Gold Silver Crash Today:અમદાવાદ સોનામાં રૂપિયા 2500 અને ચાંદીમાં રૂપિયા 5000નો થયો ઘટાડો, આજના લેટેસ્ટ ભાવ જાણો

Comex ખાતે સોનાનો ભાવ એક ઝાટકે આજે 121 ડોલર એટલે કે 2.84 ટકા ઘટી 4,155.72 જ્યારે ચાંદીના ભાવ 2.83 ડોલર એટલે કે 4.44 ટકા ગગડી 61.31 ડોલર થયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 28 Sep 2026 04:47 PM (IST)Updated: Mon, 28 Sep 2026 04:47 PM (IST)
gold-silver-prices-crashed-in-ahmedabad-on-september-28-dropping-by-rs-2500-and-rs-5000-respectively

Gold Silver Crash Today 28 September 2026:ઘરઆંગણાના બજારોથી લઈ આંતરરાષ્ટ્રીય બજારોમાં 28 સપ્ટેમ્બર 2026ના રોજ એટલે કે સપ્તાહના પ્રથમ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભારે દબાણ જોવા મળ્યું છે. વીતેલા સપ્તાહમાં ભારે મંદી નોંધાવ્યા બાદ આ સપ્તાહની શરૂઆતથી જ મોટી પીછેહઠ જોવા મળી રહી છે. Comex ખાતે સોનાનો ભાવ એક ઝાટકે આજે 121 ડોલર એટલે કે 2.84 ટકા ઘટી 4,155.72 જ્યારે ચાંદીના ભાવ 2.83 ડોલર એટલે કે 4.44 ટકા ગગડી 61.31 ડોલર થયા છે. અમદાવાદ ખાતે સોનું રૂપિયા 2500 અને ચાંદી રૂપિયા 5000 તૂટ્યું છે.

અમેરિકી ડોલર સોના અને ચાંદી માટે અત્યંત મહત્વનું કારણ છે. ડોલર ઈન્ડેક્સ આશરે 101.39 પર પહોંચી ગયો છે,જે છેલ્લા બે મહિનાની ઊંચી સપાટી છે. મજબૂત ડોલરને લીધે ડોલરમાં કિંમત ધરાવતી વસ્તુઓ કે જેમાં સોનાનો પણ સમાવેશ થાય છે તેની માંગ પર દબાણ આવે છે.

આ ઉપરાંત ક્રુડ ઓઈલના ભાવમાં સતત વધારો થતા ફુગાવાજન્ય દબાણના સંજોગોમાં વ્યાજ દરો વધી શકે છે. તેની પણ સોના-ચાંદી પર અસર જોવા મળી છે.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. અમદાવાદ ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 2,500 ઘટી રૂપિયા 2,52,500 અને અમદાવાદ ખાતે સ્ટાન્ડર્ડ સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 2,500 તૂટી રૂપિયા 2,52,200 રહ્યો છે.