Bank Holiday: ઉત્તરાયણના દિવસે બેંકો ખુલ્લી રહેશે કે બંધ? ઘરેથી નીકળતા પહેલાં જાણી લો RBI નું લેટેસ્ટ અપડેટ

Bank Holiday 14 January: જો તમે 14 જાન્યુઆરીએ બેંકના કોઈ મહત્વપૂર્ણ કામ માટે શાખાની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 13 Jan 2026 09:50 AM (IST)Updated: Tue, 13 Jan 2026 09:50 AM (IST)
is-bank-open-on-14-jan-2026-makar-sankranti-rbi-bank-holiday-list

Bank Holiday 14 January: જો તમે આવતીકાલે એટલે કે 14 જાન્યુઆરીએ બેંકના કોઈ મહત્વપૂર્ણ કામ માટે શાખાની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે. મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે કે કેમ તે અંગે ગ્રાહકોમાં ઘણીવાર મૂંઝવણ જોવા મળતી હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાન્યુઆરી મહિનાની રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જે તમારી આ મૂંઝવણ દૂર કરશે.

શું દેશભરમાં બેંકો બંધ રહેશે?

RBI ની હોલિડે લિસ્ટ અનુસાર, 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસર પર સમગ્ર દેશમાં બેંકો બંધ રહેવાની નથી. આ રજા માત્ર અમુક પસંદગીના રાજ્યો પૂરતી જ સીમિત છે. એટલે કે, દેશના મોટાભાગના વિસ્તારોમાં બેંકિંગ કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે.

ગુજરાત સહિત કયા રાજ્યોમાં રજા?

RBI ના કેલેન્ડર મુજબ, 14 જાન્યુઆરીએ ગુજરાત, ઓડિશા, આસામ અને અરુણાચલ પ્રદેશમાં બેંકોમાં રજા રહેશે. આ રાજ્યોમાં બેંક શાખાઓ બંધ રહેશે, તેથી અહીંના ગ્રાહકોએ બેંક કાઉન્ટર પર થતા કામકાજ માટે આગામી વર્કિંગ ડે સુધી રાહ જોવી પડશે. આ સિવાયના અન્ય રાજ્યોમાં બેંકોનો વહીવટ સામાન્ય દિવસોની જેમ જ ચાલશે.

ડિજિટલ સેવાઓ રહેશે ચાલુ

ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે, ભલે ગુજરાત અને અન્ય રાજ્યોમાં બેંક શાખાઓ બંધ હોય, પરંતુ ઓનલાઈન અને ડિજિટલ સેવાઓ પર તેની કોઈ અસર થશે નહીં. UPI, નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને ATM સેવાઓ 24x7 રાબેતા મુજબ કાર્યરત રહેશે. જેથી રોકડ ઉપાડવા, ફંડ ટ્રાન્સફર કરવા કે બિલ પેમેન્ટ જેવા કાર્યો તમે ઘરે બેઠા ડિજિટલ માધ્યમથી સરળતાથી કરી શકશો.

જાન્યુઆરી 2026માં આ દિવસે બંધ રહેશે બેંકો (Bank Holidays January 2026)

  • 1 જાન્યુઆરી, 2026 (ગુરુવાર): નવા વર્ષના દિવસે ઐઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા, કોલકાતા અને શિલોંગમાં બેંકો બંધ રહેશે.
  • 2 જાન્યુઆરી, 2026 (શુક્રવાર): મન્નમ જયંતિ/નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ઐઝોલ, કોચી અને તિરુવનંતપુરમમાં રજા રહેશે.
  • 3 જાન્યુઆરી, 2026 (શનિવાર): હઝરત અલીના જન્મદિવસ નિમિત્તે લખનૌમાં બેંક કામકાજ બંધ રહેશે.
  • 4 જાન્યુઆરી, 2026 (રવિવાર): રવિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 10 જાન્યુઆરી, 2026 (શનિવાર): બીજા શનિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 11 જાન્યુઆરી, 2026 (રવિવાર): રવિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 12 જાન્યુઆરી, 2026 (સોમવાર): સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કોલકાતામાં બેંકોમાં રજા રહેશે.
  • 14 જાન્યુઆરી, 2026 (બુધવાર): મકરસંક્રાંતિ/માઘ બિહુના તહેવારને કારણે અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી અને ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.
  • 15 જાન્યુઆરી, 2026 (ગુરુવાર): ઉત્તરાયણ/પોંગલ/મકર સંક્રાંતિ નિમિત્તે બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, હૈદરાબાદ અને વિજયવાડામાં રજા રહેશે.
  • 16 જાન્યુઆરી, 2026 (શુક્રવાર): તિરુવલ્લુવર દિવસ નિમિત્તે ચેન્નાઈમાં બેંક શાખાઓ બંધ રહેશે.
  • 17 જાન્યુઆરી, 2026 (શનિવાર): ઉઝાવર થિરુનાલના પ્રસંગે ચેન્નાઈમાં રજા રહેશે.
  • 18 જાન્યુઆરી, 2026 (રવિવાર): રવિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 23 જાન્યુઆરી, 2026 (શુક્રવાર): નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ/વસંત પંચમી નિમિત્તે અગરતલા, ભુવનેશ્વર અને કોલકાતામાં બેંકો બંધ રહેશે.
  • 24 જાન્યુઆરી, 2026 (શનિવાર): ચોથા શનિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 25 જાન્યુઆરી, 2026 (રવિવાર): રવિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
  • 26 જાન્યુઆરી, 2026 (સોમવાર): પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભરમાં બેંકો સંપૂર્ણપણે બંધ રહેશે.