PM-VBRY Scheme: પ્રથમ નોકરી મેળવનારા યુવાનોને સરકાર આપશે ₹15,000ની આર્થિક સહાય! જાણો EPFO પોર્ટલ પર શું કરવું પડશે

આ યોજના હેઠળ, યોગ્યતા ધરાવતા કર્મચારીઓને તેમના એક મહિનાના પગાર જેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે, જેની મહત્તમ મર્યાદા ₹15,000 નક્કી કરવામાં આવી છે. સરકાર દ્વારા આ રકમ સીધી કર્મચારીઓના ખાતામાં બે અલગ-અલગ હપ્તામાં જમા કરવામાં આવે છે:

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 18 Oct 2026 12:55 PM (IST)Updated: Sun, 18 Oct 2026 12:55 PM (IST)
pm-vbry-scheme-epfo-15000-financial-assistance-eligibility-financial-literacy-course
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના

Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana: દેશના યુવાનો માટે અને ખાસ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહેલા પ્રથમ વખતના નોકરીયાતો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારની આકાંક્ષી 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' (PM-VBRY) હેઠળ, ઔપચારિક રોજગાર ક્ષેત્રે પ્રવેશી રહેલા યુવાનોને ₹15,000 સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જોકે, આ પ્રોત્સાહક રકમ મેળવવા માટે કર્મચારીઓએ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા નક્કી કરવામાં આવેલી અમુક આવશ્યક શરતો પૂરી કરવી ફરજિયાત રહેશે.

₹15,000 ની આર્થિક સહાય બે હપ્તામાં ચૂકવાશે

આ યોજના હેઠળ, યોગ્યતા ધરાવતા કર્મચારીઓને તેમના એક મહિનાના પગાર જેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે, જેની મહત્તમ મર્યાદા ₹15,000 નક્કી કરવામાં આવી છે. સરકાર દ્વારા આ રકમ સીધી કર્મચારીઓના ખાતામાં બે અલગ-અલગ હપ્તામાં જમા કરવામાં આવે છે:

  • પ્રથમ હપ્તો: જ્યારે કર્મચારી સતત છ મહિનાની નોકરી સફળતાપૂર્વક પૂર્ણ કરે છે, ત્યારે પ્રથમ હપ્તો આપવામાં આવે છે.
  • બીજો હપ્તો: બીજો હપ્તો મેળવવા માટે કર્મચારીએ 12 મહિનાની નોકરી પૂરી કરવી પડશે. આ ઉપરાંત, EPFO મેમ્બર પોર્ટલ પર ઉપલબ્ધ ખાસ 'નાણાકીય સાક્ષરતા' કોર્સ પૂર્ણ કરવો ફરજિયાત છે.

આનો અર્થ એ છે કે માત્ર નોકરીમાં જોડાય જવાથી સંપૂર્ણ સહાયતા રકમ આપોઆપ મળી જશે નહીં, પરંતુ નિયત શરતો અને કોર્સ પૂરો કર્યા બાદ જ બીજા હપ્તાની રકમ જમા કરવામાં આવશે.

કોણ લઈ શકે છે PM-VBRY યોજનાનો લાભ?

આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારે ચોક્કસ માપદંડો નિર્ધારિત કર્યા છે:

  • પ્રથમ વખતનો રોજગાર: કર્મચારી પ્રથમ વખત ઔપચારિક રોજગાર ક્ષેત્રે જોડાયેલો હોવો જોઈએ અને અગાઉ ક્યારેય EPFO નો સભ્ય બનેલો ન હોવો જોઈએ.
  • પગાર મર્યાદા: કર્મચારીનો માસિક પગાર ₹1 લાખ સુધીનો હોવો આવશ્યક છે.
  • સમયગાળો: EPFO ના નિયમો મુજબ, જે પાત્ર યુવાનો 1 ઓગસ્ટ, 2025 થી 7 જુલાઈ, 2027 ની વચ્ચે નવી નોકરી મેળવશે, તેઓ જ આ યોજનાનો લાભ મેળવવા માટે હકદાર રહેશે.
  • EPFO અને આધાર સીડીંગ: કર્મચારીનું EPFO માં પ્રોપર રજિસ્ટ્રેશન હોવું જોઈએ તથા બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે, જેથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા રકમ ખાતામાં પહોંચી શકે.

EPFO મેમ્બર પોર્ટલ પર 'ફાઈનાન્સિયલ લિટરસી' કોર્સ કરવો કેમ જરૂરી?

બીજો હપ્તો મેળવવા માટે કર્મચારીએ EPFO મેમ્બર પોર્ટલ પર લોગિન કરીને નાણાકીય સાક્ષરતા અંગેનો ઓનલાઈન કોર્સ પૂર્ણ કરવાનો રહેશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા યુવા કર્મચારીઓમાં બચત, નાણાકીય આયોજન, ભવિષ્યની આર્થિક સુરક્ષા અને પ્રોવિડન્ટ ફંડ (PF) ના લાભો અંગે જાગૃતિ લાવવાનો છે.

કેન્દ્ર સરકારે ઔપચારિક રોજગાર (Formal Employment) ને ઉત્તેજન આપવા અને પ્રથમ વખત શ્રમ બજારમાં પ્રવેશતા યુવાનોને આર્થિક ટેકો પૂરો પાડવાના હેતુથી આ મહત્વકાંક્ષી યોજના શરૂ કરી છે.