8th Pay Commission News: કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત મહત્વના ગણાતા 8મા કેન્દ્રીય પગાર પંચ (8th Pay Commission) ની ચંદીગઢ ખાતેની ત્રણ દિવસીય સમીક્ષા મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ મુલાકાત દરમિયાન દેશના વિવિધ કર્મચારી સંગઠનો અને એસોસિએશનોએ પંચ સમક્ષ પોતાના પડતર પ્રશ્નો અને નવી પગાર રચના અંગેની માંગણીઓ રજૂ કરી હતી. સમગ્ર ચંદીગઢ બેઠક દરમિયાન 3.25 ના ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) ની માંગણી ચર્ચાના મુખ્ય કેન્દ્રસ્થાને રહી હતી. પંચે હવે તેનો આગામી પ્રવાસ નિર્ધારિત કર્યો છે અને 7 તથા 8 ઓક્ટોબરે બેંગલુરુ ખાતે તમામ હિતધારકો સાથે સીધી ચર્ચા હાથ ધરશે, જ્યાં પગાર, પેન્શન અને એલાઉન્સ સંબંધિત ચાવીરૂપ મુદ્દાઓ પર અંતિમ મંથન થશે.
3.25 ફિટમેન્ટ ફેક્ટરની કેમ થઈ રહી છે માંગ?
ચંદીગઢ બેઠક બાદ નર્સિસ વેલ્ફેર એસોસિએશન (NWA) અને પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) ના પ્રતિનિધિઓએ પોતાની માંગણીઓ અંગે ભારે આશાવાદ વ્યક્ત કર્યો હતો. કર્મચારી મંડળોએ હાલના 7મા પગાર પંચ હેઠળ લાગુ કરાયેલા 2.57 ના ફિટમેન્ટ ફેક્ટરને બદલે 8મા પગાર પંચમાં 3.25 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની સ્પષ્ટ માંગ કરી છે.
સંગઠનોએ તર્ક આપ્યો હતો કે દેશમાં સતત વધી રહેલો મોંઘવારી દર, જીવનનિર્વાહ અને ઘરભાડાનો ખર્ચ, બાળકોના શિક્ષણ તથા આરોગ્યસંભાળના વધેલા દરોને ધ્યાનમાં લેતા પગારમાં મોટો સુધારો કરવો અનિવાર્ય છે. આ ઉપરાંત ચોવીસ કલાક નર્સિંગ અને ઈમરજન્સી સેવાઓ આપતા કર્મચારીઓના પડકારજનક કામના કલાકો પણ આ વધારાને વ્યાજબી ઠેરવે છે. NWA એ નર્સિંગ અધિકારીઓ માટે લેવલ 10 ના એન્ટ્રી-લેવલ પે-સ્કેલની માંગણી કરી છે, જે સ્વાસ્થ્ય મંત્રાલયની ભલામણો અને મિલિટરી નર્સિંગ સર્વિસના ધોરણો સાથે સુસંગત છે.
સમિતિની રચનાને 10 મહિનાથી વધુ સમય વીત્યો
નોંધનીય છે કે, 8મા પગાર પંચની રચના થયાને 10 મહિનાથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન પંચની સમિતિએ દેશભરના વિવિધ રાજ્યો અને સંવેદનશીલ વિસ્તારો જેવા કે દિલ્હી, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં સ્થાનિક કર્મચારીઓ અને અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને પ્રતિસાદ મેળવ્યો છે.
હવે ચંદીગઢનો તબક્કો પૂર્ણ થયા બાદ તમામ નજર 7 અને 8 ઓક્ટોબરે બેંગલુરુમાં યોજાનારી આગામી બેઠક પર મંડરાયેલી છે. કર્મચારી સંગઠનોને પૂરો વિશ્વાસ છે કે બેંગલુરુ પરિષદ બાદ પંચ જ્યારે પોતાનો અંતિમ અહેવાલ સરકારને સુપરત કરશે, ત્યારે દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર તથા પેન્શનમાં બમ્પર વધારો જોવા મળશે.
