8th Pay Commission 2026: 'ફિટમેન્ટ ફેક્ટર' શું છે? જાણો તેના આધારે કેવી રીતે નક્કી થાય છે પગાર વધારો

ફિટમેન્ટ ફેક્ટર એક 'મલ્ટિપ્લાયર' છે. જેને હાલની બેઝિક સેલરી સાથે ગુણીને નવી બેઝિક સેલરી નક્કી થાય છે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધારે હશે, કર્મચારીઓનો પગાર અને પેન્શન પણ તેટલું જ વધશે

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 03 Jan 2026 04:29 PM (IST)Updated: Sat 03 Jan 2026 04:29 PM (IST)
8th-pay-commission-2026-fitment-factor-explained-for-salary-hike-667398

8th Pay Commission 2026: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે હાલમાં એક જ ચર્ચા છે કે આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે અને વધેલો પગાર ક્યારથી મળશે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વનો મુદ્દો ફિટમેન્ટ ફેક્ટર છે, કારણ કે તે જ નક્કી કરે છે કે કર્મચારીના હાલના પગારમાં કેટલો વધારો થશે. નિષ્ણાતોના મતે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર કેટલો હશે અને સરકાર તેને કયા આધારે નક્કી કરશે તે જાણવું દરેક કર્મચારી માટે જરૂરી છે.

શું છે ફિટમેન્ટ ફેક્ટર?

ઓલ ઈન્ડિયા એનપીએસ એમ્પ્લોઈ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. મંજિત સિંહ પટેલે સમજાવ્યું છે કે ફિટમેન્ટ ફેક્ટર એ એક 'મલ્ટિપ્લાયર' (ગુણક) છે. આ ફેક્ટર દ્વારા વર્તમાન બેઝિક સેલરીને ગુણીને નવી બેઝિક સેલરી નક્કી કરવામાં આવે છે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધારે હશે, કર્મચારીઓનો પગાર અને પેન્શન પણ તેટલું જ વધારે વધશે.

ગણતરી દ્વારા સમજો પગારમાં કેટલો વધારો થશે

જો સરકાર 2.64 ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે તો પગારની ગણતરી નીચે મુજબ થઈ શકે છે:

  • જો કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર 18,000 છે તો 18,000 × 2.64 = 47,250 રુપિયા નવી બેઝિક સેલરી થશે.
  • જો કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર 50,000 હોય, તો 50,000 × 2.64 = 1,32,000 સુધી નવી બેઝિક સેલરી પહોંચી શકે છે.

આ વખતે કેટલો ફિટમેન્ટ ફેક્ટર હોઈ શકે છે?

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વખતે ત્રણ સંભવિત ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા થઈ શકે છે - 2.13, 2.64 અને 2.80.

2.13 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ 'નો પ્રોફિટ, નો લોસ' જેવી સ્થિતિ છે, જ્યારે 2.64 ને લઘુત્તમ સંતોષકારક માનવામાં આવે છે. જો સરકાર ફેમિલી યુનિટને 3 થી વધારીને 5 ગણે તો 2.8 કે તેથી વધુ ફિટમેન્ટ ફેક્ટર શક્ય છે.

ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવાના માપદંડો

ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટે સરકાર વિવિધ પાસાઓ ધ્યાનમાં લે છે, જેમ કે મોંઘવારી (CPI-IW આંકડા), જીવનનિર્વાહનો ખર્ચ, સરકારની નાણાકીય સ્થિતિ અને બજેટ. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રના પગાર સાથે તુલના અને લઘુત્તમ સામાજિક જરૂરિયાતો જેવી કે ખોરાક, કપડાં, શિક્ષણ અને સ્વાસ્થ્યના ખર્ચને પણ ગણતરીમાં લેવામાં આવે છે.

ક્યારથી મળશે વધેલો પગાર?

નિયમો મુજબ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવવું જોઈએ. જોકે, રિપોર્ટ તૈયાર કરવા અને કેબિનેટની મંજૂરીમાં 18 થી 24 મહિનાનો સમય લાગી શકે છે. આથી કર્મચારીઓના હાથમાં વધેલો પગાર 1 જુલાઈ, 2027 અથવા 1 જાન્યુઆરી, 2028 થી આવવાની પ્રબળ શક્યતા છે. ઉત્તર પ્રદેશની 2027 ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પણ સરકાર જુલાઈ 2027 માં જાહેરાત કરી શકે છે.

કર્મચારીઓને થતું નુકસાન

પગાર પંચના અમલીકરણમાં વિલંબને કારણે કર્મચારીઓને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. ડૉ. મંજિત પટેલના મતે લેવલ-8 ના કર્મચારીને 30-35 લાખ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે, કારણ કે એચઆરએ (HRA) અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સનું એરિયર્સ મળતું નથી. જો 50% ડીએ (DA) ને 1 જાન્યુઆરી 2024 થી બેઝિકમાં મર્જ કરી દેવામાં આવ્યું હોત તો કર્મચારીઓને વધુ ફાયદો થયો હોત.