Gold Forecast: 2026માં ઉતાર-ચઢાવ છતાં સોના-ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ યથાવત, સોનું ₹1.68 લાખ સુધી પહોંચવાની શક્યતા

અગ્રણી બ્રોકરેજ ફર્મ 'મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ'ના તાજેતરના રિપોર્ટ અનુસાર, બજારમાં આવતો કોઈપણ ઘટાડો રોકાણકારો માટે ખરીદી કરવાની શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. રિપોર્ટમાં સોના માટે પ્રતિ 10 ગ્રામ ₹1,68,000 સુધીના લક્ષ્યાંક દર્શાવવામાં આવ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 06 Nov 2026 07:49 AM (IST)Updated: Fri, 06 Nov 2026 07:49 AM (IST)
motilal-oswal-gold-silver-price-forecast-2026-target-168000-gujarati
મોતીલાલ ઓસ્વાલ ગોલ્ડ ફોરકાસ્ટ 2026

Motilal Oswal Gold Forecast 2026: કેલેન્ડર વર્ષ 2026માં કિંમતી ધાતુઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હોવા છતાં, મધ્યમથી લાંબા ગાળા માટે સોના અને ચાંદીનું આઉટલુક અત્યંત સકારાત્મક રહેવાની ધારણા છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ 'મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ'ના તાજેતરના રિપોર્ટ અનુસાર, બજારમાં આવતો કોઈપણ ઘટાડો રોકાણકારો માટે ખરીદી કરવાની શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. રિપોર્ટમાં સોના માટે પ્રતિ 10 ગ્રામ ₹1,68,000 સુધીના લક્ષ્યાંક દર્શાવવામાં આવ્યા છે.

વૈશ્વિક પરિબળો અને ઉતાર-ચઢાવના કારણો

મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2025માં જોવા મળેલી એકતરફી તેજીની સરખામણીએ 2026માં સોના-ચાંદીમાં વધુ વોલેટિલિટી જોવા મળી છે. આ ઉતાર-ચઢાવ પાછળ યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેની બદલાતી ધારણાઓ, સતત જળવાયેલી મોંઘવારી, બોન્ડ યીલ્ડનું ઊંચું સ્તર અને વૈશ્વિક ભૂ-રાજકીય ઘટનાક્રમ મુખ્ય કારણો છે.

કંપનીના કોમોડિટીઝ રિસર્ચ હેડ નવનીત દમાણીના જણાવ્યા અનુસાર, સોનાની નજીકના સમયની ચાલ ફેડરલ રિઝર્વની મોનિટરિંગ પોલિસી, ફુગાવાના વલણો, યુએસ ડોલરમાં ઉતાર-ચઢાવ અને રિયલ બોન્ડ યીલ્ડ પર નિર્ભર રહેશે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા પોતાના અનામત ભંડોળનું વિવિધતાકરણ, સતત જળવાયેલી રોકાણ માંગ અને વૈશ્વિક નાણાકીય અનિશ્ચિતતાઓને કારણે સોનાને મજબૂત આધાર મળી રહ્યો છે.

સોના-ચાંદીના લક્ષ્યાંક અને ખરીદીની રણનીતિ

રિપોર્ટમાં સોના માટે 'બાય ઓન ડીપ્સ' ની રણનીતિ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે:

આંતરરાષ્ટ્રીય બજાર:

આંતરરાષ્ટ્રીય સ્તરે 3,800 થી 3,900 ડોલર પ્રતિ ઓંસના દાયરાને ખરીદી માટે ઉત્તમ સ્તર માનવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના માટે ટૂંકા ગાળાનો લક્ષ્યાંક 4,200 ડોલર અને મધ્યમ ગાળાનો લક્ષ્યાંક 4,500 થી 4,700 ડોલર નક્કી કરવામાં આવ્યો છે.

ભારતીય બજાર (MCX):

ભારતમાં પ્રતિ 10 ગ્રામ સોના માટે ₹1,35,000ના સ્તરને ખરીદી માટે સાનુકૂળ ગણાવવામાં આવ્યું છે. ભારતીય બજાર માટે ટૂંકા ગાળાનો લક્ષ્યાંક ₹1,48,000 અને મધ્યમ ગાળાનો લક્ષ્યાંક ₹1,60,000 થી ₹1,68,000 નિર્ધારિત કરાયો છે.

નોંધનીય છે કે જાન્યુઆરી 2026માં સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે 5,600 ડોલર પ્રતિ ઓંસના ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ સ્તરે પહોંચી હતી, ત્યારબાદ કિંમતો ઘટીને 4,000 ડોલરની નીચે આવી હતી અને બાદમાં ફરી સુધારો નોંધાયો હતો. આ જ રીતે ચાંદી પણ 100 ડોલર પ્રતિ ઓંસનો આંકડો પાર કર્યા બાદ નીચે આવી હતી.

ગોલ્ડ ETFમાં રેકોર્ડ રોકાણ અને ડીમાંડ

ઊંચી કિંમતો છતાં સોનામાં રોકાણકારોનો રસ જળવાઈ રહ્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026 દરમિયાન વૈશ્વિક ગોલ્ડ ETF હોલ્ડિંગ્સમાં અંદાજે 187 ટનનો વધારો થયો હતો, જેનાથી કુલ હોલ્ડિંગ 4,256 ટનની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું હતું. આ ઉપરાંત ત્રીજી ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ ETFમાં 31 અબજ ડોલરનું રેકોર્ડ ઇનફ્લો નોંધાયું હતું.

ભારતીય બજારની વાત કરીએ તો, સપ્ટેમ્બર મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણ 71 ટકા વધીને ₹44.5 અબજ પહોંચ્યું હતું, જ્યારે સિલ્વર ETFમાં ₹19.7 અબજનો રોકાણ પ્રવાહ આવ્યો હતો.

ધનતેરસ અને દિવાળીમાં માંગ વધવાની શક્યતા

રિપોર્ટ અનુસાર, ભારતમાં ધનતેરસ અને દિવાળી કિંમતી ધાતુઓની ખરીદી માટેના સૌથી મહત્વપૂર્ણ શુભ તહેવારો છે. આ સમયગાળા દરમિયાન પરંપરાગત ખરીદી, આગામી લગ્નસરાની સીઝન અને સોના-ચાંદીના સાંસ્કૃતિક મહત્વને કારણે સ્થાનિક માંગમાં મોટો ઉછાળો આવે છે. ઐતિહાસિક ડેટા પણ દર્શાવે છે કે દિવાળી પહેલાના 30 દિવસોમાં સોનાએ દિવાળી પછીના 30 દિવસોની સરખામણીએ સામાન્ય રીતે વધુ સારું વળતર આપ્યું છે.