Trinetreshwar Mahadev Temple: ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલો મહાભારતકાલીન ઈતિહાસ, જાણો દર્શનનો સમય, કેવી રીતે પહોંચવું અને ફરવાલાયક સ્થળો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો દૂર દૂરથી ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 25 Aug 2026 06:00 AM (IST)Updated: Tue, 25 Aug 2026 06:00 AM (IST)
trinetreshwar-mahadev-temple-tarnetar-history-darshan-aarti-time-how-to-reach-and-nearby-attractions

Trinetreshwar Mahadev Temple: પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીનો મહિમા ઘણો અનેરો છે. આ માસમાં ભક્તો ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતાં હોય છે. ત્યારે શ્રાવણ મહિનામાં ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, ભક્તોમાં શ્રદ્ધાનું કેન્દ્ર સમાન શિવમંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર, જ્યાં ભક્તો દૂર દૂરથી ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે. તેમજ અહીં ભરાતો તરણેતરનો મેળો પણ જગવિખ્યાત છે. આજે ગુજરાતી જાગરણ મંદિરોની સિરીઝમાં વાચકોને ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર વિશે માહિતી આપશે.

શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો ધાર્મિક મહત્વ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અને જગવિખ્યાત લોક મેળાને ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્ય અને લોકજીવનનો અનોખો સંગમ ગણવામાં આવે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ભારતમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના બે શિવ મંદિરો આવેલા છે, જેમાં તરણેતરનું ત્રિનેત્રેશ્વર અને હિમાલયમાં બદ્રીકાશ્રમ નજીક આવેલું ત્રીનેત્રધામ.

આ બંને શિવાલયો ખૂબ જ પૂજનીય છે. આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે. જાણકારોના મતાનુસાર, મોટું શિવલિંગ પ્રાચીન છે, તેની બાજુમાં આવેલા નાના શિવલિંગની સ્થાપના લખતરના ઠાકોર સાહેબ કરણસિંહજી બાપુ દ્વારા કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારે દિવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે.

તરણેતરમાં ભરાતો ભાતીગળ લોકમેળો

ભાદરવા મહિનામાં યોજાતો તરણેતરનો મેળો એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સૌરાષ્ટ્રના લોકજીવનનો ઉમંગ, ઉત્સાહ અને પ્રણય મેળો છે. તરણેતરનો મેળો માણવા અને ત્રિનેત્રેશ્વર દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આ ભાતીગળ મેળાની મજા માણવા માટે ઉમટી પડે છે. આ મેળાના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો, આહીર, રબારી, કાઠી અને ભરવાડ સમુદાયના લોકો પોતાનો પરંપરાગત આકર્ષક પોશાક પહેરીને આવે છે. તેમજ રંગબેરંગી સુશોભિત છત્રીઓ, હુડો અને દાંડિયા રાસ આ મેળાનું મુખ્ય આકર્ષણ છે.

શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો ધાર્મિક ઈતિહાસ

થાનગઢના તરણેતર ગામમાં આવેલા શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર વિશે ઘણી પૌરાણિક અને ધાર્મિક દંતકથાઓ પ્રચલિત છે. પ્રાચીન દંતકથા મુજબ, અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વને કોઈ સંતાન નહોતું. તેથી તેમણે ગુરુ વશિષ્ઠની સુચનાથી એક યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞના ફળ સ્વરુપ તેમને પુત્ર માંધાતાનો જન્મ થયો હતો. ત્યારબાદ આગળ જતાં રાજા માંધાતાએ તરણેતરમાં આ શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. બીજી એક માન્યતા પ્રમાણે, મહાભારત કાલીન રાજા દ્રુપદની નગરી પાંચાળમાં હતી અને દ્રોપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવ્યો હતો. તે સમયે બ્રાહ્મણ વેશમં આવેલા પાંડવોમાં અર્જુને મત્સ્યભેદન કરીને દ્રોપદીનો સ્વયંવર જીત્યો હતો. તે પવિત્ર કુંડ અહીં સ્થિત છે.

અન્ય એક કથા મુજબ, વિષ્ણુજીએ ભગવાન શિવની આરાધના કરી ત્યારે એક કમળ ઓછું પડતાં તેમણે પોતાની આંખ અર્પણ કરી હતી. શિવે પ્રસન્ન થઈ તે ચક્ષુ પોતાના લલાટ પર ધારણ કર્યું, જેથી તેઓ 'ત્રિનેત્રેશ્વર' કહેવાયા. ત્રિનેત્રેશ્વર' શબ્દના લોકબોલીમાં થયેલા અપભ્રંશથી આ સ્થળનું નામ તરણેતર પડ્યું. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો, આ મંદિર દસમી સદીનું હોવાની શક્યતા છે તેમજ મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર હોવાનું સંશોધનકારો કહે છે. હાલના પ્રાચીન મંદિરનો જીણોદ્વાર લખતરના રાજવી ઠાકોર સાહેબ કરણસિંહજીએ ઇ.સ1902માં કરાવ્યું હતું. તરણેતર અને થાન તે સમયે લખતર સ્ટેટની શાસન નીચે આવતા હતા. આથી પુત્રી કરણબાના સ્મરણાર્થે રુ.50 હજારના ખર્ચે રાજવી ઠાકોર કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું.

ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો દર્શન અને સમય

સમય: સવારે 6:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

(ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ અહીં વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે, જે દરમિયાન ભગવાન શિવજીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ હોય છે.)

ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર કેવી રીતે પહોંચવું?

રોડ માર્ગ

શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા ભક્તો અમદાવાદથી નીકળીને નેશનલ હાઈવે 47 થઈને ચોટીલા કે લીંબડી થઈને થાન જઈ શકે છે. થાનગઢથી ઓટો કે ટેક્સી દ્વારા સરળતાથી મંદિર પહોંચી શકાય છે. થાનગઢથી તરણેતરનું અંતર માત્ર 8 કિમી છે.

રેલવે માર્ગ

તરણેતર ગામની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન થાન જંકશન છે. સુરેન્દ્રનગર કે રાજકોટ થઈને ટ્રેન દ્વારા થાનગઢ જઈ શકાય છે, સ્ટેશન નજીકથી ટેક્સી કે પ્રાઈવેટ વાહનો દ્વારા તરણેતર જઈ શકાય છે.

હવાઈ માર્ગ

તરણેતર મંદિરનું સૌથી નજીકનું એરપોર્ટ રાજકોટ એરપોર્ટ છે. અહીંથી ટેક્સી કે અન્ય કોઈ વાહન દ્વારા મંદિર જઈ શકાય છે. ઉપરાંત અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી કેબ કે બસ દ્વારા પહોંચી શકાય છે.

  • રાજકોટ એરપોર્ટ: 90 કિમી દૂર
  • અમદાવાદ એરપોર્ટ: 200 કિમી દૂર

ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર નજીક ફરવાલાયક સ્થળો

  • વાસુકિ દાદાનું મંદિર (થાનગઢ)
  • ચામુંડા માતાજી મંદિર (ચોટીલા)
  • ઝરિયા મહાદેવ
  • સુરેન્દ્રનગર ત્રિમંદિર
  • તરણેતરના કુંડ
  • વઢવાણનો હવામહેલ