Crude Oil Prices Today News: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય સંઘર્ષમાં વધુ એક મોટો વળાંક આવ્યો છે. ઈરાનના કેશ્મ ટાપુ (Qeshm Island) પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાના અહેવાલો બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલ (Crude Oil) ના ભાવમાં ફરી એકવાર તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. આ લશ્કરી કાર્યવાહીએ મધ્ય પૂર્વમાંથી થતા તેલ પુરવઠામાં વિક્ષેપ આવવાનું જોખમ વધુ વધારી દીધું છે.
બ્રેન્ટ અને WTI ક્રૂડના ભાવમાં વધારો
મંગળવારે એશિયન બજારોમાં શરૂઆતી કારોબાર દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ ઊંચકાાયા હતા. સોમવારે બજારમાં આવેલા લગભગ 7% જેટલા મોટા ઘટાડા બાદ આ રિકવરી જોવા મળી છે.
- બ્રેન્ટ ક્રૂડ (Brent Crude): ફ્યુચર્સ 48 સેન્ટ એટલે કે 0.5% વધીને 105.25 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યા હતા. અગાઉ સોમવારે તે 8.66 ડોલર (7.63%) ઘટીને 104.77 ડોલર પર બંધ થયું હતું.
- WTI ક્રૂડ (US West Texas Intermediate): ફ્યુચર્સ પણ 47 સેન્ટ (0.5%) વધીને 96.93 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યા હતા.
સોમવારે બજારમાં જે વેચાણ (sell-offs) જોવા મળ્યું હતું તેનું મુખ્ય કારણ બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત દ્વારા તણાવ હળવો થવાની આશા હતી, પરંતુ તાજા હુમલાએ આ આશા પર પાણી ફેરવી દીધું છે.
કેશ્મ ટાપુ પર અમેરિકી હુમલો અને 'રિસ્ક પ્રીમિયમ'
'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' (WSJ)ના અહેવાલ મુજબ, અમેરિકાએ ઈરાનના કેશ્મ ટાપુ પર હુમલો કર્યો છે. અમેરિકી અધિકારીઓએ આ કાર્યવાહીને 'રક્ષણાત્મક પગલું' ગણાવતા જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય ઈરાનને હોર્મુઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવતા અટકાવવાનો હતો.
કેસીએમ ટ્રેડ (KCM Trade)ના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટિમ વોટરરના જણાવ્યા અનુસાર, આ સૈન્ય કાર્યવાહીના સમાચારને કારણે તેલના બજારમાં ફરીથી 'રિસ્ક પ્રીમિયમ' ઉમેરાઈ ગયું છે. બજાર જ્યારે શાંતિ અને વાટાઘાટોની અપેક્ષા રાખી રહ્યું હતું, ત્યારે લશ્કરી સંઘર્ષે રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.
હોર્મુઝની સામુદ્રધુની અને વૈશ્વિક ઊર્જા સુરક્ષા
ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા આ સંઘર્ષની સૌથી મોટી અસર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર પડી છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક સ્તરે અત્યંત સંવેદનશીલ છે કારણ કે દુનિયાના આશરે 20% ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસનો પુરવઠો આ જ માર્ગેથી પસાર થાય છે. અહીં સૈન્ય તણાવ વધવાથી વૈશ્વિક ઊર્જા બજાર અસ્થિર બનવાની પૂરેપૂરી શક્યતા છે.
દરમિયાન, કતારની મધ્યસ્થીથી અમેરિકા અને ઈરાન વચ્ચે કટોકટી ઉકેલવા માટેની શાંતિ વાટાઘાટો પણ ચાલુ છે. જોકે, હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી, પરંતુ આ ચર્ચાઓ વચ્ચે લશ્કરી હુમલાઓએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.
