સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી, સોનું 5 મહિના અને ચાંદી 4 મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચી

અમેરિકા-ઈરાન તણાવ અને વૈશ્વિક બજારના ટેકાથી સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. દિલ્હીમાં સોનું ₹1.64 લાખ અને ચાંદી ₹2.53 લાખને પાર થઈ ગઈ છે. જાણો આગળ કેવો રહેશે બજારનો મૂડ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 24 Aug 2026 09:39 PM (IST)Updated: Mon, 24 Aug 2026 09:39 PM (IST)
explosive-surge-in-gold-and-silver-prices-gold-hits-a-5-month-high-and-silver-a-4-month-high
Gold Silver Price Today

Gold Silver Price Record High: જો તમે નજીકના સમયમાં સોના કે ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારું બજેટ વધારવું પડી શકે છે. વૈશ્વિક બજારમાં સકારાત્મક વાતાવરણ અને ભૂ-રાજકીય તણાવના કારણે સોના અને ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધ્યા છે. સોમવાર, 24 ઓગસ્ટના રોજ રાજધાની નવી દિલ્હીના બુલિયન બજારમાં સોનું 5 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં પણ છેલ્લા 4 મહિનાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.

સ્થાનિક બજારમાં ભાવની શું સ્થિતિ છે?

ઓલ ઈન્ડિયા સર્રાફા એસોસિએશનના તાજેતરના આંકડા મુજબ બુલિયન બજારમાં વાયદા અને હાજર ભાવમાં મોટો ફેરફાર થયો છે.

સોનાનો નવો રેકોર્ડ

99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹900નો મોટો ઉછાળો આવ્યો છે. આ સાથે સોનાનો ભાવ ₹1,64,400 (તમામ ટેક્સ સહિત) પર પહોંચી ગયો છે, જે શુક્રવારે ₹1,63,500 હતો. 9 માર્ચ પછી પહેલીવાર સોનાએ આ રેકોર્ડ સ્તર સ્પર્શ્યું છે.

ચાંદીમાં સળંગ ત્રીજા દિવસે તેજી

ચાંદીના ભાવમાં પણ મોટો ચમકારો જોવા મળ્યો છે. ચાંદી કિલોદીઠ ₹3,500 મોંઘી થઈને ₹2,53,500 ના સ્તરે પહોંચી ગઈ છે. 17 એપ્રિલ પછી ચાંદીનો આ સૌથી ઊંચો ભાવ છે.

વૈશ્વિક બજાર (International Market)નો મૂડ

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓમાં મજબૂત તેજીની ચાલી રહી છે.સ્પોટ ગોલ્ડ (Spot Gold) 1.14 ટકા ($53)ના ઉછાળા સાથે પ્રતિ ઓંસ $4733.90 પર ટ્રેડ કરી રહ્યું છે, જે મે મહિના પછીનું સૌથી ઊંચું સ્તર છે. વિતેલા સપ્તાહમાં જ સોનામાં 5% અને ચાંદીમાં 7%નો જંગી ઉછાળો આવી ચૂક્યો છે. હાલ ચાંદી પ્રતિ ઓંસ $69ની આસપાસ ટ્રેડ કરી રહી છે.

ભાવ રોકેટ થવા પાછળના મુખ્ય 3 કારણો

અમેરિકા-ઈરાન તણાવ અને સેફ-હેવન ડીમાન્ડ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા રાજકીય તણાવને કારણે રોકાણકારો જોખમી સંપત્તિઓમાંથી નાણાં પાછા ખેંચીને સોના જેવા સુરક્ષિત વિકલ્પ (Safe-haven)માં રોકાણ કરી રહ્યા છે.

ડોલર ઈન્ડેક્સમાં નબળાઈ

અમેરિકી ડોલર 2 મહિનાના નીચલા સ્તરે (98.5) ગગડ્યો છે. વૈશ્વિક સ્તરે જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે સોનાની ખરીદી સસ્તી બનતી હોવાથી તેની માંગમાં સીધો વધારો થાય છે.

અમેરિકાની મેક્રો-ઈકોનોમિક નીતિઓ

અમેરિકાનું સરકારી દેવું 40 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. આ સ્થિતિને પહોંચી વળવા અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે લાંબા ગાળાના દેવાની બાયબેક યોજના અને ધિરાણ ખર્ચ ઘટાડવાનો પ્લાન રજૂ કર્યો છે. આના કારણે યુએસ બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

આગળ શું થશે? આજે રાત્રે જ કેમ નક્કી થશે સ્થિતિ?

નિષ્ણાતોના મતે, હવે પછી સોના-ચાંદીની આગામી ચાલ માત્ર રાજકીય તણાવ પર જ નહીં પરંતુ મોંઘવારીના આંકડા પર નિર્ભર રહેશે. બજાર વિશ્લેષકોના જણાવ્યા મુજબ, આજે રાત્રે થનારી ઈરાન પ્રતિબંધો અંગેની બ્રીફિંગ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.

જો કડક પ્રતિબંધો મુકાશે તો ક્રૂડ ઓઈલ મોંઘું થશે, જેનાથી ફુગાવો વધવાની ભીતિ વચ્ચે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે છે. આ સ્થિતિ સોનાની તેજી પર બ્રેક લગાવી શકે છે.

જો હળવી પાબંદીઓ રહેશે અને આગામી દિવસોમાં આવનાર યુએસ Core PCE ફુગાવાના આંકડા નરમ રહેશે, તો આ સપ્તાહમાં સોના અને ચાંદીમાં નવી ઓલ-ટાઈમ હાઈ સપાટી જોવા મળી શકે છે.