દુબઈમાં સસ્તું મળતું સોનું ભારત લાવતી વખતે કેમ મોંઘું પડે છે? જાણો કસ્ટમ ડ્યુટી અને નવા નિયમો

દુબઈમાં સોનું સસ્તું અને ટેક્સ-ફ્રી હોવા છતાં ભારત લાવતી વખતે કસ્ટમ ડ્યુટી અને લિમિટના કારણે તે મોંઘું કેમ પડે છે?

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 29 Sep 2026 04:44 PM (IST)Updated: Tue, 29 Sep 2026 04:44 PM (IST)
why-does-gold-purchased-cheaply-in-dubai-become-expensive-when-brought-to-india-find-out-about-customs-duty-and-new-regulations

Dubai Gold Price vs India: ભારતમાં સોના પ્રત્યે લોકોનો પ્રેમ જગજાહેર છે અને ખાસ કરીને જ્યારે પણ લગ્નસરાની સિઝન આવે કે તહેવારો હોય, ત્યારે સોનાની ખરીદી વધી જાય છે. ભારતમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, તે હજુ પણ ઊંચા સ્તરે છે. આ જ કારણ છે કે ઘણા ભારતીયો વિદેશ પ્રવાસ દરમિયાન, ખાસ કરીને દુબઈમાંથી સોનું ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ શું દુબઈથી સોનું ખરીદવું ખરેખર ફાયદાકારક સાબિત થાય છે? ચાલો વિગતવાર સમજીએ.

દુબઈમાં સોનું સસ્તું કેમ છે?

દુબઈને સોનાની ખરીદી માટે સ્વર્ગ માનવામાં આવે છે. ત્યાં એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સોનાની દુકાનોની લાંબી કતારો જોવા મળે છે, જ્યાં ચેઈન, બંગડીઓ અને સિક્કાઓ ખૂબ જ આકર્ષક ભાવે મળે છે.

દુબઈમાં સોના પર 0% VAT (ટેક્સ-ફ્રી) લાગુ પડે છે.

ત્યાં સોનાની શુદ્ધતાની 100% ખાતરી મળે છે.

દુબઈ અને ભારત વચ્ચે સોનાના ભાવનો તફાવત

દુબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે AED 497.25 પ્રતિ ગ્રામ (ભારતીય ચલણ મુજબ આશરે 13,008 રૂપિયા પ્રતિ ગ્રામ) ચાલે છે. આ હિસાબે દુબઈમાં 10 ગ્રામ સોનાની કિંમત આશરે 1,30,080 રૂપિયા થાય છે.

બીજી બાજુ, ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 1,47,980 રૂપિયાની આસપાસ છે. આ બંને દેશોના ભાવ વચ્ચે લગભગ 12.6 ટકાનો તફાવત જોવા મળે છે. (નોંધ: આમાં મેકિંગ ચાર્જ સામેલ નથી). આ જ મોટા ભાવ તફાવતના કારણે લોકો દુબઈથી સોનું લાવવા માટે આકર્ષાય છે.

ભારત લાવતાની સાથે જ સસ્તું સોનું મોંઘું કેમ થઈ જાય છે?

દુબઈમાંથી સોનું ખરીદીને ભારત લાવવું ગેરકાયદેસર નથી, પરંતુ તેના માટે સરકારના કેટલાક સ્પષ્ટ નિયમો છે. જો તમે નિયમોનું પાલન ન કરો તો સસ્તું સોનું પણ તમને મોંઘું પડી શકે છે.

કસ્ટમ ડેક્લેરેશન

જ્યારે તમે પરત ફરો છો, ત્યારે એરપોર્ટ પર 'રેડ ચેનલ' (Red Channel) પર જઈને કસ્ટમ વિભાગને તેની જાણ કરવી પડે છે. ત્યાં તમારે ફોર્મ ભરીને સોનાનું સાચું વજન અને કિંમત જણાવવી ફરજિયાત છે.

ડ્યુટી ફ્રી લિમિટ

સરકારે વિદેશથી સોનું લાવવા માટે મર્યાદા નક્કી કરી છે:

મહિલાઓ માટે: મહત્તમ 40 ગ્રામ સોનું (જેની કિંમત 1,00,000 રૂપિયા સુધીની હોય).

પુરુષો માટે: મહત્તમ 20 ગ્રામ સોનું (જેની કિંમત 50,000 રૂપિયા સુધીની હોય).

જો પતિ-પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હોય, તો તેઓ સંયુક્તપણે 60 ગ્રામ સુધીનું સોનું ટેક્સ વગર લાવી શકે છે.

કસ્ટમ ડ્યુટી અને ટેક્સનો માર

જો સોનાની માત્રા નિર્ધારિત મર્યાદાથી વધી જાય, તો તમારે આશરે 15% થી 18% સુધીની કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે. ઉદાહરણ તરીકે, જો સસ્તા ભાવે લાવેલા સોના પર આશરે 15% લેખે ટેક્સ (લગભગ 1,962 રૂપિયા પ્રતિ ગ્રામ) લાગે, તો તે સોનાની કુલ કિંમત વધીને ભારતના બજાર ભાવની આસપાસ અથવા તેનાથી પણ વધુ થઈ જાય છે.

નિયમોમાં નવો પેંચ

હાલના સોનાના ઊંચા ભાવને કારણે નિયમોનું પાલન કરવું વધુ મુશ્કેલ બન્યું છે. ઉદાહરણ તરીકે, નિયમ મુજબ એક પુરુષ મુસાફર 50,000 રૂપિયાની મર્યાદામાં જ ટેક્સ-ફ્રી સોનું લાવી શકે છે. પરંતુ વર્તમાન ઊંચા ભાવને કારણે 50,000 રૂપિયાની આ મર્યાદામાં માત્ર 3.5 થી 4 ગ્રામ સોનું જ આવી શકે છે!

આથી, જો કોઈ પુરુષ 4 ગ્રામથી વધુ સોનું લાવશે, તો તેણે એરપોર્ટ પર ભારેખમ કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે, જેના કારણે સસ્તા સોનાનો ફાયદો ગાયબ થઈ જાય છે. મહિલાઓના કિસ્સામાં પણ 1 લાખ રૂપિયાની મર્યાદાને ધ્યાનમાં રાખીને જ સોનું લાવવું પડે છે.

દુબઈમાં સોનું ચોક્કસપણે સસ્તું અને ટેક્સ-ફ્રી છે, પરંતુ જો તમે કાયદેસરની મર્યાદા કરતાં વધુ સોનું લાવશો અને એરપોર્ટ પર કસ્ટમ ડ્યુટી ભરવી પડશે, તો તે સોનું તમને ભારતના બજાર ભાવ જેટલું જ અથવા તેથી વધુ મોંઘું પડી શકે છે. તેથી, પ્રવાસ દરમિયાન સોનું ખરીદતા પહેલા સરકારી નિયમોની પૂરેપૂરી ગણતરી કરી લેવી સમજદારી ભરેલું પગલું છે.