Navratri 2026 Date: પિતૃ પક્ષની સમાપ્તિ બાદ ગરબા અને ભક્તિના પવિત્ર પર્વ 'શારદીય નવરાત્રિ'ની શરૂઆત થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિની પ્રારંભિક તારીખ અને કળશ સ્થાપના (ઘટસ્થાપન) ના શુભ સમયને લઈને શ્રદ્ધાળુઓમાં કેટલીક મૂંઝવણ જોવા મળી રહી છે. કેટલાક લોકો નવરાત્રિ 10 ઓક્ટોબરથી શરૂ થવાની ચર્ચા કરી રહ્યા છે, તો કેટલાક 11 ઓક્ટોબર ગણાવી રહ્યા છે. જોકે, જ્યોતિષીઓ અને પંચાંગના આધારે આ મૂંઝવણ દૂર થઈ ગઈ છે.
તિથિ અને ઉદયા તિથિનું ગણિત
જ્યોતિષશાસ્ત્ર અને હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ વખતે આસો શુક્લ પ્રતિપદા તિથિ 10 ઓક્ટોબરના રોજ રાત્રે 9:19 વાગ્યે શરૂ થશે અને 11 ઓક્ટોબરના રોજ રાત્રે 9:30 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ સનાતન ધર્મમાં ઉદયા તિથિ (સૂર્યોદય સમયની તિથિ)નું વિશેષ મહત્વ હોવાથી, નવરાત્રિનો પહેલો દિવસ અને ઘટસ્થાપન 11 ઓક્ટોબરના રોજ જ માનવામાં આવશે.
ઘટસ્થાપન માટેના શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત
11 ઓક્ટોબરના રોજ સવારનો સમય ઘટસ્થાપન (કળશ સ્થાપના) માટે અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવ્યો છે. ભક્તો નીચે દર્શાવેલ સમયગાળા દરમિયાન કળશ સ્થાપન કરી શકે છે:
- સવારનું શુભ મુહૂર્ત: સવારે 6:32 વાગ્યાથી સવારે 10:26 વાગ્યા સુધી.
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:02 વાગ્યાથી બપોરે 12:48 વાગ્યા સુધી.
નવરાત્રિના દિવસોનું ગણિત: સપ્તમી બે દિવસ રહેશે
આ વર્ષે શારદીય નવરાત્રિ દરમિયાન તિથિઓની ગણતરીમાં વિશેષ ફેરફાર જોવા મળશે. આ વખતે સપ્તમી તિથિ બે દિવસ સુધી રહેશે. 17 ઓક્ટોબર અને 18 ઓક્ટોબર એમ બંને દિવસે સપ્તમી તિથિના ભાગરૂપે માં કાલરાત્રિની આરાધના કરવામાં આવશે. ત્યારબાદ 19 ઓક્ટોબરના રોજ અષ્ટમી અને નવમી બંને તિથિની પૂજા એક જ દિવસે કરવામાં આવશે. 19 ઓક્ટોબરે કન્યા પૂજન સાથે જ નવરાત્રિનું સમાપન થશે અને તેના બીજા દિવસે 20 ઓક્ટોબરે વિજયાદશમી (દશેરા) ની ઉત્સાહભેર ઉજવણી કરાશે.
ગજ વાહન પર મા દુર્ગાનું આગમન: સમૃદ્ધિનો સંકેત
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, જ્યારે નવરાત્રિનો પ્રારંભ રવિવારથી થાય છે, ત્યારે દેવી દુર્ગા હાથી (ગજ) પર સવાર થઈને પૃથ્વી લોક પર પધારે છે. શાસ્ત્રોમાં માતાજીનું હાથી પર આગમન ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. તે દેશ અને દુનિયામાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સારો વરસાદ લાવવાનો સંકેત આપે છે. આ નવ દિવસો દરમિયાન માં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે.
