New Rules From 1 September: 1 સપ્ટેમ્બરથી બદલાશે આ મોટા નિયમ; LPG, FD અને ITR સહિતની બાબતો તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

New Rules From 1 September 2026: 1 સપ્ટેમ્બર 2026 થી LPG ગેસ સિલિન્ડર, બેંક FD, ITR ડેડલાઇન, અને વિદેશ મુસાફરીના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો આ નિયમોની તમારા ખિસ્સા પર શું અસર થશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 01 Sep 2026 12:25 AM (IST)Updated: Tue, 01 Sep 2026 12:25 AM (IST)
major-rule-changes-from-1-september-2026-fd-bulk-deposit-lpg-e-kyc-itr-deadline-atm-charges-and-more

New Rules From 1 September 2026: આજે 1 સપ્ટેમ્બરથી સામાન્ય માણસના ખિસ્સા અને નાણાકીય આયોજન પર સીધી અસર કરતા અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. નવા મહિનાની શરૂઆત સાથે બેંકિંગ, ગેસ સિલિન્ડર, ટેક્સ, ક્રેડિટ કાર્ડ અને વિદેશ મુસાફરીને લગતા નિયમોમાં મોટા ફેરફારો લાગુ થશે. આર્થિક નુકસાનથી બચવા અને બિનજરૂરી ચાર્જ ટાળવા માટે, મહિનાની શરૂઆત પહેલાં આ નવા નિયમો અને ડેડલાઇન વિશે જાણવું અત્યંત જરૂરી છે.

વિદેશ મુસાફરીના નિયમોમાં શું ફેરફાર થશે?

1 સપ્ટેમ્બરથી ભારતથી વિદેશ જતા મુસાફરોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. હવેથી ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાની જરૂર રહેશે નહીં. મુસાફરો તેમના મોબાઇલમાં ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને ઇમિગ્રેશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકશે. બ્યુરો ઑફ ઇમિગ્રેશન દ્વારા આ નિર્ણય પ્રક્રિયાને ઝડપી અને વધુ પારદર્શક બનાવવા માટે લેવામાં આવ્યો છે.

ITR ફાઇલિંગ માટે નવી ડેડલાઇન શું છે?

જે કરદાતાઓની આવક બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી થાય છે અને જેમના ખાતાઓનું ઓડિટ જરૂરી નથી, તેમના માટે Assessment Year 2026-27 નું ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે. 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો માટે ITR-4 (સુગમ ફોર્મ) અને તે સિવાયના (જેમ કે F&O ટ્રેડિંગ કરતા) લોકો માટે ITR-3 ફાઇલ કરવું ફરજિયાત છે. સમયસર રિટર્ન ફાઇલ ન કરવા પર લેટ ફી અને પેનલ્ટી લાગુ થઈ શકે છે.

LPG ગેસ સિલિન્ડર અને e-KYC ના નિયમો

રસોઈ ગેસના ગ્રાહકો માટે e-KYC કરાવવાની છેલ્લી તારીખ વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે. જો તમે હજુ સુધી e-KYC અથવા બાયોમેટ્રિક કન્ફર્મેશન નથી કરાવ્યું, તો 1 સપ્ટેમ્બરથી તમને સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ઇન્ડિયન ઓઇલ, HPCL અને BPCL જેવી કંપનીઓએ ગ્રાહકોને આ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા અપીલ કરી છે.

બેંક FD ના નિયમોમાં શું બદલાવ આવશે?

બેંક ફિક્સ ડિપોઝિટ (FD) ના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમ અનુસાર, 3 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની મોટી ડિપોઝિટ પર બેંકોએ દરેક કામકાજના દિવસે સવારે 10:10 વાગ્યા સુધી પોતાની વેબસાઇટ પર વ્યાજદર જાહેર કરવાના રહેશે. જોકે, આ ફેરફારો મુખ્યત્વે મોટી થાપણો માટે છે અને તે 1 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે. સામાન્ય લોકોની નાની FD પર આની કોઈ ખાસ અસર નહીં પડે.

શું મુંબઈમાં દૂધના ભાવમાં વધારો થશે?

મુંબઈના રહેવાસીઓ માટે મોંઘવારીનો વધુ એક ફટકો પડી શકે છે. 1 સપ્ટેમ્બરથી મુંબઈમાં ડેરી ફાર્મમાંથી સપ્લાય થતા ભેંસના દૂધના જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે નવી કિંમત 93 રૂપિયાથી વધીને 102 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. આ નવા ભાવ 28 ફેબ્રુઆરી 2027 સુધી અમલમાં રહેશે. છૂટક કિંમતો દુકાનદારો અને સ્થાનિક સપ્લાયર્સ પર નિર્ભર રહેશે.

અન્ય કયા ફેરફારોની શક્યતા છે?

સપ્ટેમ્બર મહિનામાં આ ફેરફારો ઉપરાંત LPG ગેસ સિલિન્ડરની નવી કિંમતો, ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) ના ભાવ, ATM ચાર્જિસ અને સામાન્ય બેંક FD ના વ્યાજદરમાં પણ સુધારા થવાની સંભાવના છે. આ તમામ બાબતો પર નજર રાખવી હિતાવહ છે.