીને 10,000 નું UPI પેમેન્ટ કરે, તો 0.4% મુજબ વેપારી પર 40 નો MDR ચાર્જ લાગશે. ત્યારબાદ આ 40 ના MDR પર 18% GST એટલે કે 7.20 અલગથી કાપવામાં આવશે. આ રીતે વેપારીને 10,000 ના ટ્રાન્ઝેક્શન પર કુલ 47.20 નો ખર્ચ થશે.
