મોંઘવારીનો ડામ! પેટ્રોલ-ડીઝલ, દૂધ અને ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો, જુઓ લિસ્ટ

મધ્ય-પૂર્વ સંકટના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ 126 ડોલર સુધી પહોંચતા ભારતમાં મોંઘવારીનો આંચકો લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલ, દૂધ અને ખાદ્ય તેલના ભાવમાં થયેલા ફેરફારનું સંપૂર્ણ લિસ્ટ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 31 May 2026 08:41 PM (IST)Updated: Sun, 31 May 2026 08:41 PM (IST)
inflation-hits-petrol-diesel-milk-and-edible-oil-prices-rise-sharply-see-list

Middle East Tension Impact on India: મિડલ ઈસ્ટમાં છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતીય સામાન્ય નાગરિકોના ખિસ્સા અને ઘરના બજેટ પર જોવા મળી રહી છે. સવારની ચાથી લઈને રાતના ડિનર સુધીની દરેક જરૂરી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ 70 ડોલર પ્રતિ બેરલથી વધીને હવે 90 થી 126 ડોલરની સપાટીએ પહોંચી ગયા છે, જેના કારણે દેશમાં ઈંધણ સહિતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.

ડોલર સામે સતત નબળો પડી રહેલો રૂપિયો પણ આયાતી સામાન મોંઘો થવા પાછળનું મોટું કારણ બન્યો છે. લોન્ગ સપ્લાય ચેઈન અને ઈંધણના વધતા ભાવના કારણે સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓ સિવાયની તમામ ચીજો પર મોંઘવારીનો માર પડ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

લાંબા સમય સુધી સ્થિર રહ્યા બાદ, મે 2026ના મધ્ય ભાગથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. માત્ર 10 દિવસની અંદર ચાર વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.

તારીખ (મે 2026) પેટ્રોલ વધારો (પ્રતિ લીટર) ડીઝલ વધારો (પ્રતિ લીટર)
15 મે ₹ 3.00 ₹ 3.00
19 મે ₹ 0.90 (90 પૈસા) ₹ 0.90 (90 પૈસા)
23 મે ₹ 0.87 (87 પૈસા) ₹ 0.91 (91 પૈસા)
25 મે ₹ 2.61 ₹ 2.71

અમૂલ અને મધર ડેરીનું દૂધ પણ મોંઘું થયું

પરિવહન ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) વધવાના કારણે ડેરી સેક્ટર પણ પ્રભાવિત થયું છે. દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ 'અમૂલ' (Amul) એ અલગ-અલગ દૂધના પેકેટ પર 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો ભાવ વધારો કર્યો છે, જ્યારે મધર ડેરીએ પણ પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલના નવા ભાવો નીચે મુજબ છે:

  • અમૂલ ભેંસનું દૂધ (1 લીટર): ₹ 78
  • અમૂલ ગોલ્ડ (1 લીટર): ₹ 70
  • અમૂલ ગાયનું દૂધ (500 મિલી): ₹ 30
  • અમૂલ તાઝા (150 મિલી): ₹ 10

ખાદ્ય તેલ (તેલીબિયાં)ના ભાવમાં રેકોર્ડ ઉછાળો

સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA)ના સત્તાવાર આંકડા અનુસાર, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદ્ય તેલોના કાચા માલ (તેલીબિયાંમાં તોતિંગ વધારો થયો છે. મે 2025 ની સરખામણીએ મે 2026 માં પ્રતિ મેટ્રિક ટન (MT) ના ભાવ કંઈક આ પ્રમાણે છે:

  • મગફળી (Groundnut Seed): ₹ 52,500 થી વધીને ₹ 72,000 થઈ ગયા.
  • સોયાબીન (Soybean Seed): ₹ 43,462 થી વધીને ₹ 70,500 પર પહોંચ્યા.
  • રાયડો/સરસવ (Rapeseed/Mustard): ₹ 64,625 થી વધીને ₹ 80,500 થયા.

કઠોળ અને દાળના ભાવની સ્થિતિ

ગ્રાહક બાબતોના વિભાગના રિપોર્ટ અનુસાર, દાળના માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ છે. જોકે આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે કેટલીક દાળ સસ્તી પણ થઈ છે, જ્યારે કેટલીક મોંઘી થઈ છે. મે 2026 ના તાજા આંકડા અને ગયા વર્ષની સરખામણી:

  • અડદ દાળ: ₹ 118 પ્રતિ કિલો (1.56% નો વધારો)
  • મસૂર દાળ: ₹ 89 પ્રતિ કિલો (1.53% નો વધારો)
  • તુવેર દાળ: ₹ 122 પ્રતિ કિલો (2.05% નો ઘટાડો/સસ્તી થઈ)
  • ચણા દાળ: ₹ 85 પ્રતિ કિલો (1.66% નો ઘટાડો/સસ્તી થઈ)

ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અવરોધ અને ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવ જો આગામી દિવસોમાં શાંત નહીં થાય, તો ઘરેલું બજારમાં મોંઘવારી હજુ પણ સામાન્ય જનજીવનને વધુ પરેશાન કરી શકે છે તેમ આર્થિક નિષ્ણાતોનું માનવું છે.