LPG Gas Booking Rules and Updates 2026: ગ્રાહકો દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરી અને ગભરાટભર્યા બુકિંગને રોકવા માટે કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરના બુકિંગ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, હવે ગ્રાહકો એક સિલિન્ડર લીધા બાદ બીજા સિલિન્ડર માટે લઘુત્તમ 25 દિવસ પછી જ બુકિંગ કરાવી શકશે. અગાઉ આ સમય મર્યાદા 21 દિવસની હતી.
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
સરકારી સૂત્રો અને મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, તાજેતરના દિવસોમાં ગેસ વપરાશની પેટર્નમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. ડેટા વિશ્લેષણ દરમિયાન જાણવા મળ્યું છે કે જે ગ્રાહકો અગાઉ સરેરાશ 55 દિવસમાં સિલિન્ડર બુક કરાવતા હતા, તેઓએ અચાનક જ 15 દિવસની અંદર બુકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પ્રકારની બિનજરૂરી સંગ્રહખોરીને કારણે બજારમાં કૃત્રિમ અછત સર્જાય તેવી ભીતિ હોવાથી સરકારે આ કડક પગલું ભર્યું છે.
પુરવઠો જાળવી રાખવા સરકારની તૈયારી
સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને હાલમાં પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસના ભાવમાં વધારો કરવાનો કોઈ ઈરાદો નથી. ગેસનો સુગમ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા માટે સૂચના આપવામાં આવી છે. તેલ કંપનીઓને કોમર્શિયલ કનેક્શન કરતા ઘરેલું LPG જોડાણોની માંગને પ્રાથમિકતા આપવા આદેશ અપાયો છે. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $130 ને વટાવે નહીં, ત્યાં સુધી સ્થાનિક ભાવ વધારાની શક્યતા નહિવત છે.
વૈશ્વિક સ્તરે ભારતની રણનીતિ
ભારતે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત કરવા માટે અલ્જેરિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને નોર્વે જેવા દેશો સાથે સંપર્ક સાધ્યો છે. આ દેશોએ ભારતને LPG વેચવાની ઓફર કરી છે, જે ભવિષ્યની ભૌગોલિક-રાજકીય અસ્થિરતા સામે ભારતને સુરક્ષિત રાખશે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો
ઘરેલું ગેસના નિયમોમાં ફેરફારની સાથે જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર ઝીંકાયો છે. 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા ભાવ 7 માર્ચથી લાગુ થઈ ગયા છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹115 નો વધારો થતા હવે નવી કિંમત ₹1,883 થઈ છે. આર્થિક રાજધાની મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે ₹1,835 રહેશે.
