તહેવારો ટાણે કઠોળ સસ્તા કરવાનો માસ્ટર પ્લાન: બફર સ્ટોકથી બજારમાં પુરવઠો વધારશે સરકાર, જાણો શું છે તૈયારી

ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેના જણાવ્યા મુજબ, સરકાર કઠોળના પુરવઠા અને છૂટક બજારના ભાવ પર સતત નજર રાખી રહી છે. સપ્ટેમ્બર 2026માં કઠોળનો વાર્ષિક છૂટક ફુગાવાનો દર 4.68 ટકા નોંધાયો હતો, જેથી ભાવમાં કોઈ અસાધારણ ઉછાળો જોવા મળ્યો નથી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 14 Oct 2026 01:55 PM (IST)Updated: Wed, 14 Oct 2026 01:55 PM (IST)
indian-government-no-cut-on-pulses-import-duty-uses-buffer-stock-control-prices-2026
કઠોળ આયાત ડ્યુટી સમાચાર

Pulses Import Duty News: દેશમાં કઠોળના વધી રહેલા ભાવ વચ્ચે ખર્ચ ઘટાડવા માટે ઇમપોર્ટ ડ્યુટીમાં કાપ મુકાશે તેવી ચાલી રહેલી અટકળો પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. સરકારની હાલ કઠોળ પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાની કોઈ યોજના નથી. 'અલ નીનો' (El Niño) ની ચિંતાઓ છતાં સ્થાનિક ખરીફ પાકના ઉત્પાદન પર તેની કોઈ વિપરીત અસર પડી નથી અને વૈશ્વિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી આયાત જકાત ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત નથી.

ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેના જણાવ્યા મુજબ, સરકાર કઠોળના પુરવઠા અને છૂટક બજારના ભાવ પર સતત નજર રાખી રહી છે. સપ્ટેમ્બર 2026માં કઠોળનો વાર્ષિક છૂટક ફુગાવાનો દર 4.68 ટકા નોંધાયો હતો, જેથી ભાવમાં કોઈ અસાધારણ ઉછાળો જોવા મળ્યો નથી.

વિવિધ કઠોળ પર આયાત નીતિ અને જકાતનું માળખું

વર્તમાન આયાત નીતિ અનુસાર, પીળા વટાણા પર નવેમ્બર 2025થી 30% જકાત લાદવામાં આવી છે, જ્યારે માર્ચ 2025થી મસૂર પર 10% જકાત લાગુ છે. આ બંને આયાત જકાતની સમયસીમા નાણાકીય વર્ષ 2026-27 ના અંત સુધી લંબાવવામાં આવી છે. જોકે, સ્થાનિક બજારમાં તુવેર અને અડદની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે આ બંને કઠોળ માટે ડ્યુટી-ફ્રી આયાતની વ્યવસ્થા 31 માર્ચ, 2027 સુધી યથાવત રાખી છે.

45 લાખ ટન બફર સ્ટોક વડે ભાવ નિયંત્રણની યોજના

બજારમાં કૃત્રિમ અછત કે ભાવ વધારાને રોકવા માટે સરકાર પોતાના વિશાળ બફર સ્ટોકનો ઉપયોગ કરશે. હાલમાં સરકાર પાસે 45 લાખ ટન કઠોળનો સ્ટોક ઉપલબ્ધ છે, જે નિર્ધારિત 3.5 મિલિયન ટનના બફર ધોરણ કરતાં 1 મિલિયન ટન વધારે છે.

રવી પાકની વાવણી પૂર્ણ થયા બાદ અથવા જરૂરિયાત ઊભી થયે આ સ્ટોકને તબક્કાવાર રીતે બજારમાં મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, ખાંડ અને ઘઉંની જેમ જ વેપારીઓ અને ખાનગી કંપનીઓ માટે સ્ટોકની વિગતો જાહેર કરવી ફરજિયાત કરવા જેવા કડક પગલાં પર પણ વિચારણા ચાલી રહી છે.

વાવેતર વિસ્તાર અને આયાત પર નિર્ભરતા

ચાલુ ખરીફ સીઝનમાં તુવેર, અડદ અને મગ જેવા મુખ્ય કઠોળનું વાવેતર વધીને 11.71 મિલિયન હેક્ટર પર પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત પોતાની વાર્ષિક જરૂરિયાતના લગભગ 18% થી 20% કઠોળ કેનેડા, રશિયા, બ્રાઝિલ, મ્યાનમાર અને આફ્રિકી દેશોમાંથી આયાત કરે છે. હાલના તબક્કે સરકાર આયાત જકાત ઘટાડવાને બદલે સ્થાનિક ઉત્પાદન અને બફર સ્ટોકના સુચારુ સંચાલન દ્વારા ભાવ સ્થિર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.