સોનામાં 3500 રૂપિયા અને ચાંદીમાં 6600નો કડાકો; જાણો શું છે આજના તાજા ભાવ

Gold Silver Price Crash: અમેરિકી ડેટા અને ફેડ રિઝર્વના દબાણને કારણે સોના-ચાંદીના બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જાણો MCX પર સોના અને ચાંદીના આજના તાજા ભાવ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 18 Nov 2026 07:49 PM (IST)Updated: Wed, 18 Nov 2026 07:49 PM (IST)
gold-plunges-by-rs-3500-and-silver-by-rs-6600-check-out-todays-latest-rates

Gold Silver Price Crash: સોના અને ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહેલા ગ્રાહકો અને રોકાણકારો માટે બુધવાર, 18 નવેમ્બરનો દિવસ મોટી રાહત લઈને આવ્યો છે. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ગાબડું પડ્યું છે. ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹3500 જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની ચમક પણ ઝાંખી પડી છે અને તે પ્રતિ કિલો ₹6600 સુધી સસ્તી થઈ ગઈ છે.

બજારના જાણકારોના મતે, આજે જાહેર થનારી અમેરિકી સેન્ટ્રલ બેંક (US Fed)ની FOMC બેઠકની મિનિટ્સ પહેલાં રોકાણકારોમાં જોવા મળી રહેલી સાવચેતી અને વૈશ્વિક દબાણને કારણે આ મોટો કડાકો બોલ્યો છે.

વૈશ્વિક બજારની સીધી અસર ભારતીય બજાર પર

માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વભરના બજારોમાં સોના-ચાંદી પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર (કોમેક્સ) પર સોનામાં 2.50 ટકાથી વધુ અને ચાંદીમાં 3.70 ટકા સુધીનો મોટો ઘટાડો થયો છે. મંગળવારે જાહેર થયેલા અમેરિકી રિટેલ સેલ્સના મજબૂત આંકડાઓ બાદથી જ બુલિયન માર્કેટમાં વેચવાલીનું દબાણ વધ્યું છે.

MCX અને કોમેક્સ પર શું છે લેટેસ્ટ રેટ?

સોનાનો ભાવ: આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ પર સોનું 90 ડોલરથી વધુ તૂટીને 3,773 ડોલર પ્રતિ ઔંસના સ્તરે આવી ગયું છે. તેની અસર હેઠળ ભારતીય વાયદા બજાર (MCX) પર સોનું ₹3,503 ઘટીને દિવસના નીચલા સ્તર ₹1,30,720 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું હતું. જોકે, ત્યારબાદ તેમાં સામાન્ય સુધારો જોવા મળ્યો અને તે ₹1,30,902ની આસપાસ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન સોનાનું ઉપલું સ્તર ₹1,31,979 રહ્યું હતું.

ચાંદીનો ભાવ: કોમેક્સ પર ચાંદી 1.58 ડોલર ઘટીને 45 ડોલર પ્રતિ ઔંસની આસપાસ કારોબાર કરી રહી છે. જ્યારે MCX પર ચાંદીમાં 3.76 ટકા એટલે કે ₹6,648નો મોટો ઘટાડો નોંધાયો છે. ઘટાડા સાથે ચાંદી ₹1,63,072ના નીચલા સ્તરે પહોંચ્યા બાદ ₹1,63,313 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. અગાઉના સત્રમાં ચાંદી ₹1,69,702 પર બંધ થઈ હતી.

કેમ તૂટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ?

સેબી રજિસ્ટર્ડ કોમોડિટી નિષ્ણાત અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર મહિનામાં યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક અને તેમાં વ્યાજ દરો અંગે લેવાનારા સંભવિત નિર્ણયોની અસર અત્યારથી જ બજાર પર દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 3,800 ડોલરની સપાટી તોડી ચૂક્યું છે અને આગામી સમયમાં તે 3,200 થી 3,400 ડોલર સુધી નીચે આવી શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, જો વૈશ્વિક સ્તરે આ ઘટાડો ચાલુ રહેશે તો ભારતીય બજારમાં સોનું ઘટીને ₹1,20,000 પ્રતિ 10 ગ્રામ સુધી પણ આવી શકે છે. માર્ચ મહિનામાં ઘરેલુ બજારમાં સોનાનો ભાવ ₹1,29,595ની આસપાસ હતો; જો બજાર આ મહત્વપૂર્ણ સપાટી તોડશે, તો વેચવાલીનું દબાણ હજુ વધી શકે છે.

ડોલરની મજબૂતી અને ક્રૂડ ઓઈલની અસર

અમેરિકી ડોલરમાં આવેલી મજબૂતીએ પણ સોના અને ચાંદીની કિંમતો પર લગામ લગાવી છે, કારણ કે ડોલર મોંઘો થવાથી અન્ય દેશો માટે સોનું ખરીદવું મોંઘું પડે છે. બીજી તરફ, ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે મોંઘવારીની ચિંતા થોડી હળવી થઈ છે. હવે રોકાણકારોની નજર અમેરિકી ટ્રેઝરી યીલ્ડ અને ફેડરલ રિઝર્વના આગામી સંકેતો પર ટકેલી છે.

શું હજુ પણ સસ્તા થશે સોનું અને ચાંદી? ખરીદીનો યોગ્ય સમય કયો?

ઇન્ટેલિસિસ વેન્ચર્સના ફાઉન્ડર અમિત સુરેશ જૈનનું માનવું છે કે સોનું અને ચાંદી હાલ 14 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે અને આગામી દિવસોમાં હજુ વધુ ઘટાડો જોવા મળી શકે છે. તેમના મતે, સોનું ₹1.25 લાખ પ્રતિ 10 ગ્રામથી નીચે અને ચાંદી ₹1.55 લાખ પ્રતિ કિલોગ્રામથી નીચે જઈ શકે છે.

નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે જે લોકો ઘરમાં લગ્ન પ્રસંગ માટે જ્વેલરી બનાવવાનું વિચારી રહ્યા છે અથવા લાંબા ગાળાના રોકાણ માટે તક શોધી રહ્યા છે, તેમના માટે ભાવમાં આવેલો આ ઘટાડો ખરીદી કરવાની એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે.