8th Pay Commission: દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે કેન્દ્રની મોદી સરકારે 8માં પગાર પંચની જાહેરાત કરી હતી, જ્યારે બિહાર વિધાનસભા ચૂંટણી સમયે પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી હતી. હવે 1 જાન્યુઆરી, 2026થી નવું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે, ત્યારે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સની ઉત્સુક્તા વધી રહી છે. એવામાં એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે.
હકીકતમાં 8માં પગાર પંચની રચના અને ટર્મ ઑફ રેફરન્સ જાહેર થઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી નવા આયોગની ઑફિસના કોઈ ઠેકાણા નથી. ઑલ ઈન્ડિયા NPS એમ્પ્લોયી ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. મંજીત પટેલે જાગરણ બિઝનેસ સાથે વાત કરતાં દાવો કર્યો હતો કે, નવા પગાર પંચને હજુ સુધી પોતાની ઑફિસ પણ નથી મળી.
આ પણ વાંચો
કોઈ કચેરી જ નથી, તો વાત ક્યાં રજૂ કરવી?
વર્તમાન સાતમું પગાર પંચ 31 ડિસેમ્બર, 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. એવામાં 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી લાગુ થઈ શકે છે. જો કે મંજીત પટેલના જણાવ્યા પ્રમાણે, પગાર પંચ પાસે હજુ સુધી કોઈ સત્તાવાર કચેરી જ નથી. જ્યારે કોઈ ઑફિસ જ ના હોય, તો વાતચીત ક્યાં અને કોની સાથે થશે?
જ્યારે પણ કોઈ પગાર પંચ બને છે, તો સૌથી પહેલા તેમને એક ઑફિસ આપવામાં આવે છે. જ્યાં કર્મચારી સંગઠન પોતાની માંગની રજૂઆત કરે છે, આવેદન આપે છે અને પંચના ચેરમેન સહિત અન્ય સભ્યો સાથે મુલાકાત કરે છે.
પગાર પંચ પાસે પોતાની ઑફિસ ના હોવાના કારણે હજુ સુધી 8માં પગાર પંચના ચેરમેન રંજના પ્રકાશ દેસાઈ કે અન્ય કોઈ સભ્યો સાથે વાતચીત થઈ શકી હતી. આવી સ્થિતિમાં કર્મચારી સંગઠન કોઈના ઘરે જઈને તો પોતાની વાત રજૂ ના કરી શકે. જ્યારે કર્મચારીઓને પોતાના પ્રશ્નોની રજૂઆત કરવી હોય, તો તે ક્યાં જાય?
સામાન્ય પ્રક્રિયા પ્રમાણે, પગાર પંચ એક ચોક્કસ સમય નક્કી કરે છે. જે બાદ કર્મચારી સંગઠનોને મળવા બોલાવે છે. આ ઔપચારિક બેઠકમાં તેમના પ્રશ્નોને સાંભળવામાં આવે છે. એવામાં ડૉ. મંજીત પટેલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જ્યારે બેસવા માટે કોઈ જગ્યા જ નક્કી નથી કરવામાં આવી તો બીજી પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે શરૂ થશે?
મંજીત પટેલનું કહેવું છે કે, ટેક્નીકલ રીતે પગાર પંચની રચના થઈ ચૂકી છે, પરંતુ પ્રેક્ટીકલ રીતે હજુ સુધી સેટ અપ ઉભો નથી કરવામાં આવ્યો. તેમનો આરોપ છે કે, પગાર પંચની રચનાને બે મહિના કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનો પણ પતી ગયો, પરંતુ હજુ સુધી પગાર પંચને પોતાની ઓફિસ નથી મળી શકી.
શું ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સુધી પગાર પંચ લટકાવશો?
ડૉ. મંજીત પટેલના જણાવ્યા પ્રમાણે, સરકાર જાણે જ છે કે, પગાર પંચને પોતાનું કામ પુરું કરવામાં ઓછામાં ઓછા 6 મહિના લાગી શકે છે. જો કે તેને જાણી જોઈને ખેંચવામાં આવે છે.
તેમણે દાવો કર્યો છે કે, પગાર પંચના વિલંબ પાછળ રાજકીય કારણો પણ હોઈ શકે છે અને તેને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સુધી પણ લટકાવવામાં આવી શકે છે.
આથી સ્પષ્ટ છે કે, 8માં પગાર પંચને લઈને એક તરફ કર્મચારીઓને નવા પગાર વધારા અને ફિટમેન્ટ ફેક્ટરની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ હજુ સુધી નવા પગાર પંચને ઑફિસ ના મળી શકવી, તે સમગ્ર પ્રક્રિયા પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે.
