LIC Investment Loss:દેશના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકાર, લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ને બ્લુ ચિપ સ્ટોક ITCના કારણે માત્ર બે દિવસમાં 10,445 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ નુકસાન ત્યારે થયું જ્યારે સરકારે સિગારેટ પર નવો ટેક્સ લાગુ કરવાની જાહેરાત કરી, જેના પછી ITCના શેરમાં 14% ઘટાડો થયો. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં LIC પાસે ITC માં 15.86% હિસ્સો હતો એટલે કે 199 કરોડ શેર હતા.
બુધવારે મોડી રાત્રે નાણા મંત્રાલયે સિગારેટ પર નવા કર દરોની જાહેરાત કરી હતી. જેમાં 1,000 સ્ટિક્સ પર રૂપિયા 2,050 થી રૂપિયા8,500 ની વચ્ચે ટેક્સ લાગશે, જે સિગારેટની લંબાઈના આધારે રહેશે. આ પછી સંબંધિત કંપનીઓના શેરમાં ઘટાડો થવા લાગ્યો. આજે ITC શેર રૂપિયા345.35ના ત્રણ વર્ષના નીચલા સ્તરે ગબડ્યો અને અંતે ₹350.10 પર બંધ થયો, જે ગુરુવારના બંધની તુલનામાં 3.8% ઘટાડો દર્શાવે છે.
મોતીલાલ ઓસ્વાલે ITC ને 'ખરીદો' થી 'તટસ્થ' કર્યું
સરકારના નિર્ણય બાદ ઘણા મોટા બ્રોકરેજ કંપનીઓએ ITC ના સ્ટોકને ડાઉનગ્રેડ કર્યો છે. જે લોકોએ પહેલા તેને ખરીદવાની ભલામણ કરી હતી તેઓ હવે 'તટસ્થ' અથવા 'હોલ્ડ' પર સ્વિચ કરી રહ્યા છે. મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે સિગારેટ પર કર વધારો નોંધપાત્ર છે.
કર આશરે 50% વધશે, જેના કારણે ITC ને તેની વર્તમાન નફાકારકતા જાળવી રાખવા અને કંપનીની પ્રતિ સિગારેટ આવક જાળવી રાખવા માટે તેના તમામ ઉત્પાદનોના ભાવમાં ઓછામાં ઓછો 25% વધારો કરવાની ફરજ પડશે. આ પછી, બ્રોકરેજ કંપનીએ ITC ને 'ખરીદો' થી 'તટસ્થ' માં ડાઉનગ્રેડ કર્યું અને ₹400 નો નવો લક્ષ્ય ભાવ નક્કી કર્યો.
