Ahmedabad’s Mutual Fund:હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) સાથે સંકળાયેલા MSMEs માટે ‘રિફ્રેમિંગ જનરેશનલ વેલ્થ – How Mutual Funds are Becoming the New-Age Legacy થીમ હેઠળ રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ માલિકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સંપત્તિ સર્જન, નાણાકીય આયોજન અને આવનારી પેઢીઓ માટે ટકાઉ વારસો ઊભો કરવાની બદલાતી રીતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત મ્યુચ્યુઅલ ફંડ માટે સતત મહત્વના બજાર તરીકે ઉભરી રહ્યું છે અને ઇક્વિટી રોકાણમાં ભાગીદારીમાં પણ વધારો થઈ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની દૃષ્ટિએ અમદાવાદ માર્ચ 2026 સુધીમાં રૂપિયા 2.2 લાખ કરોડના AUM સાથે દેશમાં છઠ્ઠું સૌથી મોટું બજાર રહ્યું હતું, જે ભારતમાં કુલ મ્યુચ્યુઅલ ફંડ AUMના 2.82% જેટલું છે.અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ શહેરના AUMમાં આશરે 19%નો વધારો નોંધાયો હતો.
અમદાવાદમાં 5.99 લાખ નોંધાયેલા MSMEs હોવાથી આ ચર્ચા ઉદ્યોગસાહસિક સમુદાય માટે ખૂબ જ પ્રાસંગિક રહી હતી. કાર્યક્રમ દરમિયાન સહભાગીઓને સંપત્તિ જાળવવાના પરંપરાગત માધ્યમોથી આગળ વધીને તેમના વ્યાપક નાણાકીય આયોજનના ભાગરૂપે શિસ્તબદ્ધ રોકાણને ધ્યાનમાં લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ અને રિજનલ હેડ (ગુજરાત) ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,અમદાવાદની ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ ખૂબ જ મજબૂત છે અને અનેક બિઝનેસ પરિવારો માટે સંપત્તિ સર્જન હંમેશાથી તેમના વ્યવસાયની સફળતા સાથે ગાઢ રીતે જોડાયેલું રહ્યું છે. ભારતીય પરિવારોમાં સોનું અને મિલકત પરંપરાગત રીતે સંપત્તિના વિશ્વસનીય માધ્યમો રહ્યા છે, પરંતુ આજના ઉદ્યોગસાહસિકોની નાણાકીય જરૂરિયાતો અને આકાંક્ષાઓ બદલાઈ રહી છે.
સહભાગીઓએ નોંધ લીધી હતી કે મિલકત, સોનું અને પૈતૃક સંપત્તિ આજે પણ ભાવનાત્મક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, પરંતુ આજના સમયમાં વારસો આગળ વધારવાનો અર્થ માત્ર માલિકી પૂરતો સીમિત નથી. ન્યૂ-એજ લેગસી એવી હોય છે જેમાં સંપત્તિમાં વૃદ્ધિ કરવાની સંભાવના હોય તે સરળતાથી ઉપલબ્ધ હોય, જરૂરિયાત સમયે સરળતાથી રોકડમાં રૂપાંતરિત કરી શકાય અને આગામી પેઢીને સરળતાથી હસ્તાંતરિત કરી શકાય.
