Gold Silver Price Crash:આંતરરાષ્ટ્રીય બજારો અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવોમાં ભારે ધોવાણ જોવા મળી રહ્યું છે. ભારતમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ તૂટીને રૂપિયા 1.23 લાખ જ્યારે ચાંદીની કિંમતો પ્રતિ કીલો રૂપિયા 1.48 લાખ પહોંચી ગયા છે. અમેરિકાની મધ્યસ્થ બેન્ક US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો થવાની શક્યતા વચ્ચે આ વર્ષના માર્ચ મહિના બાદ સૌથી મોટો સાપ્તાહિક ભાવ ઘટાડો જોવા મળ્યો છે અને તેને લીધે બન્ને કિંમતી ધાતુ તેની ચમક ગુમાવી રહ્યા છે. ઘટતા ભાવ વચ્ચે સોનું ઓગસ્ટ 2025 બાદ એટલે કે આશરે છેલ્લા 15 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયુ છે.
અન્ય એક કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ વિક્રમજનક કડાકો બોલાઈ ગયો છે અને મંદીની સતત આગેકૂચ જોવા મળી રહી છે. સ્થાનિક બજારોમાં આ વ્હાઈટ મેટલની કિંમત સપ્ટેમ્બર 2025 બાદ સૌથી નીચી સપાટીને સ્પર્શ કરી લીધી છે.
છેવટે કેમ તૂટી રહી છે આ કિંમતી ધાતુ
સોનાના ભાવમાં સતત ઘટાડો થવા પાછળ ત્રણ કારણ જવાબદાર માનવામાં આવે છે.
US ફેડરલ તરફથી વ્યાજ વધારવાના સંકેત
US નાણાં નીતિને લઈ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાના સંકેત પાઠવ્યા છે. અર્થતંત્રમાં પ્રવર્તિ રહેલી ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાજ દરોમાં વધારો કરવાનું ફેડરલ રિઝર્વ વલણ અપનાવી શકે છે. સામાન્ય રીતે વ્યાજ દરોમાં વધારો તે સોના માટે હંમેશા પ્રતિકૂળ સ્થિતિનું સર્જન કરે છે.
બોન્ડ પરની ઊપજ એટલે કે ઈલ્ડમાં વધારો
નાણાં નીતિ તંગ બને તેવા સંકેત વચ્ચે US ટ્રેઝરી પર મળતું વળતર એટલે કે ઈલ્ડમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લીધે બુલિયન માર્કેટ પર સતત દબાણ સર્જાઈ રહ્યું છે. 10 વર્ષ માટેની US ટ્રેઝરી ઈલ્ડ સતત 5 ટકાથી ઉપર ચાલી રહી છે અને તે અગાઉ આ લેવલ પર 2007માં ઊંચા લેવલ પર જોવા મળી હતી.
ડોલર સતત મજબૂત થતા સોના-ચાંદી પર વધ્યું દબાણ
બીજીબાજુ અમેરિકાની કરન્સી એટલે કે ચલણ ડોલરના મૂલ્યમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને લીધે બુલિયન માર્કેટમાં તેનું દબાણ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહમાં એટલે કે છેલ્લા છેલ્લા ચાર દિવસમાં US ડોલરનું મૂલ્ય 0.7 ટકા વધ્યું છે.
