Mahadev jal abhishekh story: હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે, અને તેમાં પણ શિવલિંગ પર જળ ચડાવવું એ સૌથી સરળ અને ફળદાયી પૂજા માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિવલિંગ પર જળનો અભિષેક કેમ કરવામાં આવે છે? તેની પાછળ પૌરાણિક કથાઓ અને ઊંડું વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે.
સમુદ્ર મંથન અને વિષપાનની પૌરાણિક કથા
શિવપુરાણ અનુસાર, દેવો અને દાનવો દ્વારા કરવામાં આવેલા સમુદ્ર મંથન દરમિયાન અત્યંત ઝેરી હલાહલ વિષ નીકળ્યું હતું. સૃષ્ટિને આ ઝેરની ગરમીથી બચાવવા માટે મહાદેવે તેને પોતે પી લીધું હતું. વિષના પ્રભાવથી ભગવાન શિવનું ગળું નીલું પડી ગયું જેથી તેઓ નીલકંઠ કહેવાયા અને તેમના શરીરમાં ભારે બળતરા થવા લાગી. આ બળતરા અને ગરમીને શાંત કરવા માટે તમામ દેવી-દેવતાઓએ તેમના પર શીતળ જળનો અભિષેક કર્યો હતો. ત્યારથી જ શિવલિંગ પર જળ ચડાવવાની પરંપરા શરૂ થઈ.
શિવલિંગ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શિવલિંગને ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે.
ઊર્જાનું સંતુલન: શિવલિંગમાંથી સતત રેડિયેશન અથવા અણુ ઊર્જા જેવી ગરમી ઉત્સર્જિત થાય છે. આ ઊર્જાને શાંત રાખવા માટે તેના પર સતત જળની ધારા ચડાવવામાં આવે છે.
જલધારની રચના: શિવલિંગ પર મૂકવામાં આવતી મટકી (જલધારી)માંથી ટીપે-ટીપે પાણી પડે છે, જે ઊર્જાના સંતુલનને જાળવી રાખવાનું કામ કરે છે.
મનની શાંતિ અને માનસિક લાભ
જેમ જળ અભિષેકથી મહાદેવની બળતરા શાંત થાય છે, તેમ શિવલિંગ પર જળ ચડાવવાથી ભક્તના મન અને મગજને પણ શાંતિ મળે છે. જળ ચડાવતી વખતે "ઓમ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવાથી ચિંતા, તણાવ અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
શિવલિંગ પર જળ ચડાવવાની સાચી રીત
- હંમેશાં બેસીને ઉત્તર દિશા તરફ મુખ રાખીને જળ ચડાવવું જોઈએ.
- જળ ચડાવવા માટે તાંબા અથવા પિત્તળના પાત્રનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- જળ હંમેશાં ધીમે-ધીમે અને પાતળી ધારા બનાવીને અર્પણ કરવું જોઈએ.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. તેનો હેતુ કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. અલગ-અલગ શાસ્ત્રો અને પરંપરાઓમાં માન્યતાઓ અલગ હોઈ શકે છે.
