Mukesh Ambani Buys Lutyens Bungalow: દિલ્હીના સૌથી પોશ અને દેશના વીઆઈપી વિસ્તાર ગણાતા લ્યુટિયન્સ ઝોનમાં એક મસમોટી રિયલ એસ્ટેટ ડીલે દેશભરનું ધ્યાન ખેંચ્યું છે. ભારત અને એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવતા મુકેશ અંબાણીની કંપની રિલિયન્સ ઈન્ડસ્ટ્રીઝે લ્યુટિયન્સ દિલ્હીના પૃથ્વીરાજ રોડ પર એક અત્યંત આલીશાન બંગલો ખરીદ્યો છે. લગભગ ₹350 કરોડ (અંદાજે 36.7 મિલિયન ડોલર)માં થયેલા આ સોદાએ દેશના બિઝનેસ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
બંગલાનું વેચાણ અને ‘મોબાઇલ કિંગ’નો સંબંધ
આ પણ વાંચો
આ હાઈ-પ્રોફાઈલ પ્રોપર્ટી સિંગાપોર સ્થિત ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ ભૂપેન્દ્ર કુમાર મોદી (બીકે મોદી અથવા ડૉ. એમ) પાસેથી ખરીદવામાં આવી છે. 90ના દાયકામાં ભારતમાં ટેલિકોમ ક્રાંતિની શરુઆત કરનારા બીકે મોદીને 'ભારતના પહેલા મોબાઇલ કિંગ' અને 'જેવી (Joint Venture) કિંગ' તરીકે ઓળખવામાં આવે છે. તેમની કંપની 'મોદી ટેલ્સ્ટ્રા'એ જ વર્ષ 1995માં ભારતમાં સૌથી પહેલી સેલ્યુલર મોબાઇલ સેવા શરૂ કરી હતી. તેમની વ્યવસાયિક ભાગીદારીમાં ઝેરોક્સ, અલ્કાટેલ, ઓલિવેટ્ટી અને ટેલસ્ટ્રા જેવી કંપનીઓનો સમાવેશ થતો હતો. બાદમાં તેઓ સિંગાપોર શિફ્ટ થઈ ગયા હતા. હવે તેમના દિલ્હી સ્થિત આ ઐતિહાસિક બંગલાની માલિકી રિલિયન્સના નામે થઈ ગઈ છે.
અંબાણી પરિવારનું ઘર નહીં, પણ બનશે 'વિશેષ આશરો'
સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે અંબાણી પરિવાર મુંબઈના 'એન્ટિલિયા' બાદ હવે દિલ્હીમાં પોતાનું નવું નિવાસસ્થાન બનાવી રહ્યો છે. જોકે, રિલિયન્સ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બંગલો અંબાણી પરિવારના અંગત રહેઠાણ માટે વપરાશે નહીં. કંપનીના જણાવ્યા મુજબ, દિલ્હી આવતા-જતા રિલિયન્સના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ પ્રોપર્ટીનો ઉપયોગ એક સુવિધાસભર 'ગેસ્ટ હાઉસ' તરીકે કરવામાં આવશે.
શા માટે આટલો ચર્ચામાં છે લ્યુટિયન્સ ઝોન?
દેશની રાજધાની દિલ્હીનો લ્યુટિયન્સ ઝોન એવો વિસ્તાર છે જ્યાં દેશના ટોચના રાજકારણીઓ, કેન્દ્રીય મંત્રીઓ, જજ, ઉચ્ચ સરકારી અધિકારીઓ અને દેશના મોટા અબજોપતિઓના બંગલા આવેલા છે. અહીં પ્રોપર્ટી મેળવવી એ માત્ર લક્ઝરી નથી પરંતુ પાવર અને સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. જુલાઈના અંતમાં પૂર્ણ થયેલી આ ડીલમાં અનંત અંબાણી સંબંધિત ફેમિલી ઓફિસની પણ મહત્ત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.
કોર્પોરેટ જગતના બે મોટા નામો વચ્ચે થયેલા આ સોદાએ ભારતના પ્રીમિયમ રિયલ એસ્ટેટ માર્કેટમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે.
