8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને હોળી પર સરકારની 'ડબલ ભેટ', DA 60 ટકા પહોંચીને પછી 'ઝીરો' થશે; સમજો શું છે ગણિત?

અત્યારે કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવેલી માંગનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક પર સૌ કોઈની નજર રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Feb 2026 04:05 PM (IST)Updated: Tue, 17 Feb 2026 04:05 PM (IST)
8th-pay-commission-update-da-may-reach-60-per-cent-big-relief-for-central-employees
HIGHLIGHTS
  • મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો થઈ શકે છે
  • ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી 2.46ની વચ્ચે રહેતા પગારમાં 30 થી 34 ટકાનો વધારો થવાની શક્યતા

8th Pay Commission Update: 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સની નજર હવે જાન્યુઆરી-જૂન 2026ના મોંઘવારી ભથ્થા પર ટકેલી છે. એવી આશા સેવવામાં આવી રહી છે કે, કેન્દ્ર સરકાર આગામી માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં હોળીની પહેલા આ બાબતે મોટી જાહેરાત કરી શકે છે.

આ વખતે મોંઘવારી ભથ્થામાં વધારો એટલા માટે પણ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે 7મું પગાર પંચ 31 ડિસેમ્બર, 2025ના રોજ પોતાનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યું છે. એવામાં હવે સૌ કોઈ 8માં પગાર પંચ પર મીટ માંડીને બેઠા છે.

મોંઘવારી ભથ્થુ 60 ટકા સુધી પહોંચી શકે છે

વર્તમાનમાં 31 ડિસેમ્બર, 2025 સુધી મોંઘવારી ભથ્થું (DA) 58 ટકા પહોંચી ગયું હતુ. જે જુલાઈ-ડિસેમ્બર 2025 દરમિયાન 3 ટકા વધારા બાદ લાગુ થયું હતુ. આથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, જાન્યુઆરી 2026માં DAમાં બે ટકાનો વધારો થઈ શકે છે. જેના પરિણામે DA 60 ટકા સુધી પહોંચી જશે.

જો આમ થશે, તો તે છેલ્લા 26 વર્ષોમાં સૌથી ઓછા વધારા પૈકી એક હતી. જો કે તે સૌથી ઓછું નહીં હોય, કારણ કે અગાઉ જાન્યુઆરી 2000માં માત્ર 1 ટકા વધારો કરવામાં આવ્યો હતો. આ સિવાય જાન્યુઆરી 2007, 2018 અને 2025માં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ માટે 1 થી 2 ટકા પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેની માસિક પગાર, અરિયર અને પેન્શન પર સીધા અસર પડે છે.

નવું પગાર માળખું લાગુ થતાં જ મોંઘવારી ભથ્થું શૂન્ય થશે

આ દરમિયાન 8માં પગાર પંચની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. અગાઉ સરકારે નવેમ્બર-2025માં તેના ટર્મ્સ ઑફ રેફરન્સ જારી કરી હતી. જે પગાર પંચની સત્તાવાર વેબસાઈટ પર લાઈવ છે અને MyGov પોર્ટલ પર તેની વિગતવાર પ્રશ્નોત્તરી પણ ઉપલબ્ધ છે, જેની ડેડલાઈન 16 માર્ચ, 2026 નક્કી કરવામાં આવ છે. જેમાં માત્ર ઑનલાઈન સૂચનો જ સ્વીકારવામાં આવી રહ્યા છે.

સર્વેમાં ફિટમેન્ટ ફેક્ટર, વાર્ષિક ઈન્ક્રીમેન્ટ, પેન્શનનું માળખું સહિત અન્ય ભથ્થામાં સંશોધન જેવા 18 અગત્યના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પગાર પંચને 18 મહિનામાં પોતાની અંતિમ ભલામણો આપવાની છે.

પ્રાથમિક અનુમાન પ્રમાણે, ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી 2.46ની વચ્ચે રહી શકે છે. જેનાથી પગારમાં 30 થી 34 ટકાનો વધારો થઈ શકે છે. નવું પગાર માળખું લાગુ થતા જ મોંઘવારી ભથ્થુ (DA) શૂન્ય કરી દેવામાં આવશે, જેમ કે દર નવા પગાર પંચમાં કરવામાં આવે છે.

લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને પગાર પંચની ભલામણોથી ફાયદો થશે. કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી માંગનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી ફેબ્રુઆરીએ ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક મળવાની સંભાવના છે. એવામાં હાલ સૌ કોઈની નજર માર્ચમાં થનાર DAની જાહેરાત પર ટકેલી છે.

ભલે DAમાં વધારો 2 ટકા જ કેમ ના થયો હોય, પરંતુ તે મોંઘવારીમાં જરૂર રાહત આપશે અને પાછળથી તે 8માં પગાર પંચ અંતર્ગત બેઝીક પેમાં મર્જ થઈ શકે છે. આમ એકંદરે 2026નું વર્ષ કેન્દ્રિય કર્મચારીઓ માટે ખૂબ મોટા પરિવર્તનનું વર્ષ સાબિત થઈ શકે છે. જેમાં 7મું પગાર પંચ સમાપ્ત થવાની સાથે જ 8માં પગાર પંચની નવી શરૂઆત થશે.