8th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરઃ બેઝીક સેલેરી વધીને સીધી રૂ. 68,940 થઈ શકે છે!

ઑલ્ડ પેન્શન સ્કીમ પુનઃ લાગુ કરવા, સેલેરીના લેવલને ઘટાડીને 7 કરવા, હાઉસ રેન્ટ એલાઉન્સ 30 ટકા કરવા, વાર્ષિક ઈન્ક્રીમેન્ટ 3 ટકાથી વધારીને 6 ટકા કરવા સહિતની માંગ મૂકવામાં આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 05 May 2026 03:58 PM (IST)Updated: Tue, 05 May 2026 03:58 PM (IST)
8th-pay-commission-salary-hike-central-employees-rs-68940-latest-update
HIGHLIGHTS
  • નેશનલ કાઉન્સિલ (JCM) દ્વારા સ્ટાફ તરફથી સરકાર સમક્ષ મોટી માંગ કરવામાં આવી

8th Pay Commission News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8માં પગારપંચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. હકીતમાં નેશનલ કાઉન્સિલ દ્વારા સ્ટાફ તરફથી સરકારને આવેદન સોંપવામાં આવ્યું છે, જેમાં 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી છે. જો આ માંગણી મંજૂર કરી દેવામાં આવશે, તો કર્મચારીઓના લઘુત્તમ વેતન અને પેન્શનમાં 283 ટકાનો ઐતિહાસિક ઉછાળો જોવા મળી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર એ ગુણાંક છે, જેના દ્વારા વર્તમાન બેઝીક સેલેરીને ગુણવામાં આવે છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું. હવે JCMએ તેને વધારીને 3.83 કરવાની માંગ કરી છે.

જો આ માંગ સ્વીકારવામાં આવે, તો હાલના મૂળ લઘુત્તમ વેતન રૂ. 18,000 × 3.83 = રૂ. 68,940 થઈ જશે. આવી જ રીતે, લઘુત્તમ પેન્શન રૂ. 9,000 થી વધીને રૂ.34,470 થઈ જશે. એટલે કે પગાર અને પેન્શન બંનેમાં 283 ટકાનો વધારો થઈ શખે છે. જો કે આ તો માત્ર કર્મચારીઓની માંગ જ છે, આખરે નિર્ણય તો સરકાર જ કરશે.

છેલ્લા કેટલાક દિવસોથી 283નો આંકડો ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ છેલ્લા કેટલાક અનુભવો પરથી તારણ કાઢીએ તો, મોટાભાગે સરકાર કર્મચારીઓની માંગથી ઓછું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે. આથી નાણાંકીય બાબતોના જાણકારોના મતે, સરકાર 1.8 થી લઈને 2.86ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકે છે. જેના પરિણામે ખરો વધારો લગભગ 13 થી 35 ટકાની વચ્ચે રહેવાની શક્યતા છે. આમ છતા તે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટો ફાયદો જ ગણાશે.

JCM દ્વારા માત્ર પગાર વધારવાની જ માંગ નથી મૂકવામાં આવી, પરંતુ તેની અન્ય માંગો પર નજર નાંખીએ તો, ઑલ્ડ પેન્શન સ્કીમને પુનઃ લાગુ કરવા, સેલેરીના લેવલને ઘટાડીને માત્ર 7 કરવા, હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) 30 ટકા કરવો, વાર્ષિક ઈન્ક્રીમેન્ટ 3 ટકાથી વધારીને 6 ટકા કરવું અને 30 વર્ષની સર્વિસમાં ઓછામાં ઓછા 5 વખત પ્રમોશન આપવું વગેરે સામેલ છે. આ તમામ માંગો પર સરકારનો આખરી નિર્ણય હજુ લેવાયો નથી.

8મા પગારપંચનો લાભ ક્યારથી મળતો થઈ જશે?

મોદી કેબિનેટ દ્વારા જાન્યુઆરી-2025માં 8માં પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 3 નવેમ્બર,2025ના રોજ તેની સત્તાવાર રચના કરવામાં આવી હતી. એવામાં પગારપંચને પોતાનો રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય મળ્યો છે.

આથી એવી આશા રાખી શકાય કે, ભલામણો 1 જાન્યુઆરી, 2026થી અમલી ગણાય, પછી ભલેને તેને લાગુ થવામાં વિલંબ કેમ ના થાય. સંભાવિત તારીખોનું જોઈએ તો, કર્મચારીઓને 2027ના અંત અથવા ડિસેમ્બર 2028ની શરૂઆત સુધીમાં વધેલી સેલેરી અને પેન્શન મળવાનું શરૂ થઈ જશે.

જો 7માં પગારપંચના આંકડા જોઈએ તો, તેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેમાં લઘુત્તમ વેતન 18 હજાર અને મહત્તમ 2.50 લાખ હતુ. જ્યારે 8માં પગાર પંચ માટે પ્રસ્તાવિત 3.83 ફિટમેન્ટ ફેક્ટરમાં લઘુત્તમ વેતન 68,940 હોઈ શકે છે. જો કે એક્સપર્ટના અંદાજ અનુસાર, વાસ્તવિક ફિટમેન્ટ ફેક્ટર 2.86ની આસપાસ હોઈ શખે છે, જેના પરિણામે લઘુત્તમ વેતન લગભગ 51,480ની આસાપાસ રહી શકે છે.