LPG ગ્રાહકો માટે મોટો આંચકો: e-KYC વગર સિલિન્ડર મોંઘા પડશે, 10 વર્ષ બાદ ફરી બેવડી કિંમતની વ્યવસ્થા અમલમાં આવશે

LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર. E-KYC પૂર્ણ ન કરનાર ગ્રાહકોને ભવિષ્યમાં બજાર ભાવ મુજબ સિલિન્ડર ખરીદવું પડી શકે છે. ઓઇલ કંપનીઓ ફરી બે ભાવની વ્યવસ્થા લાગુ કરવાની તૈયારીમાં છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 19 Sep 2026 02:43 PM (IST)Updated: Sat, 19 Sep 2026 02:43 PM (IST)
lpg-cylinder-price-hike-without-e-kyc-dual-pricing-system-returns-oil-companies-guidelines

lpg cylinder price hike without e kyc: જો તમારી પાસે LPG કનેક્શન છે અને તમે હજુ સુધી e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો હવે તમારે મોટો આર્થિક ફટકો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 10 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર LPG સિલિન્ડર માટે બેવડી કિંમતની વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. જે ગ્રાહકોનું e-KYC બાકી હશે તેમણે સામાન્ય સબસિડી વાળા દરને બદલે બજાર કિંમતે સિલિન્ડર ખરીદવો પડશે.

ઓઈલ કંપનીઓએ જાહેર કરી નવી માર્ગદર્શિકા

શુક્રવારે દેશની અગ્રણી સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) એ તમામ ગેસ એજન્સીઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હાલમાં દેશભરમાં એક સમાન કિંમતની વ્યવસ્થા અમલમાં છે, પરંતુ નવી નીતિ હેઠળ બે અલગ-અલગ કિંમતો નક્કી થશે. આ નવી વ્યવસ્થા ક્યારથી અમલમાં આવશે તેની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કેવી રીતે કામ કરશે નવી ડ્યુઅલ પ્રાઇસિંગ સિસ્ટમ?

ઓલ ઈન્ડિયા ઈન્ડેન ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, હાલમાં સામાન્ય ઘરેલું સિલિન્ડરની કિંમત આશરે ₹952 છે (જેમાં ₹12 ની સબસિડીનો સમાવેશ થાય છે).

e-KYC પૂર્ણ કરનાર ગ્રાહકો: જે ગ્રાહકોએ પોતાનું e-KYC પૂર્ણ કરી લીધું છે અને જેઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવે છે, તેમને નિયમિત સબસિડી વાળા દરે જ સિલિન્ડર મળશે.

e-KYC ન કરનાર ગ્રાહકો: વારંવાર સુચનાઓ આપવા છતાં જે ગ્રાહકોએ e-KYC નથી કરાવ્યું, તેમણે સબસિડી વગરના પૂર્ણ બજાર ભાવે સિલિન્ડર મેળવવો પડશે, જે નોંધપાત્ર રીતે મોંઘો પડશે.

હજારો ગ્રાહકોનું e-KYC હજુ પણ બાકી

એકલા આગ્રા જિલ્લાના આંકડા જોઈએ તો, કુલ 13.57 લાખ LPG ગ્રાહકોમાંથી 75,000થી વધુ ગ્રાહકોએ અનેક તકો મળવા છતાં હજુ સુધી e-KYC ની પ્રક્રિયા પૂરી કરી નથી. આ ઉપરાંત, ગ્રાહકો માટે હવે દર 25 દિવસે સિલિન્ડર રિફિલ બુક કરાવવાનો નિયમ પણ અમલી છે.

ઓઈલ કંપનીઓનો મુખ્ય હેતુ બોગસ ગેસ કનેક્શનો રદ્દ કરવાનો અને સબસિડીનો લાભ માત્ર સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે. 10 વર્ષ પહેલાં પણ આવી જ બેવડી કિંમતની પ્રણાલી અમલમાં હતી. ગેસ એજન્સીઓએ તમામ ગ્રાહકોને અપીલ કરી છે કે આર્થિક નુકસાનથી બચવા માટે વહેલી તકે નજીકની એજન્સી પર જઈને અથવા મોબાઈલ એપ મારફતે આધાર આધારિત e-KYC પૂર્ણ કરી લેવું.