Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટ 2026 માં 'પરિવારોની સમૃદ્ધિ દ્વારા રાષ્ટ્રીય શક્તિ' ના મંત્રને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બજેટમાં સામાન્ય માણસ પરના ટેક્સના બોજને ઘટાડવા અને વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કેન્સરની દવાઓથી લઈને વિદેશી અભ્યાસ સુધીના ક્ષેત્રોમાં સરકારે મોટી રાહતોની જાહેરાત કરી છે.
આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક રાહત
સામાન્ય પરિવારો પર આવતા તબીબી ખર્ચના બોજને ઘટાડવા માટે સરકારે પાયાના ફેરફારો કર્યા છે:
- કેન્સરની દવાઓ: કેન્સરની સારવાર માટે અત્યંત જરૂરી એવી 17 જેટલી દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે.
- દુર્લભ રોગો: અન્ય 7 દુર્લભ રોગોની સારવારમાં વપરાતી દવાઓ અને વિશેષ આહારને પણ 'ડ્યુટી-ફ્રી' જાહેર કરવામાં આવ્યા છે, જેનાથી સારવાર નોંધપાત્ર રીતે સસ્તી થશે.
વિદ્યાર્થીઓ માટે વિદેશી શિક્ષણ સસ્તું થયું
વિદેશમાં અભ્યાસનું સપનું જોતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ બજેટ મોટી ભેટ સમાન છે:
- TCS માં ઘટાડો: લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ શિક્ષણ અને તબીબી સારવાર માટે વિદેશમાં નાણાં મોકલવા પર લાગતો TCS (Tax Collected at Source) 5% થી ઘટાડીને માત્ર 2% કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી એજ્યુકેશન લોન પરની નિર્ભરતા ઘટશે.
વરિષ્ઠ નાગરિકો માટે 'ઝીરો પેપરવર્ક' અભિગમ
વરિષ્ઠ નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવા માટે ટેકનોલોજીનો આશરો લેવામાં આવ્યો છે:
- સરળ TDS પ્રક્રિયા: વ્યાજ અને ડિવિડન્ડ પર ટેક્સ રાહત મેળવવા માટે વપરાતા ફોર્મ 15G/15H હવે સિંગલ વિન્ડો દ્વારા ઓનલાઈન જમા કરી શકાશે.
- ઓટોમેટેડ સર્ટિફિકેટ: શૂન્ય અથવા ઓછો TDS કાપવા માટેના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે સ્વચાલિત (Automated) રહેશે.
- સમયમર્યાદામાં વધારો: સુધારેલા રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને કસ્ટમ્સમાં સરળીકરણ
મધ્યમ વર્ગના પ્રવાસીઓ માટે મુસાફરી હવે વધુ સુખદ બનશે:
- મોબાઈલ એપથી ડિક્લેરેશન: એરપોર્ટ પર કસ્ટમ્સ પ્રક્રિયા માટે હવે મુસાફરો મોબાઈલ એપ કે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે.
- ડ્યુટી-ફ્રી મર્યાદા: વિદેશથી કાયમી ધોરણે ભારત પરત ફરતા લોકો માટે ઘરગથ્થુ સામાન લાવવાની ડ્યુટી-ફ્રી લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત, વિદેશી ટૂર પેકેજ પરનો TCS દર પણ ઘટાડીને 2% કરવામાં આવ્યો છે.
ઘરગથ્થુ ઉપકરણો થશે સસ્તા
સામાન્ય માણસના રસોડા અને સુવિધાને ધ્યાનમાં રાખીને હોમ એપ્લાયન્સીસના ભાવ ઘટાડવા પગલાં લેવાયા છે:
- માઈક્રોવેવ ઓવન: માઈક્રોવેવ ઓવનના ઉત્પાદનમાં વપરાતા મહત્વના સ્પેરપાર્ટ્સ પરથી કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવતા હવે આ ઉપકરણો સસ્તા થશે.
