Q2 Infosys Dividend News:IT સેક્ટરની અગ્રણી કંપની ઈન્ફોસિસ(Infosys)એ નાણાકીય વર્ષ 2026-2027ના બીજા ત્રિમાસિક ગાળા માટેના પરિણામોની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 6 ટકા વધી રૂપિયા 7,823 કરોડ થયો છે, જે ગયા વર્ષની સમાન અવધીમાં રૂપિયા 7,364 કરોડ હતો. કંપનીની કમાણીમાં પણ સારો એવો વધારો થયો છે. ઈન્ફોસિસની સંચાલકીય આવક 11 ટકા વધી રૂપિયા 49,244 કરોડ થઈ છે,જે ગયા વર્ષની સમાન અવધીમાં રૂપિયા 44,490 કરોડ હતી.
શેરધારકોને મળશે રૂપિયા 26 ડિવિડન્ડ
ઈન્ફોસિસના બોર્ડે દરેક ઈક્વિટી શેર પર રૂપિયા 26 વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. જે ગયા વર્ષની તુલનામાં 13 ટકા વધારે છે. કંપનીએ ડિવિડન્ડ માટે 3 નવેમ્બર 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે, જ્યારે 11 નવેમ્બરના રોજ ચુકવણી કરવામાં આવશે.
AIથી કંપનીની કમાણી વધી
ઈન્ફોસિસના CEO અને મેનેજીંગ ડિરેક્ટર સલિલ પારેખે જણાવ્યું હતું કે કંપનીને આ ત્રિમાસિક ગાળામાં 5.2 અબજ ડોલરના મોટા ઓર્ડર મળ્યા છે. તેમાં 2 અબજ ડોલરથી વધારે મૂલ્યનો એક ઓર્ડરનો સમાવેશ થાય છે. કંપનીની કૂલ કમાણી આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની હિસ્સેદારી 10.5 ટકા રહી છે. AIથી થતી કમાણીમાં ગયા ત્રિમાસિક ગાળાની તુલનામાં 29 ટકાનો વધારો થયો છે. કંપનીને આશા છે કે આગામી સમયમાં મોટી કંપનીઓ વચ્ચે AI ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની નવી તક મળશે.
