Home Loan Documents: આજે દરેક વ્યક્તિ પોતાનું ખુદનું ઘર હોય તેવા સપના જોતી જ હોય છે. સૌ કોઈ એકવાર તો અચૂક વિચારે છે કે, દર મહિને ઘરના ભાડા ભરવા તેના કરતાં હોમ લોન લઈને પણ પોતાનું ઘર ખરીદી લઈએ. જો કે દિન-પ્રતિદિન રિયલ એસ્ટેટમાં આવી રહેલી તેજીના કારણે ઘરના ભાવ આસમાનને આંબી રહ્યા છે. આજ કારણોસર લોકોને હોમ લોનની મદદ લેવી પડે છે.
જો તમે બેંક પાસેથી હોમ લોન લઈને પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો જરૂરી ડૉક્યુમેન્ટની જાણકારી તમારી પાસે હોવી જ જોઈએ. જો પુરા અને યોગ્ય ડૉક્યુમેન્ટ હશે, તો તમારી હોમ લોન તાત્કાલિક મંજૂર થઈ શકે છે. આવી જ રીતે વ્યવસ્થિત અને પુરા ડૉક્યુમેન્ટ ના હોય, તો બેંક તમારી હોમ લોનની અરજી કેન્સલ પણ કરી શકે છે.
હોમ લોન આપતા પહેલા બેંક તમારી આવક, ઓળખ, સરનામું અને મિલ્કત સબંધિત ડોક્યુમેન્ટની ખારાઈ કરી છે. જેથી બેંકને ખાતરી થઈ શકે કે, તમે સમયસર લોન ચૂકવી શકવા માટે સક્ષમ છો કે કેમ?
હોમ લોન મંજૂર કરતાં પહેલા બેંક તમારી પાસે ઓળખ અને સરનામા સબંધિત ડોક્યુમેન્ટ માંગે છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ડોક્યુમેન્ટ સામેલ છે. જ્યારે સરનામાના પુરાવા તરીકે તમે લાઈટ બિલ, પાણીનું બિલ કે બેંકની પાસબુક કે સ્ટેટમેન્ટ પણ રજૂ કરી શકો છો.
ખાસ વાત એ છે કે, PAN કાર્ડ હોમ લોન માટે એક જરૂરી ડોક્યુમેન્ટ છે. જો તમારી પાસે પાન કાર્ડ નહીં હોય, તો તમારી હોમ લોનની એપ્લિકેશનને રિજેક્ટ જ કરવામાં આવી શકે છે. આ સિવાય નોકરી કરતાં હોય તેવા વ્યક્તિ પાસેથી બેંક સેલેરી સ્લિપ, ફોર્મ 16 અને છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ માંગે છે.
આવી જ રીતે જો તમે ધંધો કરતાં હોવ, તો તમારું ઈન્કમટેક્સ રિટર્ન, બેલેન્સ સીટ, પ્રોફિટ-લૉસ સ્ટેટમેન્ટ બેંકમાં જમા કરાવવું પડે છે. આ ડોક્યુમેન્ટની મદદથી જ બેંક જાણવાનો પ્રયાસ કરે છે કે, તમે ભવિષ્યમાં પુરેપુરી લોન ભરપાઈ કરી શકશો કે કેમ.
આ ઉપરાંત પ્રોપર્ટી સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ પણ હોમ લોન લેવા માટે અત્યંત જરૂરી છે. જેમાં રજીસ્ટ્રેશનના ડૉક્યુમેન્ટ, પોપર્ટીનો પઝેશન લેટર, ઓક્યુપેન્સી સર્ટિફિકેટ, જરૂર હોય તો NOC વગેરે ડોક્યુમેન્ટ સામેલ છે.
કોઈ પણ બેંક હોમ લોન આપતા પહેલા મિલ્કતની પુરેપુરી તપાસ કરે છે. આથી જો તમે પણ હોમ લોન લેવા માંગતા હોવ, તો પહેલા જ તમારા તમામ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત અને અપડેટ રાખો. અપુરતી વિગતો અને અધુરા ડોક્યુમેન્ટ સાથે અરજી કરશો, તો તમારી લોનની અરજી બેંક તરત જ નામંજૂર કરી દેશે.
