Adani CNG Price Hiked: ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારા બાદ હવે સીએનજી (CNG) વાહનચાલકોના ખિસ્સા પર પણ મોંઘવારીનો મોટો બોજ આવી પડ્યો છે. અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયા અને 24 પૈસાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે જ અદાણી સીએનજીનો ભાવ હવે પ્રતિ કિલો ₹86.1 ની સપાટીને પાર પહોંચી ગયો છે. ઓઇલ કંપનીઓ અને સરકારી ગેસ વિતરકો બાદ હવે અદાણી દ્વારા કરવામાં આવેલો આ ભાવ વધારો આજથી જ એટલે કે શનિવારથી સમગ્ર રાજ્યમાં અમલી બની ગયો છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે અદાણી ગેસ દ્વારા છેલ્લા માત્ર દોઢ મહિનાની અંદર જ સીએનજીની કિંમતોમાં આ બીજો મોટો વધારો કરવામાં આવ્યો છે. આ પૂર્વે ગત 4 એપ્રિલના રોજ પણ કંપની દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આમ, છેલ્લા માત્ર 45 દિવસ એટલે કે દોઢ મહિનાના ટૂંકા ગાળામાં જ અદાણી સીએનજીમાં કુલ સાડા ત્રણ રૂપિયા (₹3.50) નો તોતિંગ વધારો ઝીંકી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરકારી કંપનીઓ બાદ અદાણીનો પણ ભાવવધારો
વાસ્તવમાં, 15 મે ના દિવસે જ આંતરરાષ્ટ્રીય બજાર અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા ફેરફારના પગલે સરકારી ઓઇલ અને ગેસ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની સાથે પોતાના સીએનજીના ભાવમાં પણ વધારો જાહેર કર્યો હતો. જોકે, તે દિવસે અદાણી ગેસ દ્વારા તાત્કાલિક કોઈ ભાવવધારો કરવામાં આવ્યો નહોતો. તેનું મુખ્ય કારણ એ હતું કે 4 એપ્રિલના રોજ કંપની ઓલરેડી દોઢ રૂપિયો વધારી ચૂકી હતી. પરંતુ સરકારી કંપનીઓ દ્વારા કિંમતો વધારાયાના ગણતરીના કલાકોમાં જ, અદાણી ગ્રુપ દ્વારા પણ ગત રાત્રે મોડો નિર્ણય લઈને પ્રતિ કિલો ₹2.24 વધારવાની જાહેરાત કરી દેવામાં આવી હતી, જે આજ સવારથી પંપો પર લાગુ થઈ ગઈ છે.
જે પ્રકારે દેશ અને રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે, બરાબર એ જ રીતે હવે સીએનજીના ભાવમાં પણ ભડકો થતાં મધ્યમ વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. એક સમયે પેટ્રોલ-ડીઝલના સસ્તા અને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જોવામાં આવતો સીએનજી ગેસ હવે ધીમે-ધીમે સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ રહ્યો છે.
અમદાવાદ અને મધ્ય ગુજરાતના વાહનચાલકોને સૌથી મોટો ફટકો
અદાણી ગેસના આ નિર્ણયની સૌથી વ્યાપક અને ગંભીર અસર અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લાના વાહનચાલકો પર જોવા મળશે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો, અમદાવાદ શહેરમાં સીએનજી સપ્લાયનું સૌથી મોટું અને મજબૂત નેટવર્ક અદાણી પાસે છે. શહેરમાં દોડતા લાખો વાહનો અદાણીના પંપો પર જ નિર્ભર છે. જ્યારે મધ્ય ગુજરાત અને સુરેન્દ્રનગરના આ વિસ્તારોમાં પણ સરકારી કંપનીઓ (જેવી કે જીએસપીસી કે ગેઇલ) કરતાં અદાણીના સીએનજી સ્ટેશનોની સંખ્યા ઘણી વધારે છે.
આ સ્થિતિમાં, આ વિસ્તારોના લાખો સીએનજી ગ્રાહકો પાસે અન્ય કોઈ કંપનીનો ગેસ પુરાવવાનો વિકલ્પ બહુ ઓછો રહે છે, જેથી તેમને ફરજિયાતપણે આ મોંઘો ગેસ ખરીદવો પડશે.
રિક્ષાચાલકો અને સ્કૂલવાન ચાલકોની આર્થિક કમર તૂટી
સીએનજીના ભાવમાં થયેલા આ અણધાર્યા વધારાને કારણે સમાજના એવા વર્ગને સૌથી મોટો માર પડ્યો છે જેઓ રોજગારી માટે સંપૂર્ણપણે સીએનજી વાહનો પર નિર્ભર છે. અમદાવાદ અને અન્ય શહેરોમાં દોડતી હજારો સીએનજી ઓટોરિક્ષાના ચાલકો, સ્કૂલવાન ચાલકો અને ખાનગી ટેક્સી ઓપરેટરોની આર્થિક કમર આ નિર્ણયથી તૂટી ગઈ છે.
રિક્ષાચાલકોનું કહેવું છે કે રોજનો જે ખર્ચ થતો હતો તેમાં મોટો વધારો થઈ જશે, જ્યારે તેની સામે મુસાફરોના ભાડાં તાત્કાલિક વધારી શકાતા નથી. જો ભાડું વધારવામાં આવે તો મુસાફરો મળતા નથી અને જો ન વધારવામાં આવે તો દિવસના અંતે ઘરે લઈ જવા માટે પૂરતી કમાણી બચતી નથી. આ જ સ્થિતિ સ્કૂલવાન એસોસિએશનની પણ છે, જેમના પર હવે આગામી શૈક્ષણિક સત્રથી બાળકોના માસિક ભાડામાં વધારો કરવાનું દબાણ ઊભું થશે, જે આખરે વાલીઓના ખિસ્સા પર જ ત્રાટકશે.
સીએનજી વ્હીકલ ખરીદનારા ગ્રાહકો નિરાશ
છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોથી બચવા માટે મધ્યમ વર્ગીય પરિવારો અને કોમર્શિયલ વાહનચાલકોએ મોટા પાયે સીએનજી કાર અને અન્ય સીએનજી વ્હીકલ્સ તરફ પ્રયાણ કર્યું હતું. ઓટોમોબાઈલ માર્કેટમાં પણ સીએનજી કારનું વેચાણ રેકોર્ડ સ્તરે વધ્યું હતું. ગ્રાહકોએ એ આશાએ સીએનજી વાહનો ખરીદ્યા હતા કે તેમાં રનિંગ કોસ્ટ (મુસાફરીનો ખર્ચ) ઓછો આવશે.
પરંતુ હવે જે ઝડપે સીએનજીના ભાવ વધી રહ્યા છે અને તે ₹86ને પાર થઈ ગયો છે, તે જોતા સીએનજી કારના માલિકો પણ ભારે નિરાશા અનુભવી રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે જો પેટ્રોલ અને સીએનજી વચ્ચેનો ભાવ તફાવત આ જ રીતે ઘટતો રહેશે, તો સીએનજી વાહનો ખરીદવાનો કોઈ ખાસ આર્થિક ફાયદો લાંબા ગાળે બચશે નહીં.
સરકારી કંપનીઓ દ્વારા ભાવ વધારવામાં આવ્યાના તુરંત બીજા જ દિવસથી અદાણીએ પણ પોતાના નેટવર્કમાં ભાવ વધારીને નફાખોરી અને બજારની સ્થિતિનો લાભ લીધો હોવાનો ગણગણાટ ગ્રાહકોમાં શરૂ થયો છે. માત્ર દોઢ મહિનામાં ₹3.50નો વધારો એ સામાન્ય વાહનચાલક માટે અસહ્ય છે. આગામી દિવસોમાં આ ભાવવધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન (માલસામાનની હેરફેર) મોંઘી થઈ શકે છે, જે આડકતરી રીતે શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજોના ભાવોને પણ આકાશમાં આંબવા માટે મજબૂર કરશે.
