Indian Agarbatti market:ભારતીય અગરબત્તી અને હોમ-ફ્રેગ્રન્સ ક્ષેત્ર ઝડપથી પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં દેશનું અગરબત્તી અને હોમ-ફ્રેગ્રન્સ માર્કેટ સરેરાશ રૂપિયા 14 હજાર કરોડથી વધારે હાંસલ કર્યું છે. સાયકલ પ્યોર અગરબત્તીના અમરનાથ દત્તાની માહિતી પ્રમાણે આ ઉદ્યોગ હવે અનઓર્ગેનાઇઝ્ડ ક્ષેત્રમાંથી ઝડપથી ઓર્ગેનાઇઝ્ડ માર્કેટ તરફ ડાયવર્ટ થઈ રહ્યો છે.
બ્રાન્ડેડ કંપનીઓ સતત ઇનોવેશન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારીને પોતાનો માર્કેટ હિસ્સો મજબૂત બનાવી રહી છે. ખાસ વાત એ છે કે, વર્તમાન વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ અને પડકારો હોવા છતાં દેશમાંથી અગરબત્તીની નિકાસમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે.
હવે ગ્રાહકો માત્ર પારંપરિક કે ધાર્મિક ઉપયોગ પૂરતા સીમિત ન રહેતાં, ઘરોમાં સુગંધિત વાતાવરણ માટે નવી ફ્રેગ્રન્સ, ઉત્તમ ગુણવત્તા અને અલગ-અલગ ફોર્મેટ ધરાવતી પ્રીમિયમ પ્રોડક્ટ્સને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ બદલાતા ટ્રેન્ડના કારણે માર્કેટમાં નવા ઉત્સુક ઉત્પાદનો માટે વિપુલ તકો ઊભી થઈ છે. વધુમાં, ઈ-કોમર્સ અને ડિજિટલ કોમર્સના વિસ્તારથી કંપનીઓ નવી પેઢીના ગ્રાહકો સુધી પહોંચી રહી છે. તાજેતરમાં ‘સાત્વિક’ બ્રાન્ડના અધિગ્રહણથી પ્રીમિયમ સેગમેન્ટમાં સ્થાન વધુ મજબૂત બન્યું છે.
પર્યાવરણીય જવાબદારીને કેન્દ્રમાં રાખીને કંપનીએ કાર્બન ન્યુટ્રલ અને પ્લાસ્ટિક ન્યુટ્રલ જેવી મહત્વપૂર્ણ પહેલ અપનાવી છે. જવાબદાર વિનિર્માણ દ્વારા પર્યાવરણીય પ્રભાવ ઘટાડવો એ કંપનીની દીર્ઘકાલીન પ્રાથમિકતા છે. ગ્રાહકોને વ્યાજબી કિંમતે સસ્ટેનેબલ વિકલ્પો પૂરા પાડવા એ ઉદ્યોગ માટે એક પડકાર અને તક બંને છે. આગામી સમયમાં કંપની નવા આંતરરાષ્ટ્રીય બજારો અને સ્ટ્રેટેજિક તકો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિદેશી ક્ષેત્રે પોતાનો વ્યાપ વધુ વિસ્તારશે.
