Greenzo Energy:ભારતની અગ્રણી ક્લીન-એનર્જી ટેકનોલોજી અને ઉત્પાદક કંપની ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડએ ત્રણ રોકાણ રાઉન્ડમાં કુલ રૂપિયા 251 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. કંપનીના તાજેતરના રૂપિયા 130 કરોડના ફંડિંગ રાઉન્ડનું નેતૃત્વ દેશના જાણીતા રોકાણકાર આશિષ કચોલિયા અને તેમના સહયોગીઓએ કર્યું છે.આ ફંડિંગ બાદ અમદાવાદ હેડક્વાર્ટર ધરાવતી આ ગ્રીન-હાઇડ્રોજન કંપનીનું પોસ્ટ-મની મૂલ્યાંકન આશરે રૂપિયા 1,030 કરોડ થઈ ગયું છે.
આ રોકાણ રાઉન્ડમાં આશિષ કચોલિયા ઉપરાંત આલ્કેમી લોંગટર્મ વેન્ચર ફંડ સિરીઝ 3, લશિત સંઘવી, સિદ્ધાર્થ સુંદર અય્યર અને નોવા ગ્લોબલ ઓપર્ચ્યુનિટી ફંડ PCC - ટચસ્ટોન જેવા અગ્રણી સંસ્થાકીય અને ખાનગી રોકાણકારોએ પણ ભાગ લીધો હતો.
ગ્રીનઝો એનર્જી માટે મુખ્ય ગ્રોથ ડ્રાઇવર સાણંદ GIDC ખાતે આવેલો તેનો આધુનિક 250 MW પ્રતિ વર્ષની ક્ષમતા ધરાવતો ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન પ્લાન્ટ છે. એકત્ર કરાયેલી નવી મૂડીનો ઉપયોગ સ્વદેશી ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન ક્ષમતા વધારવા, બેકવર્ડ ઇન્ટિગ્રેશન મજબૂત કરવા, સંશોધન અને વિકાસ (R&D), વર્કિંગ કેપિટલ જરૂરિયાતો પૂરી કરવા તેમજ દેશ અને વિદેશના બજારોમાં પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવા માટે કરવામાં આવશે.
હાલમાં ગ્રીનઝો એનર્જી પાસે રૂપિયા 2,000 કરોડથી વધુ મૂલ્યની ઓર્ડર બુક છે અને રૂપિયા 1,500 કરોડથી વધુ મૂલ્યની પ્રોજેક્ટ પાઇપલાઇન છે. કંપનીએ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL), ઓસવાળ એનર્જીસ અને જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ (JSL) જેવા જાહેર અને ખાનગી ક્ષેત્રના મોટા સાહસો માટે મેગાવોટ-સ્કેલના ગ્રીન-હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
ગ્રીનઝો એનર્જીના સ્થાપક અને મેનેજીંગ ડિરેકટર સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે વિવિધ રાઉન્ડમાં એકત્ર કરાયેલું રૂપિયા 251 કરોડનું આ ક્યુમ્યુલેટિવ ફંડ, ગ્રીનઝોની ટેકનોલોજી અને કાર્યક્ષમતામાં રોકાણકારોના મજબૂત વિશ્વાસને દર્શાવે છે. ભારત સરકારની ગ્રીન હાઇડ્રોજન માટેની નીતિઓ દેશમાં આ ઉદ્યોગ માટે મજબૂત પાયો નાખી રહી છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદન ક્ષમતા મજબૂત કરવાનો અને વૈશ્વિક બજારો માટે સંકલિત ઉકેલો પૂરા પાડવાનો છે.
અગ્રણી રોકાણકાર આશિષ કચોલિયા ગ્રીનઝો એનર્જીમાં અમારું આ રોકાણ ભારતના ઝડપથી વધી રહેલા ક્લીન એનર્જી ક્ષેત્રની ક્ષમતા પરના અમારા વિશ્વાસને દર્શાવે છે. ગ્રીન હાઇડ્રોજન એ વૈશ્વિક ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશનનો મુખ્ય આધાર બનવા જઈ રહ્યું છે. ગ્રીનઝો એનર્જીએ તેમની ટેકનિકલ કુશળતા અને ક્લીન-ટેક મેન્યુફેક્ચરિંગનું સ્થાનિકીકરણ કરવાની ક્ષમતા સાબિત કરી છે.
