FSSAI:ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)ની મોટી કાર્યવાહી કરતાં નેસ્લે ઈન્ડિયા અને હિન્દુસ્તાન યુનિલીવરને નોટિસ પાઠવવામાં આવી છે. નેસ્લે અને હિન્દુસ્તાન યુનિલિવરના અનેક ફુડ પ્રોડક્ટ બને છે. ઘરેઘરે આ કંપનીઓના અનેક ઉત્પાદન યુઝ થાય છે. હવે આ બન્ને મોટી કંપનીઓને મળેલી આ નોટિસ દર્શાવે છે કે ફુડ સેફ્ટીની બાબતમાં એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
હકીકતમાં FSSAI દ્વારા ખાદ્ય સુરક્ષાને લગતા નિયમોનું ઉલ્લંઘન તથા ગેરમાર્ગે દોરતા દાવાને લઈ અનેક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. નેસ્લે ઈન્ડિયા અને હિન્દુસ્તાન યુનિલીવરને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. ગંભીરપણે ખાદ્ય સુરક્ષાનું ઉલ્લંઘન કરવાને લીધે બાલાજી ફુડ પ્રોડક્ટ્સ તથા સુખદર્શન ફાર્માના લાઈસન્સને પણ રદ્દ કરવામાં આવ્યા છે.
હિન્દુસ્તાન યુનિલીવરને લઈ કાર્યવાહી
હોર્લિક્સ મધર્સ પ્લસ અને હોર્લિક્સ વિમેન્સ પ્લસની જાહેરાતો અને ઉત્પાદનોમાં કરવામાં આવેલા કેટલાક દાવાઓ ગેરમાર્ગે દોરનારા અથવા નિયમો સાથે અસંગત હોવાનું જણાયું હતું. હોર્લિક્સ મધર્સ પ્લસ માટે સ્વસ્થ વજન ધરાવતા બાળકને જન્મ આપવા જેવા દાવા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. હાડકાની મજબૂતાઈ, સ્નાયુઓનું સ્વાસ્થ્ય અને હોર્લિક્સ વિમેન્સ પ્લસ માટે કોઈ ખાંડ ઉમેરાઈ નથી જેવા દાવા પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. FSSAI એ આ દાવાઓ પર કંપની પાસેથી જવાબ માંગ્યો છે.
નેસ્લે ઇન્ડિયાને નોટિસ
નેસ્લેના રિસોર્સ રેનલ વેનીલા ફ્લેવર પાવડર અંગે પણ નોટિસ જારી કરવામાં આવી છે.આ પ્રોડક્ટ કિડની રોગથી પીડાતા દર્દીઓના ખાસ આહાર વ્યવસ્થાપન માટે બનાવાયેલ છે. FSSAI પ્રમાણે આ પ્રોડક્ટ માટે જરૂરી પૂર્વ મંજૂરી મેળવવામાં આવી ન હતી.
