Hurun India Rich List 2026: હુરુન ઈન્ડિયા અને M3M ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે 'M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026' જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષની યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે ફરી પ્રથમ ક્રમે પહોંચી ગયો છે. તેમણે રિલિઅન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે.
ગૌતમ અદાણી 9.23 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ટોચ પર
અહેવાલ અનુસાર, 64 વર્ષીય ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિમાં 13%નો વધારો નોંધાયો છે અને તે વધીને 9,22,800 કરોડ રૂપિયા (અંદાજે 96 અબજ ડોલર) થઈ ગઈ છે. બીજી તરફ, 69 વર્ષીય મુકેશ અંબાણી અને તેમના પરિવારની સંપત્તિમાં 10%નો ઘટાડો થતાં તેમની કુલ સંપત્તિ 8,63,400 કરોડ રૂપિયા (અંદાજે 90 અબજ ડોલર) રહી ગઈ છે. આ સાથે ગૌતમ અદાણી મુકેશ અંબાણી કરતાં 59,400 કરોડ રૂપિયા આગળ નીકળી ગયા છે.
એલએન મિત્તલ ત્રીજા ક્રમે, રોશની નાડર દેશના સૌથી ધનિક મહિલા
આ વખતે આર્સેલર મિત્તલના એલએન મિત્તલ અને પરિવારની સંપત્તિમાં 93%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને તેઓ 3,39,300 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. ચોથા ક્રમે સીરમ ઈન્સ્ટિટ્યૂટના સાયરસ એસ પૂનાવાલા (3,03,400 કરોડ રૂપિયા) રહ્યા છે. જ્યારે એચસીએલના રોશની નાડર મલ્હોત્રા અને પરિવાર 2,78,500 કરોડ રૂપિયા સાથે પાંચમા સ્થાને છે અને તેમણે ભારતના સૌથી અમીર મહિલા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

ભારતમાં અબજોપતિઓની નવી રેકોર્ડ સંખ્યા: 391 ડોલર બિલિયોનેર
ભારતમાં સંપત્તિ સર્જનનો દૌર ઝડપથી વધી રહ્યો છે. અહેવાલ મુજબ, ભારતમાં 1,000 કરોડ રૂપિયા કે તેથી વધુ સંપત્તિ ધરાવતા ધનિકોની સંખ્યા વધીને 1,810 થઈ ગઈ છે, જે ગયા વર્ષ કરતાં 128 વધુ છે. ભારતમાં હવે રેકોર્ડ 391 ડોલર બિલિયોનેર (અબજોપતિ) છે. તમામ ધનિકોની કુલ સંપત્તિ 187.5 લાખ કરોડ રૂપિયા (અંદાજે 1.96 ટ્રિલિયન ડોલર) પર પહોંચી ગઈ છે, જે દેશના કુલ જીડીપીના અડધા ભાગ જેટલી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્વાન્ટમ કમ્પ્યુટિંગનો દબદબો
આ વર્ષે યાદીમાં ટેકનોલોજી સેક્ટરનો નવો દબદબો જોવા મળ્યો છે. પ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે 19 ધનિકોએ યાદીમાં સ્થાન મેળવ્યું છે, જેમની કુલ સંપત્તિ 3.07 લાખ કરોડ રૂપિયા છે. બેંગલુરુની QpiAIના નાગેન્દ્ર નાગરાજ ક્વાન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રમાંથી 1,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે યાદીમાં સામેલ થનારા દેશના પ્રથમ ઉદ્યોગપતિ બન્યા છે. 23 વર્ષના ઝેપ્ટો (Zepto)ના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા (2,600 કરોડ રૂપિયા) આ યાદીમાં દેશના સૌથી યુવા ધનિક બન્યા છે.
મુંબઈ ધનિકોની પહેલી પસંદ, અમદાવાદ છઠ્ઠા ક્રમે
શહેરોની વાત કરીએ તો મુંબઈ 465 ધનિકો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યાં 93 ડોલર બિલિયોનેર રહે છે. નવી દિલ્હી 236 ધનિકો સાથે બીજા અને બેંગલુરુ 129 ધનિકો સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ 75 ધનિકો સાથે દેશમાં છઠ્ઠા ક્રમે છે. રાજ્ય સ્તરે મહારાષ્ટ્ર 552 ધનિકો સાથે પ્રથમ, દિલ્હી બીજા અને ગુજરાત 153 ધનિકો સાથે ત્રીજા સ્થાને રહ્યું છે.
