Income Tax Rules On Cash Deposits: આજના ડિજિટલ યુગમાં પણ ઘણા લોકો પોતાના બચત ખાતામાં મોટી રકમની રોકડ જમા કરાવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બૅંક ખાતામાં થતી દરેક મોટી કેશ ડિપોઝિટ પર આવકવેરા વિભાગની સીધી નજર હોય છે? જો તમે પણ તમારા બચત ખાતામાં વારંવાર કે મોટા પ્રમાણમાં રોકડ રકમ જમા કરાવો છો, તો ટેક્સ અને બૅંકિંગ ક્ષેત્રના આ કડક નિયમો જાણી લેવા ખૂબ જ અનિવાર્ય છે.
બૅંક ખાતામાં રોકડ જમા કરાવવાના ઇન્કમ ટેક્સ નિયમો
સૌથી પહેલો અને મહત્વનો નિયમ ₹૧૦ લાખની વાર્ષિક રિપોર્ટિંગ મર્યાદાનો છે. હાલના આવકવેરા કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષ દરમિયાન પોતાના એક અથવા એકથી વધુ સેવિંગ્સ એકાઉન્ટ્સમાં કુલ મળીને ₹૧૦ લાખ કે તેથી વધુ કેશ જમા કરાવે છે, તો બૅંકો માટે તેની જાણકારી સીધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવી ફરજિયાત બને છે. ખાસ યાદ રાખવું કે આ મર્યાદા કોઈ એક જ વારના ટ્રાન્ઝેક્શન પર નથી, પરંતુ આખા નાણાકીય વર્ષ દરમિયાન કરાયેલા તમામ રોકડ જમાના કુલ સરવાળા પર લાગુ પડે છે. આવી જ રીતે ચાલુ ખાતા માટે આ વાર્ષિક મર્યાદા ₹૫૦ લાખની રાખવામાં આવી છે.
અહીં ઘણા લોકોને એવો ડર હોય છે કે ₹૧૦ લાખથી વધુ રોકડ જમા થતાં જ સીધી ટેક્સ નોટિસ આવી જશે, પણ વાસ્તવમાં એવું નથી. બૅંક ખાતામાં પૈસા જમા કરાવવા પર પોતાનો કોઈ સીધો ટેક્સ લાગતો નથી. જો તમારું કેશ ડિપોઝિટ ₹૧૦ લાખ વટાવે, તો આવકવેરા વિભાગ માત્ર તે નાણાંના સોર્સ (આવકના સ્ત્રોત) અંગે પૂછપરછ કરી શકે છે. જો આ નાણાં તમારી કાયદેસરની આવકમાંથી આવ્યા હોય, જેમ કે તમારો પગાર, ધંધાનો વ્યાપારી નફો, ભાડાની આવક, ખેતીની આવક કે પછી કોઈ જમીન-મિલકતના વેચાણની રકમ હોય અને તમે તેને તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) માં સાચી રીતે દર્શાવ્યા હોય, તો કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. આ માટે હંમેશાં પે-સ્લિપ, બિઝનેસ બિલ, રેન્ટ એગ્રીમેન્ટ કે દસ્તાવેજ સાચવીને રાખવા જોઈએ.
બીજો મહત્ત્વનો નિયમ Daily Cash Deposit નો છે. જો તમે બૅંકમાં એક જ દિવસમાં ₹૫૦,૦૦૦ કે તેથી વધુ રોકડ જમા કરાવવા જાઓ છો, તો તમારા પાન કાર્ડની વિગત આપવી ફરજિયાત છે. જો PAN કાર્ડ ઉપલબ્ધ ન હોય, તો બૅંકમાં 'ફોર્મ ૬૦' ભરીને સબમિટ કરવું પડે છે. આ નિયમ રોકડ વ્યવહારોનો સચોટ અને કાનૂની રૅકોર્ડ રાખવા માટે જ બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત આવકવેરા કાયદાની કલમ ૨૬૯ST હેઠળ એક અત્યંત કડક જોગવાઈ છે. આ નિયમ મુજબ તમે એક જ દિવસમાં કોઈપણ એક વ્યક્તિ પાસેથી ₹૨ લાખ કે તેથી વધુની રોકડ રકમ સ્વીકારી શકતા નથી. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરીને ₹૨ લાખ કે તેથી વધુ કેશ લે છે, તો તેણે લીધેલી કુલ રોકડ રકમના ૧૦૦% જેટલો જંગી દંડ ભરવો પડી શકે છે. તેથી નાણાકીય મુશ્કેલીઓથી બચવા માટે મોટી રકમના વ્યવહારો માટે કેશના બદલે ચેક, NEFT, RTGS કે UPI જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે.
