PF Calculations: ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) હેઠળ આવરી લેવામાં આવતી વેતન મર્યાદા (Wage Limit) ને 15,000 થી વધારીને 25,000 કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી જે કર્મચારીઓનો મૂળ પગાર 15,000 થી વધુ હતો, તેઓ કર્મચારી પેન્શન યોજના (EPS) નો લાભ મેળવવાથી વંચિત રહી જતા હતા. પરંતુ હવે નવા નિયમો અમલી બનતા આશરે 51 લાખ જેટલા નવા કર્મચારીઓ પણ સીધા પેન્શન યોજનાના દાયરામાં આવી જશે.
નવા નિયમથી પેન્શન યોજનામાં શું બદલાવ આવશે?
અગાઉ સપ્ટેમ્બર 2014 ના અથવા તે પછી EPF ના સભ્ય બનનારા અને 15,000 થી વધુ મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને સામાન્ય રીતે EPS માટે લાયક ગણવામાં આવતા નહોતા. તેમના કિસ્સામાં, કર્મચારીનો 12% હિસ્સો અને એમ્પ્લોયર (કંપની) નો 12% હિસ્સો બંને પૂરેપૂરા EPF એકાઉન્ટમાં જ જમા થતા હતા.
પરંતુ હવે 25,000 સુધીનો મૂળ પગાર ધરાવતા તમામ કર્મચારીઓ માટે EPS માં જોડાવું ફરજિયાત બની ગયું છે. આનાથી કંપનીના 12% યોગદાનમાંથી એક ચોક્કસ ભાગ EPS એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, જેથી નિવૃત્તિ બાદ કર્મચારીઓને માસિક પીએફ પેન્શનનો લાભ મળશે.
20,000 ના મૂળ પગાર પર કેવી રીતે થશે ગણતરી?
જો તમારો મૂળ (Basic) પગાર ₹20,000 હોય, તો તમારી ટેક-હોમ સેલરી અને પેન્શન ફાળવણી પર નીચે મુજબની અસર જોવા મળશે:
- ટેક-હોમ સેલરીમાં ફેરફાર: અગાઉ તમારો પીએફ 15,000 ની મર્યાદા પર કાપવામાં આવતો હોવાથી તમારું યોગદાન 1,800 થતું હતું. પરંતુ હવે 20,000 ના મૂળ પગાર પર 12% લેખે 2,400 કાપવામાં આવશે. આના પરિણામે દર મહિને 600 વધુ પીએફ કપાશે, જેનાથી હાથમાં આવતો પગાર દર મહિને 600 જેટલો ઓછો થશે.
- પેન્શન અને PF માં યોગદાનનું વિભાજન: મૂળ પગાર 20,000 પર કંપનીના 12% યોગદાનમાંથી 8.33% હિસ્સો (એટલે કે ₹1,666) તમારા EPS (પેન્શન) એકાઉન્ટમાં જમા થશે. જ્યારે બાકીનો 3.67% હિસ્સો (એટલે કે 734) તમારા EPF એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
લાંબા ગાળે કર્મચારીઓને મોટો આર્થિક લાભ
જોકે ટેક-હોમ સેલરીમાં થોડો ઘટાડો ચોક્કસ નોંધાશે, પરંતુ લાંબા ગાળે આ નિર્ણય કર્મચારીઓ માટે વરદાન સાબિત થશે. વધેલા પીએફ કાપથી નિવૃત્તિ સમયે મળનારું કોર્પસ ફંડ પણ વધશે અને સાથે-સાથે સરકારી પેન્શનની ખાતરી મળવાથી રિટાયરમેન્ટ પછીનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનશે.
