Mukesh Ambani Salary News: એશિયાના અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાની અઢળક સંપત્તિ માટે જાણીતા છે. પરંતુ તાજેતરના અહેવાલો મુજબ, તેઓ છેલ્લા 6 વર્ષથી નાણાકીય વર્ષ 2020-21 થી 2025-26 સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માંથી કોઈ પણ પ્રકારનો પગાર, ભથ્થાં, નિવૃત્તિ લાભો કે સ્ટોક ઓપ્શન્સ લેતા નથી. કોવિડ-19 મહામારી દરમિયાન દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમણે સ્વેચ્છાએ આ નિર્ણય લીધો હતો.
રસપ્રદ વાત એ છે કે, આ 6 વર્ષના સમયગાળા દરમિયાન પણ રિલાયન્સનો વાર્ષિક નફો સતત વધતો રહ્યો છે અને નાણાકીય વર્ષ 2025-26માં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો ₹95,754 કરોડ પર પહોંચી ગયો હતો.
પગારની મર્યાદાનો ઇતિહાસ
કોવિડ સમયગાળા પહેલા પણ મુકેશ અંબાણીએ પોતાના વાર્ષિક પગાર પર મર્યાદા મૂકી રાખી હતી. નાણાકીય વર્ષ 2008-09થી તેમણે પોતાનું વાર્ષિક મહેનતાણું ₹15 કરોડ સુધી સીમિત રાખ્યું હતું. આ સ્વ-લાદવામાં આવેલી મર્યાદા સતત 12 વર્ષ સુધી અમલમાં રહી હતી, ભલે તે સમયગાળા દરમિયાન રિલાયન્સના બિઝનેસ અને પ્રોફિટમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ હોય.
મુકેશ અંબાણીની પગાર વગર કેવી રીતે વધે છે સંપત્તિ?
અહીં સામાન્ય રીતે બે પ્રશ્નો થાય પગાર ન લેવા છતાં તેમની આવક કેવી રીતે થાય છે? અને માત્ર ₹15 કરોડના પગારથી આટલી મોટી સંપત્તિ કેવી રીતે એકઠી થઈ? ચાલો જાણીએ; મુકેશ અંબાણી અને તેમનો પરિવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ મોટો હિસ્સો શેરહોલ્ડિંગ ધરાવે છે. તેથી શેરબજારમાં જેમ જેમ કંપનીના શેરના ભાવ વધે છે, તેમ તેમ તેમની વ્યક્તિગત નેટવર્થ પણ આપોઆપ વધતી જાય છે. આવક અને નેટવર્થ બંને અલગ બાબતો છે.
બીજું, તેમની નિયમિત આવકનો મુખ્ય સ્ત્રોત ડિવિડન્ડ છે. જ્યારે કંપની નફો કમાય છે, ત્યારે તે પોતાના નફાનો એક ભાગ શેરધારકોને વહેંચે છે. મુકેશ અંબાણી વ્યક્તિગત રીતે રિલાયન્સના આશરે 1.61 કરોડ શેર ધરાવે છે. નાણાકીય વર્ષ 2025 માટે કંપનીએ શેર દીઠ ₹6નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું, જેના આધારે તેમને માત્ર વ્યક્તિગત શેર પર જ ₹9.66 કરોડની ડિવિડન્ડ આવક થઈ હતી. આ સિવાય પ્રમોટર ગ્રુપ તરીકે અન્ય કંપનીઓ દ્વારા પણ મોટું ડિવિડન્ડ મળતું હોય છે.
લાખો લોકોને રોજગારી આપતું રિલાયન્સ ગ્રુપ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માત્ર દેશમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે મોટું નામ છે. આ ગ્રુપ દેશના આર્થિક વિકાસમાં અને રોજગારી આપવામાં સિંહફાળો આપે છે. ગયા વર્ષે જ કંપનીએ 1,00,000 થી વધુ નવી નોકરીઓ પૂરી પાડી હતી, જેના કારણે 31 માર્ચ, 2026 સુધીમાં કંપનીના કુલ ઓન-રોલ કર્મચારીઓની સંખ્યા 4,19,911 એ પહોંચી ગઈ છે. આ ઉપરાંત, જામનગર ખાતે બની રહેલા 'ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ' પ્રોજેક્ટ દ્વારા આગામી સમયમાં વધુ 2,00,000 નવી રોજગારીની તકો ઊભી થવાની આશા છે.
