Mutual Fund Money After Investor Death: જો તમે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)માં રોકાણ કરો છો અથવા તમારા પરિવારમાં કોઈ રોકાણકાર છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. SEBIએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના ટ્રાન્સમિશન (Transfer) સંબંધિત નવા નિયમો અમલમાં મૂક્યા છે, જે 22 ઓગસ્ટ 2026થી લાગુ થયા છે. નવા નિયમોનો હેતુ રોકાણકારના અવસાન બાદ નૉમિની (Nominee) અથવા કાનૂની વારસદારોને યુનિટ્સ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.
SEBIના નવા નિયમોમાં શું બદલાયું?
અગાઉ નાની-મોટી ભૂલોના કારણે ઘણા દાવા નામંજૂર થઈ જતા હતા અને પ્રક્રિયા પણ લાંબી બનતી હતી. હવે SEBIએ ટ્રાન્સમિશન પ્રક્રિયાને સરળ બનાવી છે. નવા નિયમોને મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
Joint Holding હોય તો શું થશે?
જો પતિ-પત્ની અથવા બે વ્યક્તિઓએ મળીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય, તો તેને Joint Holding કહેવાય છે. આવા કિસ્સામાં જો એક હોલ્ડરનું અવસાન થાય તો જીવિત હોલ્ડર માટે પ્રક્રિયા ઘણી સરળ રહેશે. નવી વ્યવસ્થા મુજબ AMC હવે જીવિત હોલ્ડર પાસેથી વારંવાર KYC, Indemnity Bond અથવા Undertaking જેવા દસ્તાવેજો માંગશે નહીં. માત્ર મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કર્યા બાદ એકાઉન્ટ જીવિત હોલ્ડરના નામે ટ્રાન્સફર થઈ શકશે.
Single Holder અને Nominee નોંધાયેલ હોય તો
જો મ્યુચ્યુઅલ ફંડ માત્ર એક વ્યક્તિના નામે હોય અને તેમાં પહેલેથી નૉમિની નોંધાયેલ હોય, તો નૉમિની AMC અથવા RTA પાસે ટ્રાન્સમિશન માટે અરજી કરી શકે છે. આ માટે ટ્રાન્સમિશન રિક્વેસ્ટ ફોર્મ, વેરિફાય કરી શકાય તેવું મૃત્યુ પ્રમાણપત્ર અને Statement of Account (SoA) આપવું પડશે. જોકે, અહીં એક મહત્વની વાત એ છે કે નૉમિની સીધો કાનૂની માલિક બની જતો નથી. SEBIના નિયમો મુજબ નૉમિની માત્ર ‘ટ્રસ્ટી’ તરીકે સંપત્તિ પ્રાપ્ત કરે છે. અંતિમ માલિકીનો નિર્ણય વારસાગત કાયદા મુજબ થાય છે.
Nominee ન હોય તો કોને મળશે પૈસા?
આ સૌથી જટિલ પરિસ્થિતિ માનવામાં આવે છે. જો રોકાણકારે કોઈ નૉમિની નોંધાવ્યો ન હોય, તો દાવો કરનાર વ્યક્તિએ પોતે કાનૂની વારસદાર હોવાનું સાબિત કરવું પડે છે. દાવાની રકમના આધારે SEBIએ અલગ-અલગ પ્રક્રિયા નક્કી કરી છે.
₹10,000 સુધીનો ક્લેમ (SoA Mode)
આ માટે Quick Transmission Processing (QTP)ની સુવિધા છે. માતા-પિતા, જીવનસાથી અથવા સંતાનો જેવા નજીકના સંબંધીઓને મૃત્યુ પ્રમાણપત્ર અને સંબંધનો પુરાવો રજૂ કરવો પડશે.
₹10,000થી ₹10 લાખ સુધીનો ક્લેમ
આ કેટેગરીમાં Simplified Documentation લાગુ પડે છે. તેમાં Notarized Indemnity Bond અને કાનૂની વારસદારોનું Affidavit અથવા NOC રજૂ કરવું પડી શકે છે.
₹10 લાખથી વધુનો ક્લેમ
મોટા દાવાઓ માટે Will, Legal Heirship Certificate, Succession Certificate અથવા અન્ય મજબૂત કાનૂની દસ્તાવેજોની જરૂર પડી શકે છે.
ડિમેટ એકાઉન્ટ માટે અલગ મર્યાદા
જો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ડિમેટ એકાઉન્ટમાં રાખવામાં આવ્યા હોય, તો QTPની મર્યાદા ₹30,000 સુધી અને Simplified Documentationની મર્યાદા ₹30 લાખ સુધી વધારી દેવામાં આવી છે.
SEBIના નવા નિયમોના 3 મોટા ફાયદા
1. QR Code વાળા Death Certificate પણ માન્ય
હવે દરેક જગ્યાએ મૂળ મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર નથી. QR Code દ્વારા ચકાસી શકાય તેવા પ્રમાણપત્ર પણ સ્વીકારવામાં આવશે.
2. 21 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે
બધા જરૂરી દસ્તાવેજો મળ્યા બાદ AMCએ 21 કેલેન્ડર દિવસની અંદર ક્લેમની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
3. ક્લેમ સબમિટ થતાં જ રસીદ મળશે
દાવો નોંધાયા બાદ રોકાણકારના પરિવારને તરત Acknowledgment આપવામાં આવશે અને કોઈ દસ્તાવેજની ખામી હોય તો શરૂઆતમાં જ જાણ કરવામાં આવશે.
SEBIના નવા ટ્રાન્સમિશન નિયમો મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના પરિવાર માટે મોટી રાહત સમાન છે. Joint Holding, Nominee અને Legal Heirs માટે અલગ-અલગ સ્પષ્ટ પ્રક્રિયા નક્કી કરાતા હવે રોકાણકારના અવસાન બાદ યુનિટ્સ ટ્રાન્સફર કરાવવાનું કામ વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે.
