Maruti Suzuki:મારુતિ સુઝુકી હાંસલપુર પ્લાન્ટ વાર્ષિક 10 લાખ વાહનોના ઉત્પાદન સાથે બન્યો ભારતનો સૌથી મોટો પ્લાન્ટ, e-Vitara ઇલેક્ટ્રિક કારનું થશે ઉત્પાદન

મારુતિ સુઝુકીએ ગુજરાતના હાંસલપુર પ્લાન્ટ D માં ઉત્પાદન શરૂ કરતા વાર્ષિક ક્ષમતા 10 લાખ યુનિટ થઈ, જે ભારતનો સૌથી મોટો પ્લાન્ટ બન્યો. અહીં કંપનીની મુખ્ય ઇલેક્ટ્રિક કાર E-Vitaraનું ઉત્પાદન થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 30 Jul 2026 07:30 PM (IST)Updated: Thu, 30 Jul 2026 07:30 PM (IST)
maruti-suzuki-hansalpur-facility-hits-1-million-annual-production-capacity-with-new-4th-plant

Maruti Suzuki:મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે આજે ગુજરાતમાં તેની હાંસલપુર સુવિધાના ચોથા પ્લાન્ટ (પ્લાન્ટ D) ખાતે કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે. વાર્ષિક 2,50,000 યુનિટની ક્ષમતા ધરાવતા આ ચોથા પ્લાન્ટે હાંસલપુર સુવિધાની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતાને 7,50,000 યુનિટથી વધારીને 10 લાખ યુનિટે પહોંચાડી દીધી છે.

આ સાથે જ સુઝુકીના ઇતિહાસમાં એવું પહેલી વખત બન્યું છે કે તેની કોઈ એક જ ઉત્પાદન સુવિધા ખાતેની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 લાખ યુનિટે પહોંચી છે. આના પગલે મારુતિ સુઝુકીની હાંસલપુર સુવિધાએક જ સ્થળે ભારતની સૌથી મોટી પેસેન્જર વ્હીકલ પ્રોડક્શન સાઈટ બની છે.

E વિટારાનું ઉત્પાદન થશે

હાંસલપુર પ્લાન્ટ D સાથે મારુતિ સુઝુકીની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 29 લાખ યુનિટે પહોંચી છે. હાંસલપુર સુવિધા ખાતેનું કુલ રોકાણ રૂપિયા 25,288.7 કરોડ છે. તેમાં પ્લાન્ટ અ માટે અંદાજિત રૂપિયા 3,900 કરોડનું રોકાણ સામેલ છે. નવો પ્લાન્ટ શરૂઆતમાં કંપનીના મુખ્ય બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV), E વિટારાનું ઉત્પાદન કરશે.

અત્યાધુનિક હાંસલપુર સુવિધા ફ્રોન્ક્સ,બલેનો, સ્વીફ્ટ અને ઈ વિટારાનું ઉત્પાદન કરે છે. આ સુવિધા કંપની માટે એક મુખ્ય નિકાસ કેન્દ્ર તરીકે ઉભરી આવી છે, જે નાણાકીય વર્ષ 2025-26 માં કુલ વિદેશી શિપમેન્ટનો લગભગ 47% હિસ્સો ધરાવે છે.


મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હિસાશી તાકેઉચીએ આ વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે,મજબૂત માળખાગત સુવિધાઓ અને પ્રગતિશીલ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ દ્વારા ગુજરાત મારુતિ સુઝુકી માટે ઉત્પાદન અને નિકાસના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. અમારી હાંસલપુર સુવિધાના ચોથા પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થવાથી તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 લાખ વાહનો સુધી પહોંચી છે, જે તેને એક જ સ્થળે ભારતની સૌથી મોટી પેસેન્જર વ્હીકલ પ્રોડક્શન ફેસિલિટી બનાવે છે.

આ નવી લાઇન ભારત અને વિદેશમાં ગ્રાહકોની વધતી માંગને પહોંચી વળવાની અમારી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે સાથે અમારા ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને આગળ વધારશે અને અમારા વૈશ્વિક પદચિહ્નનો વિસ્તાર કરશે.

રોજગારી સર્જન, નિકાસને વેગ મળશે


એક સાથે મળીને હાંસલપુર અને ગુજરાતની આગામી સાણંદ સુવિધા ભારતમાં વાર્ષિક 40 લાખ યુનિટ ઉત્પાદન કરવાની અમારી લાંબાગાળાની મહત્વાકાંક્ષાને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ્સ ભારતની ઉત્પાદન સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા, રોજગારીનું સર્જન કરવા, નિકાસને વેગ આપવા અને વિકસિત ભારત તરફ યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”