KPI Green Energy:ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની કેપી ગ્રુપે 30 સપ્ટેમ્બરના 'ઈન્વેસ્ટર ડે' નિમિત્તે વિકાસની નવી દિશા આપતા પોતાના 'KP 3.0' અને 'વિઝન-2032' વ્યૂહરચનાની જાહેરાત કરી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2032 સુધીમાં પોતાની માલિકીની 10 GW વીજ ઉત્પાદન ક્ષમતા (IPP), 10 GW થર્ડ-પાર્ટી EPC અને 10 GWh ઇન્ટિગ્રેટેડ બેટરી એસેમ્બલી તથા સેલ મેન્યુફેક્ચરિંગ સ્થાપિત કરવાનો મજબૂત નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ વિસ્તરણ સાથે કેપી ગ્રુપની નવી પેઢી વધુ વ્યાપક નેતૃત્વની જવાબદારી સંભાળતી જોવા મળશે.
કેપી ગ્રુપનો સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ ક્ષેત્રમાં ઓપરેશનલ અને નિર્માણાધીન પોર્ટફોલિયો ઝડપથી આગળ વધી રહ્યો છે.નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં ગ્રુપનો પોર્ટફોલિયો 9.2 GWથી વધુ હતો. તાજેતરમાં કરવામાં આવેલા બે નવા અધિગ્રહણો સાથે આ કુલ પોર્ટફોલિયો વધીને 10.2 GW થયો છે. કંપની આગામી કેટલાક ક્વાર્ટરમાં 10 GWના લક્ષ્યને હાંસલ કરવા યોગ્ય દિશામાં વધી રહી છે.
કેપી ગ્રુપના ફાઉન્ડર, ચેરમેન-MD ડો. ફારુક જી પટેલે આ તબક્કે કહ્યું હતું કે અમારી ઓર્ડરબુક લગભગ 10 GW સુધી વધતી જોવી એ અમારા લોકોની પ્રતિબદ્ધતા અને અમારા ગ્રાહકો, ભાગીદારો તથા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. અમે હંમેશાં અમારી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી છે અને આગળ પણ અમે જે પ્રતિબદ્ધતા આપીએ છીએ તે પૂર્ણ કરતા રહીશું. તેથી KP 3.0 અંતર્ગત અમે અમારી પ્રતિબદ્ધતાઓને અપડેટ કરી રહ્યા છીએ.
આ સાથે કેપી ગ્રુપે પોતાના વિકાસને નવી ગતિ આપવા માટે બે મોટો કરાર કર્યા છે જેમાં સાઉદી અરેબિયાના અલફનાર ગ્રુપની આ ભારતીય પેટાકંપનીઓના ગુજરાતના કચ્છ ખાતેના 507.9 MWના કાર્યરત વિન્ડ એનર્જી એસેટ્સનું રૂપિયા 2,410 કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર અધિગ્રહણ કરવા બાઇન્ડિંગ ઓફર કરી છે. આ સાથે KPI Green Energyની IPP ક્ષમતા વધીને 1.67 GW થશે. આ ઉપરાંત કંપનીની પેટાકંપની 'સન ડ્રોપ એનર્જીયા લિ.'એ સોલાર EPC કંપની ડેક એન્ડ મારવિક્સમાં રૂપિયા 55.8 કરોડમાં 100% ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે.
કેપી ગ્રુપની ભારતમાં હાજરી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, કર્નાટક અને આંધ્રપ્રદેશ સુધી વિસ્તરેલી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કંપની આફ્રિકાના બોત્સવાનામાં 5 GWના પ્રસ્તાવિત રિન્યુએબલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા (500 MW) પર કામ કરી રહી છે.
