8th Pay Commission Arrears; કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. નવા પગાર પંચની ભલામણો જ્યારે પણ લાગુ કરવામાં આવશે, ત્યારે તેને 1 જાન્યુઆરી 2026થી જ અસરકારક ગણવામાં આવશે. આ સંજોગોમાં, જો પંચની ભલામણોના અમલમાં વિલંબ થશે તો કર્મચારીઓને મહિનાઓનું એકસાથે મસમોટું એરિયર ચૂકવવામાં આવશે, જે લેવલ-7 ના કર્મચારીઓ માટે રૂ. 14 લાખથી વધુ હોઈ શકે છે.
ચેન્નાઈથી શરૂ થશે બેઠકોનો દોર
મળતી માહિતી અનુસાર, કમિશનની ટીમ ટૂંક સમયમાં ચેન્નાઈ ખાતે પોતાની મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે. ત્યારબાદ દેશના અન્ય અગ્રણી શહેરોમાં પણ સંબંધિત હિતધારકો સાથે બેઠકો યોજવામાં આવશે. તમામ ચર્ચાઓ પૂર્ણ થયા બાદ કમિશન પોતાનો અંતિમ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. કેબિનેટની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ જ આ નવું પગાર પંચ સમગ્ર દેશમાં વિધિવત રીતે લાગુ થશે.
20 મહિનાના વિલંબ પર કેવી રીતે બનશે રૂ. 14 લાખનું એરિયર?
નિષ્ણાતોના અંદાજ મુજબ, જો નવા પગાર પંચના અમલીકરણમાં આશરે 20 મહિનાનો વિલંબ થાય, તો કર્મચારીઓને મળવાપાત્ર એરિયરની રકમ આશ્ચર્યજનક સ્તરે પહોંચી જશે. ગણતરી મુજબ:
લેવલ-7 કર્મચારીઓ
હાલમાં 7મા પગાર પંચ હેઠળ લેવલ-7 નો શરૂઆતનો મૂળ પગાર (Basic Pay) ₹44,900 છે. 2.57 ના ફિટમેન્ટ ફેક્ટર અનુસાર 8મા પગાર પંચમાં તેમનો મૂળ પગાર વધીને આશરે ₹1,15,393 થઈ શકે છે. આનાથી તેમના માસિક પગારમાં ₹70,493 નો વધારો થશે. પરિણામે, 20 મહિનાનું કુલ એરિયર ₹14.10 લાખ જેટલું બનશે.
અન્ય લેવલના કર્મચારીઓ
આ જ ગણતરીના આધારે 20 મહિનાના વિલંબ પર લેવલ-6 ના કર્મચારીઓને આશરે ₹11.11 લાખ, લેવલ-5 ના કર્મચારીઓને ₹9.13 લાખ અને લેવલ-4 ના કર્મચારીઓને આશરે ₹8 લાખ સુધીનું એરિયર એકસાથે મળી શકે છે.
કર્મચારીઓની આતુરતાપૂર્વક રાહ
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હાલ કમિશનની આગામી બેઠકો અને સત્તાવાર અહેવાલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમલમાં જેટલો વધુ સમય લાગશે, કર્મચારીઓને મળવાપાત્ર એરિયરની એક સામટી રકમ એટલી જ મોટી થતી જશે. જોકે, આ આંકડા અંદાજિત ગણતરી પર આધારિત છે અને આખરી નિર્ણયો સરકારની મંજૂરી બાદ જ સ્પષ્ટ થશે.
