Manufacturing Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટમાં મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) ક્ષેત્રને દેશના આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન ગણાવ્યું છે. આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારે પાયાના માળખાકીય ફેરફારોની સાથે જંગી આર્થિક સહાયની જોગવાઈ કરી છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે 'માસ્ટર પ્લાન'
ઉત્પાદન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નીચે મુજબના મહત્વના પગલાં લેવાશે:
- સમર્પિત કેમિકલ પાર્ક: દેશમાં ત્રણ નવા કેમિકલ પાર્ક સ્થાપવામાં આવશે, જે 'પ્લગ-એન્ડ-પ્લે' (તમામ સુવિધાઓ સાથે તૈયાર) મોડેલ પર આધારિત હશે. આનાથી ઉદ્યોગોને ઝડપથી ઉત્પાદન શરૂ કરવામાં મદદ મળશે.
- હાઇ-ટેક ટૂલ રૂમ: હાઇ-પ્રિસિઝન કમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે બે સ્થળોએ અત્યાધુનિક ટૂલ રૂમ બનાવવામાં આવશે.
- કન્ટેનર મેન્યુફેક્ચરિંગ: વૈશ્વિક લોજિસ્ટિક્સમાં ભારતનો હિસ્સો વધારવા માટે કન્ટેનર ઉત્પાદન માટે નવી પ્રોત્સાહક યોજના લાવવામાં આવશે.
ટેક્સટાઇલ અને હસ્તકલાનો પુનરુત્થાન
કાપડ ઉદ્યોગમાં નવી જાન ફૂંકવા માટે મેગા ટેક્સટાઇલ પાર્ક અને એક સંકલિત કાર્યક્રમની જાહેરાત કરાઈ છે:
- ટેકનિકલ ટેક્સટાઇલ: પરંપરાગત કાપડને બદલે હવે ટેકનિકલ ટેક્સટાઇલમાં મૂલ્યવર્ધન પર વધુ ધ્યાન આપવામાં આવશે.
- નેચરલ ફાઇબર યોજના: રેશમ, શણ અને ઊન જેવા કુદરતી તંતુઓના ઉત્પાદનને વેગ અપાશે.
MSMEs માટે ₹14,000 કરોડનું 'બુસ્ટર ડોઝ'
નાના ઉદ્યોગોની મૂડીની સમસ્યા અને વિસ્તરણ માટે સરકારે તિજોરી ખોલી છે:
- 1) આત્મનિર્ભર ભારત ફંડ: આ ફંડમાં વધારાના ₹4,000 કરોડ ઉમેરવામાં આવશે.
- 2) SME ગ્રોથ ફંડ: ભવિષ્યના 'ચેમ્પિયન' ઉદ્યોગો તૈયાર કરવા માટે ₹10,000 કરોડનું નવું ભંડોળ ઉભું કરવામાં આવશે.
- 3) ઔદ્યોગિક ક્લસ્ટરોનો વિકાસ: દેશના 200 જૂના ઔદ્યોગિક ક્લસ્ટરોને નવું જીવન આપવાની યોજના છે, જેથી તેમની કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતામાં વધારો થાય.
TReDS પ્લેટફોર્મ ફરજિયાત
MSME ઉદ્યોગોને પડતી પેમેન્ટની મુશ્કેલીઓ દૂર કરવા માટે મોટો નિર્ણય લેવાયો છે. હવેથી કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) એ તમામ ખરીદીઓ માટે TReDS (Trade Receivables Discounting System) પ્લેટફોર્મનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. આનાથી નાના વેપારીઓના પૈસા સમયસર છૂટા થશે અને તેમની પાસે રોકડની તંગી નહીં રહે.
બજેટ 2026 ની આ જાહેરાતો માત્ર ઉત્પાદન જ નહીં, પણ લાખો નવી રોજગારીની તકો ઉભી કરશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હવે નવા સ્વરૂપે અને નવી શક્તિ સાથે જોવા મળશે.
