Bisleri Water Controversy: FSSAIની તપાસ અને બ્રોમેટના આરોપો પર કંપનીએ તોડ્યું મૌન, કહ્યું- અમારું પાણી સંપૂર્ણપણે સુરક્ષિત

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે બિસ્લેરીએ ગોવા પ્લાન્ટના બ્રોમેટ મામલે મૌન તોડ્યું છે. 14 મહિના જૂની FSSAI તપાસ અને લેબ રિપોર્ટ અંગે કંપનીએ શું કહ્યું? જાણો સંપૂર્ણ વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 23 Nov 2026 05:43 PM (IST)Updated: Mon, 23 Nov 2026 05:43 PM (IST)
bisleri-acknowledges-fssai-investigation-over-high-bromate-levels

Bisleri Water Controversy: દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઈન્ટરનેશનલ (Bisleri International) હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને લઈને વિવાદમાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા કરવામાં આવેલી તપાસ અને પાણીમાં બ્રોમેટની માત્રા વધુ હોવાના અહેવાલો બાદ હવે કંપનીએ સત્તાવાર રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

બિસ્લેરીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર એક વિસ્તૃત નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે બિસ્લેરીનું પાણી પીવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી.

શું છે સમગ્ર મામલો? 14 મહિના જૂની ઘટનાનો ઉલ્લેખ

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે- અમને તાજેતરના મીડિયા અહેવાલોની જાણકારી મળી છે જેમાં FSSAI દ્વારા બિસ્લેરીને નોટિસ આપવામાં આવી હોવાની વાત કહેવામાં આવી છે. હકીકતમાં આ મામલો અંદાજે 14 મહિના જૂનો છે. આ ઘટના સપ્ટેમ્બર 2025માં બિસ્લેરીના ગોવા સ્થિત પ્લાન્ટમાં તૈયાર થયેલા એક બેચ સાથે જોડાયેલી છે. ઉલ્લેખનીય છે કે ગોવા પ્લાન્ટ અમારા દેશભરના 143 પ્લાન્ટ્સના નેટવર્કનો એક ભાગ છે.

ગોવા પ્લાન્ટના સેમ્પલમાં શું મળ્યું હતું?

બિસ્લેરીએ તપાસની તારીખવાર વિગતો આપતા જણાવ્યું કે-

30 સપ્ટેમ્બર 2025: FSSAIની ટીમે ગોવા સ્થિત પ્લાન્ટમાંથી પાણીના કુલ 6 સેમ્પલ લીધા હતા.

પ્રારંભિક તપાસ: આ 6માંથી 5 સેમ્પલ તમામ નિર્ધારિત ગુણવત્તાના માપદંડો પર એકદમ ખરા ઉતર્યા હતા.

છઠ્ઠા સેમ્પલમાં વિવાદ: છઠ્ઠા સેમ્પલમાં 'બ્રોમેટ' (Bromate)નું સ્તર 12 માઈક્રોગ્રામ પ્રતિ લિટર જોવા મળ્યું હતું, જ્યારે સરકારી નિયમ મુજબ તેની મહત્તમ મર્યાદા 10 માઈક્રોગ્રામ પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે.

અપીલ અને લેબોરેટરી રિપોર્ટમાં વિરોધાભાસ

પ્રારંભિક રિપોર્ટ બાદ બિસ્લેરીએ 22 નવેમ્બર 2025ના રોજ આ મામલે અપીલ કરી હતી, જેના પગલે FSSAIએ તે સેમ્પલને ફરીથી તપાસ માટે રેફરલ લેબોરેટરીમાં મોકલ્યું હતું.

કંપનીના જણાવ્યા અનુસાર, રેફરલ લેબોરેટરીના રિપોર્ટમાં બ્રોમેટની માત્રા નક્કી કરેલી મર્યાદાની અંદર જ મળી હતી, પરંતુ તે રિપોર્ટમાં 'પોલી ન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન' (PAHs) ની હાજરી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. બંને લેબોરેટરીના પરિણામોમાં જોવા મળેલા આ મોટા તફાવતને કારણે અનેક સવાલો ઉભા થયા હતા.

આ શંકા દૂર કરવા માટે બિસ્લેરીએ તે જ સેમ્પલની FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય એક સ્વતંત્ર લેબોરેટરીમાં તપાસ કરાવી હતી. આ સ્વતંત્ર તપાસમાં પણ બ્રોમેટની માત્રા નિર્ધારિત મર્યાદાની અંદર જ હોવાનું સાબિત થયું હતું.

'અમારા જવાબ પર FSSAI તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો'

બિસ્લેરીએ વધુમાં સ્પષ્ટતા કરી છે કે- અમે 2 ફેબ્રુઆરી 2026ના રોજ એક સત્તાવાર પત્ર સાથે આ સ્વતંત્ર તપાસના તમામ પરિણામો FSSAIના પશ્ચિમી પ્રાદેશિક કાર્યાલય (Western Regional Office) ખાતે જમા કરાવ્યા હતા. ત્યારબાદ અમને FSSAI તરફથી કોઈ પણ પ્રકારની વધુ સૂચના કે જવાબ મળ્યો નથી, જેથી અમે માની લીધું હતું કે આ મામલો અહીં પૂરો થઈ ગયો છે.

કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આજદિન સુધી તેમને ઈમેલ કે હાર્ડ કોપી દ્વારા આવી કોઈ નોટિસ મળી નથી અને FSSAIની સત્તાવાર વેબસાઈટ પર પણ આવી કોઈ નોટિસ ઉપલબ્ધ નથી.

ગુણવત્તા અને સુરક્ષાની ખાતરી

અંતમાં ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખતા કંપનીએ કહ્યું કે, પીવાના પાણીની શુદ્ધતા અને સુરક્ષા બિસ્લેરી માટે સર્વોપરી છે. કંપની પોતાની 10 તબક્કાની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન 90થી વધુ કડક ગુણવત્તા પરીક્ષણો (Quality Tests) કરે છે. બિસ્લેરીએ ખાતરી આપી છે કે તેઓ નિયમનકારી પ્રક્રિયા હેઠળ FSSAIને સંપૂર્ણ સહયોગ આપતા રહેશે અને વર્ષોથી વિશ્વસનીય રહેલી બિસ્લેરીની દરેક બોટલ પીવા માટે સંપૂર્ણ સુરક્ષિત છે.