Fuel Shortage Rumors: મિડલ ઈસ્ટમાં તણાવને પગલે ક્રૂડ સપ્લાયનો પૂરવઠો ખોરવાઈ જવાની ચિંતાઓ વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની અછત થઈ જવાની અફવાઓ ફેલાતા પેનિક બાઈંગ જોવા મળી રહ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં ગુજરાતમાં પેનિક બાઈંગ જોવા મળ્યું હતુ, પરંતુ હવે પેટ્રોલ પંપો મોટાભાગે ખાલી જોવા મળી રહ્યા છે.
બીજી તરફ દેશના અન્ય ભાગોમાં સતત ફેલાતી અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો બાટલા, પાણીની ટાંકી, ડોલ સહિત જે વાસણ મળે તે લઈને પેટ્રોલ પંપો પર પહોંચી રહ્યા હોય, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
એવામાં પેટ્રોલ પંપ પર અરાજક્તા જોઈને સૌ કોઈના મનમાં એક પ્રશ્ન અચૂક થાય કે, શું કોઈ એક વ્યક્તિ માટે પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે કોઈ કાયદેસરની મર્યાદા છે? તો ચાલો સરકારી નિયમો અને પેટ્રોલિયમ એક્ટ અંતર્ગત જાણીએ કે, એક દિવસમાં કેટલું પેટ્રોલ ખરીદી શકીએ છીએ અને ઘરમાં તેનો સ્ટોક રાખવા માટેના ક્યા નિયમો છે?
પેટ્રોલ ખરીદવાની લિમિટ કેટલી છે? (Petrol Buying Limit)
કાયદેસર રીતે તમારી ગાડીની ટાંકી ફૂલ કરાવવા અથવા રોજિંદા વપરાશ માટે પેટ્રોલ ખરીદવા માટેની કોઈ લિમિટ નથી નક્કી કરવામાં આવી. જો પેટ્રોલ કે ડીઝલ ડાયરેક્ટ વાહનની ટાંકીમાં ભરવામાં આવી રહ્યું હોય, તો તમે તમારી જરૂરિયાત મુજબ દિવસમાં ગમે તેટલીવાર પેટ્રોલ-ડીઝલ ભરાવી શકો છે.
બોટલ કે કેરબામાં પેટ્રોલ લેવાના નિયમ (Petrol Storage Rules)
ઘણાં લોકોની ગાડીઓ રસ્તામાં બંધ પડી જાય અથવા અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગથી પેટ્રોલ ખરીદતા હોય છે. જો કે આવી બાબતોમાં નિયમો ખૂબ જ સખ્ત છે.
સામાન્ય રીતે પેટ્રોલ પંપના ઑનર ખુલ્લા કન્ટેનરમાં માત્ર 2 થી 5 લિટર જેટલું જ પેટ્રોલ આપી શકે છે, પરંતુ કેટલાક સંજોગોમાં આ પ્રમાણ 10 લીટર સુધી હોઈ શકે છે. જો કે આ માટે ગ્રાહકે કાયદેસરનું કારણ દર્શાવવું ફરજિયાત છે.
પેટ્રોલિયમ એક્ટ 1934 અંતર્ગત પેટ્રોલ પંપ પર પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ આપવાની સખ્ત મનાઈ છે. પેટ્રોલ વધારે જ્વલનશીલ પદાર્થ હોવાથી માત્ર સરકાર દ્વારા મંજૂરી પ્રાપ્ત મેટલ કન્ટેનરો અથવા ખાસ બનાવવામાં આવેલ HDPE કેરબામાં જ તેને રાખી શકાય છે.
ઘરમાં પેટ્રોલ-ડીઝલનો કેટલો સ્ટોક રાખી શકાય? (Fuel Storage Safety Rules)
સુરક્ષાના ધોરણો અને આગના જોખમોને ધ્યાનમાં રાખીને, પેટ્રોલિયમ નિયમ 2002 હેઠળ સંગ્રહ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે:
- કોઈપણ સામાન્ય નાગરિક પોતાના ઘરે લાયસન્સ વગર મહત્તમ 30 લિટર સુધી પેટ્રોલ અથવા ડીઝલનો સંગ્રહ કરી શકે છે.
- જો ખેતી, જનરેટર કે વ્યાપારી હેતુ માટે આનાથી વધુ ઈંધણની જરૂર હોય, તો સંબંધિત સરકારી વિભાગ પાસેથી ખાસ પરમિટ કે લાયસન્સ લેવું ફરજિયાત છે.
- નક્કી કરેલી મર્યાદાથી વધુ ઈંધણનો ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન એ દંડપાત્ર ગુનો છે. પકડાયાના કિસ્સામાં ભારે દંડની સાથે જેલની સજા પણ થઈ શકે છે.
