બાપ રે! અંબાણીના 'વનતારા ક્રીમરી' આઈસ્ક્રીમના માત્ર 1 સ્કૂપનો ભાવ ₹750 શરૂ, જાણો કેમ આટલો મોંઘો છે આ આઈસ્ક્રીમ

અનંત અંબાણીના ‘વનતારા’એ લોન્ચ કરી લક્ઝરી આઈસ્ક્રીમ બ્રાન્ડ. ગીર ગાયના 100% શુદ્ધ A2 દૂધમાંથી બનતા આ આઈસ્ક્રીમના 1 સ્કૂપનો ભાવ અને ખાસિયતો જાણો અહીં.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 20 May 2026 09:09 AM (IST)Updated: Wed, 20 May 2026 09:09 AM (IST)
ambani-vantara-creamery-ice-cream-price-gir-cow-a2-milk

Vantara Ice Cream Price: અંબાણી પરિવારના બિઝનેસ પોર્ટફોલિયોમાં હવે વધુ એક લક્ઝરી બ્રાન્ડનો ઉમેરો થયો છે, જે ખાણીપીણીના શોખીનોમાં ભારે ચર્ચા જગાવી રહી છે. અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ ‘વનતારા’ અંતર્ગત મુંબઈના જિયો વર્લ્ડ ડ્રાઈવ ખાતે ‘વનતારા ક્રીમરી’ (Vantara Creamery) નામથી એક પ્રીમિયમ આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ આઈસ્ક્રીમની કિંમત એટલી વધારે છે કે સામાન્ય માણસ વિચારે કે, ‘આટલા રૂપિયામાં તો આખા મહિનાનું દૂધ આવી જાય!’

કિંમત કેટલી છે?

આ લક્ઝરી બ્રાન્ડના આઈસ્ક્રીમની કિંમત સાંભળીને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. વનતારા ક્રીમરીમાં માત્ર એક સ્કૂપ આઈસ્ક્રીમનો ભાવ ₹750થી શરૂ થઈને ₹1000 સુધી જાય છે.

આઈસ્ક્રીમ કયા દૂધમાંથી બને છે?

આ આઈસ્ક્રીમ આટલો મોંઘો હોવાનું મુખ્ય કારણ તેનું ખાસ દૂધ અને મેકિંગ પ્રોસેસ છે:

100% શુદ્ધ A2 દૂધ: આ આઈસ્ક્રીમ બનાવવા માટે કોઈ સામાન્ય દૂધ કે મિલ્ક પાવડર વાપરવામાં આવતો નથી. જામનગરની વનતારા ફેસિલિટીમાં આશ્રય મેળવેલી ગીર ગાયોના શુદ્ધ અને ઓર્ગેનિક A2 દૂધનો જ ઉપયોગ થાય છે. ગીર ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક અને ઘટ્ટ હોય છે, પરંતુ તેનું ઉત્પાદન ઘણું મર્યાદિત હોય છે.

નેચરલ પ્રોસેસ: કંપનીનો દાવો છે કે આમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ ફ્લેવર્સ, પ્રિઝર્વેટિવ્સ કે વેજીટેબલ ઓઈલ ઉમેરવામાં આવતા નથી. તેને પરંપરાગત પદ્ધતિથી ધીમે-ધીમે વલોવીને ઘટ્ટ કરવામાં આવે છે. મર્યાદિત ઉત્પાદન અને પ્રીમિયમ ગુણવત્તાને કારણે આ ભાવ આસમાને છે.

મેન્યુ અને ફ્લેવર્સ

વનતારા ક્રીમરીના મેન્યુમાં 17 જેટલા પરંપરાગત ફ્લેવર્સનો સમાવેશ કરાયો છે, જેને 4 અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં મલાઈ કુલ્ફી, ફિલ્ટર કોફી અને કેસર પેંડા જેવા ભારતીય સ્વાદ પ્રમુખ છે.

માર્કેટમાં અન્ય વિકલ્પો સાથે સરખામણી

જો A2 દૂધમાંથી બનતા અન્ય ઓર્ગેનિક આઈસ્ક્રીમ બ્રાન્ડ્સ સાથે સરખામણી કરીએ તો:

Iceberg Organic Ice Cream: આ બ્રાન્ડ પણ 100% A2 દૂધ અને સાકરનો ઉપયોગ કરે છે, જેના 125 મિલી કપની કિંમત અંદાજે ₹130થી ₹150 છે.
Highland Farms: તેમની પ્રીમિયમ ટ્રેડિશનલ A2 મિલ્ક કુલ્ફીનું પેક અંદાજે ₹380ની આસપાસ મળી રહે છે.

તેની સરખામણીમાં અંબાણીની ‘વનતારા ક્રીમરી’ અલ્ટ્રા-લક્ઝરી કેટેગરીમાં આવે છે, જે ખાસ પ્રીમિયમ ગ્રાહકોને આકર્ષી રહી છે.