ONGC Mehsana:ONGC મહેસાણા એસેટ દ્વારા 96.03 મિલિયન મેટ્રિક ટન ક્રૂડનું ઉત્પાદન કરાયું; 3 વર્ષમાં CSR ખર્ચ બમણો કરાયો

10 મોટા અને 11 નાના ઓઇલ ફિલ્ડમાં કાર્યરત આ એસેટે વર્ષ 2026 સુધીમાં 96.03 મિલિયન મેટ્રિક ટન (MMT)થી વધુ ક્રૂડ ઓઇલનું સંચિત ઉત્પાદન કર્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 13 Oct 2026 07:18 PM (IST)Updated: Tue, 13 Oct 2026 07:18 PM (IST)
ongc-mehsana-asset-produced-9603-million-metric-tonnes-of-crude

ONGC Mehsana:ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)ના મહેસાણા એસેટ દ્વારા ક્રુડ ઓઈલ ઉત્પાદનમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત રોજગાર સર્જન, ખેડૂત કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ દ્વારા સામાજિક-આર્થિક વિકાસમાં પણ યોગદાન આપવામાં આવ્યું છે.

10 મોટા અને 11 નાના ઓઇલ ફિલ્ડમાં કાર્યરત આ એસેટે વર્ષ 2026 સુધીમાં 96.03 મિલિયન મેટ્રિક ટન (MMT)થી વધુ ક્રૂડ ઓઇલનું સંચિત ઉત્પાદન કર્યું છે. દેશના કુલ ઓનશોર ઓઇલ ઉત્પાદનમાં આ એસેટનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ છે. 

મહેસાણા એસેટનું ઓપરેશનલ માળખું વિશાળ છે. તેમાં 11 ડ્રિલિંગ રિગ, 39 ઇન્સ્ટોલેશન કોમ્પ્લેક્સ, 20 વર્કઓવર રિગ અને આશરે 4,700 કિલોમીટર લાંબું પાઇપલાઇન નેટવર્ક સામેલ છે. ભારતના એન્હાન્સ્ડ ઓઇલ રિકવરી(EOR) હબ તરીકે ઓળખાતું મહેસાણા એસેટ ઇન-સિટુ કમ્બશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે. આ ઉપરાંત, કેમિકલ એન્હાન્સ્ડ ઓઇલ રિકવરી ક્ષેત્રે પણ તે દેશના અગ્રણી એકમોમાં સામેલ છે.

અતિ હળવા ક્રૂડ ઓઇલથી લઈને અત્યંત ભારે ક્રૂડ ઓઇલ સુધીના વિવિધ પ્રકારના ક્રૂડના સંચાલન અને ઉત્પાદન માટેની ક્ષમતા ધરાવતું આ એસેટ પરિપક્વ ઓઇલ રિઝર્વોયરમાંથી પણ સતત ઉત્પાદન જાળવી રાખવા માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

ઊર્જા ઉત્પાદન ઉપરાંત ONGC મહેસાણા એસેટ રોજગાર સર્જન, ખેડૂત કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ દ્વારા સામાજિક-આર્થિક વિકાસમાં પણ યોગદાન આપી રહ્યું છે.

વર્ષ 2025 દરમિયાન એસેટે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS) હેઠળ આશરે 85 ઇન્ટર્ન અને 115 એપ્રેન્ટિસને તક પૂરી પાડી હતી. આ પહેલનો હેતુ યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને રોજગારની તકોને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં રોજગાર મેળવવા માટે જરૂરી અનુભવ અને કૌશલ્ય વિકસાવવામાં પણ મદદ મળે છે.

ખેડૂતોના કલ્યાણ માટે એસેટ દર વર્ષે આશરે 10,500 ખેડૂતોને જમીનના ભાડા અને વળતર પેટે કુલ ₹92 કરોડની ચુકવણી કરે છે. ખેડૂતોની ફરિયાદોનું પારદર્શક અને સરળ નિરાકરણ લાવવા માટે ONGC દ્વારા ‘ખેડૂત સહયોગ કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવી છે. આ સિંગલ વિન્ડો ફરિયાદ નિવારણ વ્યવસ્થા હેઠળ ખેડૂતો પોતાની સમસ્યાઓ નોંધાવી શકે છે અને તેની પ્રગતિ પણ જાણી શકે છે.