DA Hike News: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે જુલાઈ મહિનાથી લાગુ થનારા મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારાની જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે. સામાન્ય રીતે સરકાર દ્વારા તહેવારોની મોસમ પહેલાં એટલે કે સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવતો હોય છે.
દશેરા પહેલાં ડીએ વધારાની શક્યતા
આ વખતે દશેરાનો તહેવાર ઓક્ટોબર મહિનામાં છે, ત્યારે કર્મચારીઓમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે સરકાર દશેરા પહેલાં અથવા તો ઓક્ટોબર મહિનાના પગાર સાથે જુલાઈ સાયકલના ડીએ વધારાની ભેટ આપી શકે છે. અગાઉના વર્ષોમાં પણ કેન્દ્રીય કેબિનેટે ઓક્ટોબરની શરૂઆતમાં જ મોંઘવારી ભથ્થાને મંજૂરી આપી હતી. આ સંભવિત વધારાથી દેશભરના આશરે 50 લાખથી વધુ સેવારત કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 69 લાખ જેટલા પેન્શનભોક્તાઓને સીધો ફાયદો થશે.
મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે? (AICPI-IW ડેટા)
વર્તમાન સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે જુલાઈથી લાગુ થનારા નવા DAમાં 3 ટકા સુધીનો વધારો થવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે કુલ મોંઘવારી ભથ્થું વધીને 63 ટકા સુધી પહોંચી શકે છે.
મોંઘવારી ભથ્થાની આ ગણતરી શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા 'અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક' (AICPI-IW)નાં આંકડાઓ પર આધારિત હોય છે. તાજેતરના આંકડાઓ મુજબ ઔદ્યોગિક શ્રમિકો માટેનું આ સૂચકાંક વધીને 154.4૪ પોઈન્ટ પર પહોંચ્યું છે, જેને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. જોકે, કેટલાક કર્મચારી સંગઠનો અને યુનિયનો દ્વારા આ વધારો 3 થી 4 ટકા સુધી થઈ શકે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.
કર્મચારી સંગઠનોની માંગ અને પગાર પર અસર
ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મંજીત સિંહ પટેલના જણાવ્યા અનુસાર, કર્મચારીઓ ઓક્ટોબરના પગારમાં એરિયર્સ સાથે વધારાનું ડીએ મળવાની આશા રાખી રહ્યા છે. જો ડીએ વધીને 63% કે તેથી વધુ થાય, તો કર્મચારીઓના બેઝિક પગાર પ્રમાણે દર મહિને મોંઘવારી ભથ્થામાં સારો એવો આર્થિક ફાયદો થશે. ઉદાહરણ તરીકે, જે કર્મચારીઓનું બેઝિક પે ઊંચું છે તેમને માસિક પગારમાં હજારો રૂપિયાનો શાનદાર વધારો જોવા મળશે.
