Delay In DA Hike: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance) એટલે કે DA અંગે જાહેરાત થાય તેની રાહ જોવામાં આવી રહી છે. સામાન્ય રીતે માર્ચ (March) મહિનામાં હોળી (Holi)ની આજુબાજુ આ જાહેરાત થતી હોય છે, જોકે આ વખતે એપ્રિલનો બીજો સપ્તાહ આવી ગયો છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ વિલંબ કોઈ આર્થિક સંકટને લીધે નહીં પણ 8માં પગાર પંચ(8th Pay Commission)ની સાથે વહિવટીય તાલમેળ સાધવા માટે કરવામાં આવતી પ્રક્રિયાનો ભાગ છે.
દાયકામાં સૌથી લાંબો વિલંબ
વર્ષ 2016માં સાતમા પગારપંચના અમલીકરણ પછી આ પહેલી વાર છે જ્યારે વર્ષના પ્રથમ ડીએ વધારાની જાહેરાતમાં આટલો સમય લાગ્યો છે. વર્ષ 2025માં આ જાહેરાત 28 માર્ચે કરવામાં આવી હતી, પરંતુ આ વખતે તે એપ્રિલના મધ્ય સુધી મોડી કરવામાં આવી છે. જોકે અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે જાહેરાત ક્યારે કરવામાં આવે તે ધ્યાનમાં લીધા વગર જ લાભો 1 જાન્યુઆરી, 2026 થી અસરકારક માનવામાં આવશે અને કર્મચારીઓને તેમના ભૂતકાળના બાકી ચૂકવણા મળશે.
2 ટકાનો વધારો અને 8મા પગાર પંચની અપેક્ષા
ગ્રાહક ભાવ સૂચકાંક (AICPI-IW)ના 12 મહિનાના સરેરાશના આધારે આ વખતે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થવાની ધારણા છે.
આ વધારા પછી, DA 58 ટકાથી વધીને 60 ટકા થશે
આ 60 ટકાનો આંકડો 8મા પગાર પંચ હેઠળ નવા પગાર માળખા અને 'ફિટમેન્ટ ફેક્ટર' નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ આધાર તરીકે કામ કરશે.
નોંધનીય છે કે 8મા પગાર પંચની રચના સત્તાવાર રીતે 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી.
વિલંબ પાછળના મુખ્ય કારણો
વહીવટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર હાલમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. એક તરફ નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે અને બીજી તરફ 8મા પગાર પંચ માટે દેશવ્યાપી પરામર્શ(Consultations) શરૂ થવાના છે. નિષ્ણાતો કહે છે કે સરકાર આ બે પ્રક્રિયાઓ વચ્ચે માળખાકીય ક્રમ જાળવવાનો પ્રયાસ કરી રહી છે.
