India's Foreign Reserves:ભારતનો વિદેશી હૂંડિયામણના ભંડારમાં સતત બીજા સપ્તાહ દરમિયાન ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ શુક્રવારે જાહેર કરેલી માહિતી પ્રમાણે 16 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણ ભંડોળ 5.011 અબજ ડોલર ઘટીને 72.016 અબજ ડોલર થયો છે.
આ અગાઉ 9 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણનો ભંડાર 8.578 અબજ ડોલર ઘટીને 726.027 અબજ ડોલર થયો હતો.
સોનાના ભંડાર અને SDRમાં શું સ્થિતિ છે
વિદેશી હૂંડિયામણના અન્ય ઘટકોમાં આ સપ્તાહ દરમિયાન વધારો થયો છે. RBIના આંકડા આ પ્રમાણે છે
ગોલ્ડ રિઝર્વઃ 706 મિલિયન ડોલર વધી 105.8 અબજ ડોલર થયું
સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ(SDR): 30 મિલિયન ડોલર વધી 18.578 અબજ ડોલર
IMF પાસે રિઝર્વની સ્થિતિઃ 11 મિલિયન ડોલર વધી 4.791 અબજ ડોલર
સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ ઊંચાઈ પહોંચ્યું હતું
ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 4 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી 785.706 અબજ ડોલર પહોંચ્યું હતું. તેનું મુખ્ય કારણ વિદેશોમાં રહેતા ભારતીયો પાસેથી એકત્રિત રકમ માટે બેન્કોને આપવામાં આવેલી સ્પેશિયલ કન્સેશનલ સ્વેપ ફેસિલિટી(Special Concessional Swap Facility) હેઠળ ડોલરનો મોટો ફ્લો આવ્યો હતો. આ સુવિધા મારફતે બેન્કોએ રેકોર્ડ આશરે 133 અબજ ડોલર એકત્રિત કર્યાં હતા. ત્યારબાદથી વિદેશી હૂંડિયામણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડોલરના વેચાણ અને FCNR(B) સંશાધનોની અસર
નિષ્ણાતોના મતે વિદેશી હૂંડિયામણમાં તાજેતરના આ ઘટાડા માટે FCNR(B) જમા કરવાને લગતા સંશાધનોના ઉપયોગ તથા રૂપિયાને ટેકો આપવા માટે RBI દ્વારા સતત ડોલરની વેચવાલી કારણરૂપ છે.
ફોરેન કરન્સી એસેટ્સ(Foreign currency assets)માં સૌથી વધારે હિસ્સો વિદેશી હૂંડિયામણમાં રાખવામાં આવેલી રકમ છે. 16 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં આ રકમ 5.758 અબજ ડોલર ઘટી 591.847 અબજ ડોલર થઈ છે. આ આંકડા પર યુરો, પાઉન્ડ અને યેન જેવા અન્ય વિદેશી ચલણોની કિંમતોમાં આવેલા દબાણની અસર છે.
