New Triumph Motorcycle: ભારતમાં રેટ્રો અને ક્લાસિક બાઇકોની માંગ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં Triumphએ 6 ઓક્ટોબર 2026ના રોજ આવનારી 4 નવી બાઇકોનો ટીઝર જાહેર કરીને બાઇક પ્રેમીઓમાં ઉત્સાહ વધારી દીધો છે. આ મોડલ્સમાં એક ક્લાસિક-સ્ટાઇલ રોડસ્ટર પણ જોવા મળી રહી છે, જેને Bonneville 400 તરીકે લોન્ચ કરવામાં આવી શકે છે. જો આવું થાય તો Royal Enfield અને Honda જેવી કંપનીઓને નવા પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડી શકે છે.
ક્લાસિક ડિઝાઇન સાથે આવશે નવી Bonneville 400
તાજેતરમાં સામે આવેલા ટીઝર અને ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલા મોડલ્સ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે Triumph Bonneville 400માં બ્રાન્ડની પરંપરાગત ડિઝાઇન જાળવવામાં આવશે. બાઇકમાં સ્કલ્પ્ટેડ ફ્યુઅલ ટાંક, ગોળાકાર LED હેડલેમ્પ, રાઉન્ડ મિરર્સ અને ફ્લેટ બેન્ચ સીટ જોવા મળી શકે છે. ઉપરાંત ક્રોમ ફિનિશવાળી રિયર ગ્રેબ રેલ તેના રેટ્રો લુકને વધુ આકર્ષક બનાવશે.
વાયર-સ્પોક વ્હીલ્સ આપશે વિન્ટેજ ફીલ
નવી બાઇકમાં વાયર-સ્પોક વ્હીલ્સ આપવામાં આવી શકે છે, જે તેને ક્લાસિક મોટરસાઇકલનો લુક આપશે. આગળની બાજુ ટ્રેડિશનલ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળ ટ્વિન શોક એબ્ઝોર્બર સેટઅપ જોવા મળી શકે છે. સાથે જ પીષૂટર-સ્ટાઇલ એક્ઝોસ્ટ તેની ડિઝાઇનને અન્ય Triumph રોડસ્ટર મોડલ્સથી અલગ બનાવશે.
આરામદાયક રાઇડિંગ માટે ખાસ સેટઅપ
અગાઉ સ્પોટ થયેલા મોડલ્સમાં કર્વ્ડ ફ્યુઅલ ટાંક, બ્રશ-મેટલ એન્જિન ફિનિશ અને પહોળી સિંગલ-પીસ સીટ જોવા મળી હતી. આ તમામ તત્વો સૂચવે છે કે બાઇકને આરામદાયક રાઇડિંગ પોઝિશન અને લાંબી મુસાફરીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.
Speed 400માં મળતા મોનોશોક સસ્પેન્શનની જગ્યાએ Bonneville 400માં ટ્વિન-શોક સેટઅપ આપવામાં આવી શકે છે. આ માટે બાઇકના રિયર વિભાગ અને સ્વિંગઆર્મમાં ફેરફાર કરવામાં આવશે. નવી સબફ્રેમ ફ્લેટ સીટને સપોર્ટ કરવામાં મદદરૂપ બની શકે છે.
એન્જિન અને સંભવિત સ્પેસિફિકેશન
રિપોર્ટ્સ અનુસાર, ભારતીય બજારમાં આવનારી Bonneville 400માં Triumphનું 349cc એન્જિન આપવામાં આવી શકે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં 398cc એન્જિન ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે કંપનીએ હજુ સુધી સત્તાવાર સ્પેસિફિકેશન જાહેર કર્યા નથી.
કોની સાથે થશે ટક્કર?
જો Bonneville 400 ભારતીય બજારમાં લોન્ચ થાય છે તો તેનું સીધું મુકાબલો Royal Enfield Classic 350 અને Honda CB350 જેવી લોકપ્રિય રેટ્રો બાઇકો સાથે થઈ શકે છે. ક્લાસિક સ્ટાઇલ, આધુનિક ફીચર્સ અને Triumph બ્રાન્ડની ઓળખને કારણે આ બાઇક ગ્રાહકો માટે આકર્ષક વિકલ્પ બની શકે છે.
